રાજકોટ. શહેરનાં મવડી વિસ્તારમાંથી નેચરોપેથીનાં નામે ચાલતો ગર્ભ પરીક્ષણનો કારોબાર ઝડપાયો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં સોનોગ્રાફીનાં રૂ. 12000 અને ગર્ભપાત કરવાનાં રૂ. 20000 લેવાતા હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ તો પોલીસે સોનોગ્રાફી મશીન સહિતનાં મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

શહેરનાં મવડી મેઇન રોડ પર હરીઓમ એકયુપ્રેશર & નેચરોથેરાપી સેન્‍ટરમાં ગર્ભનું જાતીય પરીક્ષણ કરતા હોવાની અને ગર્ભપાત કરી આપવાની વ્‍યવસ્‍થા કરી આપતા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે એક દંપતિને જ ડમી ગ્રાહક તરીકે મોકલ્યા હતા. દરમિયાન સોનોગ્રાફી મશીનથી જાતીય પરીક્ષણ કરી દિકરી હોય તો ગર્ભપાત કરી આપવાની તૈયારી બતાવી ક્લિનિકનાં સંચાલકોએ સોનોગ્રાફીનાં 12 હજાર અને ગર્ભપાતનાં 20 હજારની માંગ કરી હતી.

જો કે ડમી દંપતિ સાથે રહેલી પોલીસ તરત જ દોડી ગઈ હતી. અને આ કાળો કારોબાર ચલાવતા અમિત થિયાદ, દિનેશ વણોલ અને અવેશ મંસુરીને રંગેહાથ દબોચી લીધા હતા. સાથે EDAN કંપનીનું સોનોગ્રાફી મશીન, તેમાં ઉપયોગમાં લેવાતી જેલની 2 બોટલ, 3 મોબાઈલ સહિતનો સામાન કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં પી.સી. એન્ડ પી.ટી. એક્ટ 3, 4, 6, 18 તથા નિયમ 3, 4, 6 તથા આઈપીસી કલમ 315, 511 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud