{“subsource”:”done_button”,”uid”:”271C96C0-DB63-45F4-A90B-F731F4DF9D1E_1609661357064″,”source”:”other”,”origin”:”gallery”,”source_sid”:”271C96C0-DB63-45F4-A90B-F731F4DF9D1E_1609661357091″}

જાન્યુઆરી મહિનો ઑટીટી પ્લેટફોર્મના ચાહકો માટે જેકપોટ સાબિત થવાનો છે. કેટકેટલી બોલિવૂડ-હોલિવૂડ ફિલ્મો અને વેબસીરિઝ આ મહિને અલગ-અલગ પ્લેટફોર્મ પર રીલિઝ થવા જઈ રહી છે. સૈફ અલી ખાન અને સુનિલ ગ્રોવર સ્ટારર વેબસીરિઝ ‘તાંડવ’ પણ એમાંની એક ખરી! ખેર, અત્યારે તો વાત કરવી છે, ‘કાગઝ’ વિશે. ઝી-ફાઇવ પર રીલિઝ થયેલી આ ફિલ્મ ૧૯૭૦ના દાયકાથી ’૯૦ના દાયકા સુધીની વાર્તા છે. લીડ રોલમાં પંકજ ત્રિપાઠીની સાથોસાથ થોડા સમય પહેલાં જ તેલુગુ બિગ-બોઝની ચોથી સિઝનમાં પોતાની અમીટ છાપ છોડી આવેલી મોનલ ગજ્જર પણ પત્નીનો કિરદાર નિભાવી રહી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ મોનલ ખાસ્સું કામ કરી ચૂકી છે. તદુપરાંત તમિલ, મલયાલમ, મરાઠી અને હિન્દી ફિલ્મ તથા ટીવી ઇન્ડસ્ટ્રી પણ ખરા! હવે તે ઑટીટીનું ખેડાણ શરૂ કરી ચૂકી છે.

‘કાગઝ’ની વાર્તા ઉત્તરપ્રદેશના બિહારી લાલ મૃતકના જીવનની સત્યઘટના પરથી પ્રેરિત છે. થોડા ઘણા પાત્રો અને ઘટનાઓમાં ફિક્શન ઉમેરીને ફિલ્મને રોચક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મમાં લીડ કેરેક્ટરનું નામ છે, ભરત લાલ (પંકજ ત્રિપાઠી)! ઉત્તરપ્રદેશના આઝમગઢ ખાતેનો રહેવાસી આ નાગરિક લગ્ન-પ્રસંગોમાં બેન્ડ-બાજા વગાડવા માટે જાય છે. પત્નીના કહેવા પર તે પોતાની દુકાન મોટી કરીને બે પાંદડે થવા માંગે છે. એ માટે લૉન લેવી પડે એમ છે. પરંતુ બેંકમાં આપવા માટે જરૂરી કાગળિયામાં તેને મૃતક જાહેર કરી દેવામાં આવ્યો છે. સરકારી ચોપડામાંથી તેનું નામોનિશાન મિટાવી દેવામાં આવ્યું છે. અને પછી શરૂ થાય છે, એક સંઘર્ષ. પોતાનું નામ, ઓળખાણ અને અસ્તિત્વ સરકારી ચોપડે પાછા લાવવા માટે તે માણસ બે દાયકા સુધી કાયદા અને તંત્ર સામે જંગ લડે છે.

ફિલ્મનું રાઇટિંગ, ડિરેક્શન અને પ્રોડક્શન કર્યુ છે, સતિષ કૌશિકએ! હા, એ જ અભિનેતા જેમણે સ્કેમ ૧૯૯૨માં પણ યાદગાર ભૂમિકા ભજવી હતી. ઘણા વર્ષો પછી તેઓ ડિરેક્શન ક્ષેત્રે પરત ફર્યા છે. ફક્ત એટલું જ નહીં, ફિલ્મમાં એમણે સાધોરામ નામના ભ્રષ્ટાચારી વકીલની ભૂમિકા પણ ભજવી છે, જેનું સમયથી સાથે હ્રદયપરિવર્તન થાય છે. ફિલ્મમાં વચ્ચે-વચ્ચે જરૂરી નરેશન માટેનો અવાજ પણ સતિષ કૌશિકનો છે. જોવા જેવી વાત એ છે કે, સલમાન ખાનનું પ્રોડક્શન હાઉસ પણ ફિલ્મ સાથે સંકળાયેલુ છે. ફિલ્મની શરૂઆત અને ક્લાયમેક્સમા આવતો સલ્લુ ભાઈનો વૉઇસ-ઑવર રીફ્રેશિંગ લાગે છે. (ફિલ્મ જોયા પછી એવું લાગે કે સલ્લુ ભાઈએ હવે એક્ટિંગ છોડીને આવી સરસ મજાની ફિલ્મો પ્રોડ્યુસ કરવાના કામમાં ધ્યાન પરોવવું જોઈએ.)

મોનલ ગજ્જરના ફાળે પ્રમાણમાં થોડું ઓછું કામ આવ્યું છે. પરંતુ તે સ્ક્રીન પર પોતાની માસૂમિયત થકી છવાઈ જાય છે. સાથોસાથ અમર ઉપાધ્યાયની હથોડાછાપ એક્ટિંગ વચ્ચે-વચ્ચે પ્રેક્ષકોને ત્રાસ આપવાનું કામ કરે છે. પંકજ ત્રિપાઠીના ખભે ઉંચકાયેલી આખી ફિલ્મ સખત રીતે રસપ્રદ છે, પરંતુ એમાં બોલિવૂડ-મસાલો ઉમેરવાની કોશિશ પીડાદાયક પૂરવાર થઈ છે. ખાસ કરીને આઇટમ સોંગ! ઉત્તરપ્રદેશની વાર્તા હોય એટલે આઇટમ સોંગ વગર પૂરી ન થાય એવો વણલખ્યો નિયમ આપણે ત્યાં હવે બની ગયો લાગે છે. ખેર, થોડા-ઘણા લૂપહૉલ્સ બાદ કરતા આખી ફિલ્મ સો ટકા વન-ટાઇમ વૉચ છે. આમ પણ પંકજ ત્રિપાઠી જ્યારે મુખ્ય કિરદારમાં હોય ત્યારે હડી કાઢીને એ ફિલ્મ જોઈ લેવાની, એવો સિનેમાનો વર્ષો જૂનો વણલખ્યો નિયમ હજુ પણ અનુસરી શકાય એમ છે.

ક્લાયમેક્સ: એક ઘટના તમારા ધ્યાનમાં આવી? વરૂણ ધવનની બકવાસછાપ ફિલ્મ ‘કુલી નં-૧’ એમેઝોન પર રીલિઝ થતાંના ૧૪ જ દિવસની અંદર જેફ બેઝોસ પાસેથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું બિરૂદ છીનવાઈને એલન મસ્ક પાસે જતું રહ્યું! કેટલી બુંદિયાળ ફિલ્મ હશે એ, કલ્પના કરી શકો છો? લોલ!

કેમ જોવી?: આવનારા સમયમાં કોરોનાની વેક્સિન લેવા માટે જ્યારે કાગળિયા દેખાડવાની જરૂર પડશે, અને દેશના અમુક લોકો પાસે એ નહીં હોય ત્યારનું ચિત્ર કેવું હશે એનો પૂર્વચિતાર જાણવા માટે!

કેમ ન જોવી?: બોલિવૂડ-મસાલો જોવાની ઇચ્છા હોય તો!

This Week on OTT

(૧) નેટફ્લિક્સ: હિસ્ટ્રી ઑફ સ્વેર વર્ડ્સ

(૨) ઝી ફાઇવ: કાગઝ

Next Week on OTT

(૧) એમેઝોન પ્રાઇમ: તાંડવ, માલ્કોમ એક્સbhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud