• પતિ – પત્ની વચ્ચે એક વર્ષથી મતભેદ ચાલતાં હતાં.
  • શુક્રવારે સાંજે ઘરે પતિ – પત્ની વચ્ચે ચકમક ઝરી હતી.
  • નોકરી પર જવા નિકળેલી શિલ્પાનો કારમાં પીછો કર્યો.
  • આજવા ચોકડી પાસે ટુ-વ્હિલર મુકાવી શિલ્પાને કારમાં હાઈવે પાસેના ખુલ્લા મેદાનમાં લઈ ગયો.
  • મેદાનમાં ઝગડો થતાં પ્લાસ્ટિકના વજનદાર ધોકાથી શિલ્પાને માથામાં ફટકા માર્યા અને ગળુ દબાવ્યું.

WatchGujarat. શિક્ષક જયેશ પટેલે કેવી રીતે પત્ની શિલ્પાની હત્યા કરી? આ પ્રશ્નના તાણાંવાણાં હરણી પોલીસે ઉકેલી કાઢ્યા છે. હત્યાને આત્મહત્યામાં ખપાવવાની શિક્ષકની ગણતરી પોલીસે ઉંધી પાડી દીધી છે.

આજવા રોડ વિસ્તારના અમરદિપ હોમ્સમાં રહેતાં જયેશ પટેલ આણંદ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમની 39 વર્ષિય પત્ની શિલ્પાબહેન હાલ ગોત્રી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. ગઈકાલે સાંજે નાઈટ ડ્યુટી પર નિકળેલા શિલ્પાબહેનનો મૃતદેહ ભેદી સંજોગોમાં આજવા ચોકડી પાસે મળી આવ્યો હતો. તેમના કાળા રંગના ટુ-વ્હિલરની પાસે તેઓ અકસ્માતે પડ્યા હોય તેવી સ્થિતિમાં મૃતદેહ મળ્યા બાદ હરણી પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસે મૃતકના પતિ જયેશ પટેલની પુછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે, છેલ્લાં એક વર્ષથી પતિ – પત્ની વચ્ચે મતભેદ અને ઝગડા ચાલતાં હતાં. દરમિયાનમાં ગત તા. 4 ડિસેમ્બરના રોજ પતિ – પત્ની વચ્ચે બોલાચાલી અને ઝગડો થયો હતો. ત્યારબાદ સાંજે સાતેક વાગ્યાના સુમારે શિલ્પાબહેન નાઈટ ડ્યુટી પર જવા માટે કાળા રંગના ટુ-વ્હિલર પર ઘરેથી નિકળ્યા હતાં. તેમની પાછળ જ જયેશ પટેલ કાર લઈને નિકળ્યો હતો.

પત્નીની હત્યા કરનાર શિક્ષક પતિ જયેશ પટેલ

વૈકુંઠ – 02 સોસાયટીમાંથી સાંઈદીપ સોસાયટી તરફ જવાના રોડના વળાંક પર તેણે શિલ્પાબહેનને અટકાવ્યા હતાં. ટુ-વ્હિલર ત્યાં મુકાવી તે શિલ્પાબહેનને કારમાં પાંજરાપોળ હાઈવે તરફ આવેલા ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો. જ્યાં બંને વચ્ચે ફરી બોલાચાલી અને ઝગડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈ ગયેલા જયેશ પટેલે કારની ડિકીમાંથી પ્લાસ્ટીકનો કપડા ધોવાનો વજનદાર ધોકો કાઢ્યો હતો. અને તેણે શિલ્પાબહેનના માથાના પાછળના ભાગે ધોકા વડે બે – ત્રણ ફટકા ઝીંકી દીધા હતાં. તેમજ હાથથી ગળુ દબાવી દીધું હતું. માથામાં ગંભીર ઇજા પહોંચવાથી શિલ્પાબહેન બેભાન થઈ જતાં જયેશે તેણીને કારમાં બેસાડી દીધી હતી. શિલ્પાબહેનનું કારમાં જ મૃત્યુ નિપજતાં જયેશે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં અંધારાનો લાભ લઈ ટુ-વ્હિલર પાસે શિલ્પાબહેનના મૃતદેહને ફેંકી દીધો હતો. તેમજ ટુ-વ્હિલરને આડુ પાડી અકસ્માતે મોત નિપજ્યુ હોય તેવી સ્થિતિ સર્જી હતી. અને ત્યાંથી તે નાસી છૂટ્યો હતો.

હરણી પોલીસે ગણતરીના કલાકોમાં જયેશ પટેલ પાસે ગુનાની કબૂલાત કરાવી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud