પૉલા હૉકિન્સ નામની બેસ્ટ-સેલર લેખિકાની અંગ્રેજી નવલકથા. ધ ગર્લ ઑન ધ ટ્રેન. અફલાતુન લેખનશૈલી સાથે લખાયેલી સસ્પેન્સ થ્રિલર. એના પરથી ઑલરેડી એક હૉલિવૂડ ફિલ્મ બની ચૂકી છે અને હવે હિન્દી બોલિવૂડ ફિલ્મ પણ બની. જેમણે પુસ્તક વાંચ્યુ હશે, તેઓ બેશક આ ફિલ્મને મણ-મણના અપશબ્દો કહેશે. હૉલિવૂડ ફિલ્મ જોઈને આવેલા પ્રેક્ષકો પણ ચપ્પલના છૂટ્ટા ઘા કરશે! એક જબરદસ્ત રહસ્યકથાનું ફીંડલુ કેમ વાળવું, એ આપણે બોલિવૂડ પાસેથી શીખવા જેવું છે. માંડ બે કલાકની ફિલ્મ છે, પરંતુ શરૂઆતની દોઢેક કલાક કંટાળાજનક છે.

લંડનમાં રહેતી મીરા કપૂર (પરિણિતી ચોપરા) પોતાના પૂર્વ પતિ શેખર કપૂર (અવિનાશ તિવારી) સાથેના ડિવૉર્સને કારણે અત્યંત દુઃખી છે. એમ્નિશિયા નામની રેર સાયકોલોજિકલ બિમારીનો તે શિકાર બની છે, જેમાં તેનું મગજ અમુક યાદો સંઘરી નથી શકતું. એવામાં શહેરમાં નુસરત જોહ્ન (અદિતિ રાવ હૈદરી)નું ખૂન થાય છે, જેમાં શંકાની સોય મીરા કપૂર પર ઉઠે છે. ઇન્સ્પેક્ટર કૌર (કીર્તિ કુલ્હારી) આ કેસ હાથમાં લે છે અને વારાફરતી ઘટસ્ફોટ થતાં જાય છે.

ડિરેક્ટર રિભુ દાસગુપ્તાએ અડેપ્શનમાં જરા પણ મહેનત નથી કરી, એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. શરૂઆતની પાંચ મિનિટમાં જ એક ભારતીય લગ્ન સમારોહ દર્શાવીને ટિપિકલ બોલિવૂડવેડા કર્યા છે. પૃષ્ઠભૂમિ લંડન હોવા છતાં તેનો જોઈએ એટલી અસરકારક રીતે ઉપયોગ નથી કરી શકાયો. ફક્ત લંડન મેટ્રો દેખાડવા માટે જ એ પૃષ્ઠભૂમિનો ઉપયોગ થયો હોય એવું લાગ્યા રાખે છે. ટ્રેનમાં અવરજવર કરતી મીરા કપૂરનું પાત્ર ’ટ્રેન’ પર જ નભતું હોવા છતાં મેકર્સ તેનો ફાયદો નથી ઉઠાવી શક્યા. આ પ્રકારની ફિલ્મોમાં ખરેખર તો ટ્રેન પણ અગત્યનું પાત્ર બની જવું જોઈએ, જે અહીં નથી શક્ય બન્યું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અનુષ્કા શર્માની હોરર નેટફ્લિક્સ ફિલ્મ ’બુલબુલ’માં મુખ્ય પાત્ર નિભાવી ચૂકેલા અવિનાશ તિવારીએ અહીં દાટ વાળ્યો છે. જોકે, એમાં ફક્ત એનો વાંક ન કાઢી શકાય. શેખર કપૂરના પાત્રને ચોટદાર રીતે ઉપસાવવામાં લેખકો નિષ્ફળ નીવડ્યા છે. કીર્તિ કુલ્હારી, અદિતિ રાવ હૈદરીએ પોતપોતાના સેફ ઝોનમાં રહીને પર્ફોમન્સ આપ્યું છે. પરિણિતી ચોપરાને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં હજુ સ્ત્રીલક્ષી ફિલ્મનો સઘળો કારભાર તેના ખભે ન મૂકી શકાય, એવું તેણે અહીં સાબિત કરી દીધું છે. પરિણિતી ઘણી કાચી પડે છે!

પોલા હૉકિન્સની નવલકથાના મજેદાર ટ્વિસ્ટ્સ અને ટર્નને લીધે ફિલ્મ ક્લાયમેક્સ વેલા જોવાલાયક બને છે અને છેલ્લી અડધી કલાકમાં જલ્સો કરાવે છે. પરંતુ વારંવાર ટપકી પડતાં સડકછાપ હિન્દી ગીતોને કારણે ફિલ્મની મજા મરી ગઈ છે. રસ્તા પર કાજળ નીતરતી આંખે શરાબ પીતી, રખડતી, રડ્યે રાખતી પરિણિતીને જોવામાં પ્રેક્ષકોને બગાસા આવવા માંડે એવી સ્થિતિ છે.

ક્લાયમેક્સ: આગામી દિવસોમાં નેટફ્લિક્સ કરણ જોહરના ’ધર્મેટિક સ્ટુડિયો’ સાથે મળીને ઘણા નવા શૉ અને ફિલ્મો લાવી રહ્યું છે. એ યાદી પર ધ્યાન ગયું કે નહીં?

કેમ જોવી?: ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ નવલકથા ન વાંચી હોય તો. અને, એના પરથી બનેલી હૉલિવૂડ ફિલ્મ ન જોઈ તો.

કેમ ન જોવી?: પૉલા હૉકિન્સની કૃતિનું અપમાન થતાં જોવાની ઇચ્છા ન હોય તો!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud