૯ ઑક્ટોબર, ૨૦૨૦ના રોજ રીલિઝ થયેલી ગયા વર્ષની ટોચની વેબસીરિઝ ‘સ્કેમ ૧૯૯૨’ બાદ, બરાબર છ મહિના પછી ૮ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર હર્ષદ મહેતાની બાયોપિક ‘ધ બિગ બુલ’ રીલિઝ થઈ. નક્કી કર્યુ હતું કે વેબસીરિઝ અને ફિલ્મની સરખામણી નહીં કરું, કારણકે સીરિઝમાં આઠ-નવ કલાકનું કૉન્ટેન્ટ હતું, જ્યારે ફિલ્મમાં અઢી કલાકનું! આમ છતાં જેમ જેમ ફિલ્મ આગળ વધતી ગઈ, એમ એમ અજાણતાં જ અભિષેક બચ્ચન અને પ્રતિક ગાંધીની સરખામણી થવા લાગી.

મૂળ વાર્તા ૧૯૯૨ની સાલના હર્ષદ મહેતાના કૌભાંડની જ છે. ૫૦૦૦ કરોડનું મસમોટું નાણાકૌભાંડ કરી શેરમાર્કેટમાં લાખો લોકોને બરબાદ કરી દેનારા હર્ષદ મહેતાની કહેવામાં આજે સમય નહીં બગાડું, કારણકે આપણે સૌ એનાથી સુપેરે પરિચિત છીએ. વાત કરવી છે, ’ધ બિગ બુલ’ ફિલ્મની! તમે ગમે એટલી નિષ્પક્ષતા સાથે આ ફિલ્મ જોવાની કોશિશ કરશો તો પણ તે વ્યર્થ જશે, એની હું ખાતરી આપું છું. સૌથી મહત્વની વાત તો એ કે. ફિલ્મ શરૂ થતાં પહેલાં ડિસ્ક્લેઈમરમાં એક વાક્ય લખાયેલું આવે છે, “આ ફિલ્મ થોડા ઘણા અંશે હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે”. આ વાક્ય ભયંકર ડિપ્લોમેટિક છે. યા તો કોઈ કૃતિ સંપૂર્ણપણે વ્યક્તિના જીવન પર આધારિત હોય અથવા સાવ ફિક્શન હોય! પરંતુ આ ‘થોડા ઘણા અંશે’ નિર્માણ પામેલી બાયોપિક એટલે શું, એ મને ખ્યાલ નથી.

વિવેચક તરીકે કોઈપણ કૃતિને અલાયદા દ્રષ્ટિકોણથી સરખામણી કર્યા વગર જોવી, એ મારી ફરજ છે. પરંતુ ’સ્કેમ ૧૯૯૨’નો પ્રભાવ પ્રેક્ષક તરીકે એટલો બધો હાવી છે કે ન પૂછો વાત! અઢી કલાકની ફિલ્મમાં ડિરેક્ટર કૂકી ગુલાટી અને રાઇટર અર્જુન ધવન વિષયવસ્તુને ન્યાય આપવાની વાત તો દૂર, ઠીકથી વર્ણવી પણ નથી શક્યા. વિલન વગર હીરોનું મહત્વ નહીવત છે. હર્ષદ મહેતાની સ્ટોરીમાં તેના જીવનમાં આવી પડેલી વિપત્તિઓ અને પરિસ્થિતિઓ જ વિલન હતાં, જે દર્શાવવામાં ડિરેક્ટર-રાઇટર તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. ફિલ્મની શરૂઆતમાં જ કેરી મિનાટ્ટીનું મશહૂર રેપ સૉન્ગ ’યાલગાર’ મૂકી દેવાયું છે, જે કાનમાં ખૂંચવાનું કામ કરે છે. બેકસ્ટોરી કે સ્ટ્રગર વગર જ શેરમાર્કેટના બાદશાહ બની ગયેલાં હેમંત શાહ (અભિષેક બચ્ચન)ની વાર્તામાં તેના જીવનની અનેક મહત્વની કડીઓ ખૂટતી હોય, તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

બીજી બાજુ, ’સ્કેમ ૧૯૯૨’માં સુચેતા દલાલનું પાત્ર ભજવનારી શ્રેયા ધન્વંતરી પણ અહીં બહુ યાદ આવે છે. સુચેતા દલાલના પાત્રનું નામ બદલીને અહીં મીરા રાવ થઈ ગયું છે, પરંતુ તે નિભાવી રહેલી ઇલિયાના ડીક્રુઝના અભિનયમાં શ્રેયા ધન્વંતરી જેવું ઊંડાણ નથી. સૌરભ શુક્લા, સોહમ શાહ, નિકિતા દત્તા, મહેશ માંજરેકર, રામ કપૂર વગેરે કલાકારો પણ ફિલ્મની વાર્તાને રસપ્રદ નથી બનાવી શક્યા. અભિષેક બચ્ચનના પાંચ-છ દ્રશ્યો એવા છે, જેમાં તે પોતાના કમરામાં બેસીને એકલો એકલો અટ્ટહાસ્ય કરે છે. તેના આ રાક્ષસી ખિખિયાટા હાસ્યાસ્પદ, કૃત્રિમ અને બેડોળ લાગે છે.

‘સ્કેમ ૧૯૯૨’માં થયેલું રીસર્ચ ઊડીને આંખે વળગે એટલું જોરદાર હતું. પરંતુ ’બિગ બુલ’માં બોલિવૂડ મસાલા છાંટ ઉમેરવા જતા મસમોટી ગરબડો થઈ ગઈ છે. અચિંત ઠક્કરની થીમ જે રીતે વાયરલ થઈ હતી, એ રીતે ’બિગ બુલ’ થીમને વાયરલ કરવા માટે કેરી મિનાટ્ટી નામના યુટ્યુબરનો આશરો લેવામાં આવ્યો હતો. તેણે યુટ્યુબ પર મૂકેલું ’યલગાર’ રેપ સોંગ સત્તાવાર રીતે આ ફિલ્મમાં એડોપ્ટ કરવામાં આવ્યું. આમ છતાં તે અહીં મિસ-ફિટ લાગે છે.

સૌથી નકારાત્મક બાબત એ છે કે હર્ષદ મહેતાની મૂળ સ્ટોરી સાથે છેડછાડ કરવામાં આવી છે. નામો બદલાઈ ગયા છે, ઘટના બદલી નાંખવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં, ક્લાયમેક્સ પણ સમૂળગો બદલી નાંખવામાં આવ્યો છે. સંવાદોમાં કોઈ ભલીવાર નથી. ’સ્કેમ ૧૯૯૨’ના ’રિશ્ક હૈ તો ઇશ્ક હૈ’ની જેમ અહીં એવો એકપણ ડાયલોગ તમે શોધી નહીં શકો, જે જિંદગીભર યાદ રહી જાય. હર્ષદ મહેતા જેમ શેરમાર્કેટની દુનિયાનો બિગ બુલ હતો, એવી રીતે પ્રતીક ગાંધી સિનેમાનો દુનિયાનો બિગ બુલ રહેશે એ નક્કી છે. આ ફિલ્મ પણ અભિષેક બચ્ચન માટે ફળદાયી નથી નીવડી.

https://www.facebook.com/watchgujaratnews

ક્લાયમેક્સ: ફિલ્મના પ્રોડ્યુસર અજય દેવગન અને આનંદ પંડિત ’સ્કેમ ૧૯૯૨’ જોયા પછી પણ આવી અંડરડોગ ફિલ્મ રીલિઝ કરીને પોતાની પ્રતિષ્ઠાનો દાવ લગાવવા માટે તૈયાર થઈ ગયા, એ ભારોભાર આશ્ચર્યનો વિષય છે.

કેમ જોવી?: ‘સ્કેમ ૧૯૯૨’ ન જોઈ હોય, એવા લોકો માટે વન-ટાઇમ વૉચ છે માટે!

કેમ ન જોવી?: હંસલ મહેતા અને જય મહેતા જેટલી મહેનત અને વિઝન ‘બિગ બુલ’ના ડિરેક્ટર કૂકી ગુલાટી પાસેથી નથી મળ્યા, એટલે!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud