#COOLIENO1

ફિલ્મ-વિવેચક તરીકેની મારી ચાર વર્ષ જૂની કારકિર્દીમાં વર્ષે-દહાડે એકાદ દિવસ તો એવો આવ્યો જ છે, જ્યાં સંસારની સઘળી મોહમાયા ત્યજીને સંન્યાસ લઈ લેવાનું મન થાય! ૨૦૨૦નું વર્ષ કેટલી હદ્દે બુંદિયાળ અને મનહુસ છે, એનો વધુ એક પુરાવો એટલે ‘કુલી નં-૧’. સાહેબ, હાથમાં દીવ લઈને શોધવા જશો તો પણ આટલી ખરાબ બોલિવૂડ ફિલ્મ મળવી મુશ્કેલ છે. ફિલ્મનું વાહિયાતપણું એટલું તીવ્ર છે કે, વિશ્વમાં એ માટે વપરાતા તમામ અપશબ્દો અને વિશેષણો સુદ્ધાં ટૂંકા પડે! ફિલ્મ જોયા પછી આ વાંચશો તો ‘કુલી નં-૧’ની સરખામણીમાં રિવ્યુ વધારે રોચક લાગી શકે એ નક્કી! #COOLIENO1

ગોવામાં હૉટેલ્સ ધરાવતાં જેફ્રી રોઝારિયો (પરેશ રાવલ) પોતાની દીકરી સારા રોઝારિયો (સારા અલી ખાન) માટે પૈસાદાર મૂરતિયાની શોધમાં હોય છે. આ ચક્કરમાં તે મેચમેકર જય કિશન (જાવેદ જાફરી)નું અપમાન કરે છે અને એકતા કપૂરની ટિપિકલ સીરિયલોની માફક જયકિશન જેફ્રી સામે બદલો લેવાનું નક્કી કરે છે. જેફ્રીની દીકરી માટે વાહિયાત જમાઈ પસંદ કરવાનું વચન પોતાની જાતને આપીને તે એવા કોઈ મૂરતિયાની શોધમાં પડી જાય છે, જે જેફ્રીની પ્રતિષ્ઠાને ધૂળધાણી કરી શકે. અને, એને રેલ્વે-સ્ટેશન પર ભેટો થાય છે રાજુ ઉર્ફે કુલી નં-૧ (વરૂણ ધવન)નો! રાજુ પોતાનું નામ બદલીને કુંવર રાજ પ્રતાપસિંહ કરી નાંખે છે અને જયકિશન બની જાય છે જેક્શન! #COOLIENO1

અરે દોસ્ત, શું રિવ્યુ લખું આ ફિલ્મનો? ૧૯૯૫ની સાલની ગોવિંદા અભિનિત ફિલ્મ ‘કુલી નં-૧’ની આ રિમેક વાસ્તવમાં મનોરંજનને નામે પ્રેક્ષકોની બુદ્ધિક્ષમતાની કસોટી કરવાનું કામ કરે છે, તેને અપમાનિત કરે છે. વરૂણ ધવન અને સારા અલી ખાન જેવા આશાસ્પદ સિતારા આ પ્રકારના પ્રોજેક્ટ પર કામ કરવાની હા પાડે એ કષ્ટદાયક બાબત છે. ડેવિડ ધવન ડિરેક્ટર તરીકે અપડેટ, ઇવોલ્વ કે અપગ્રેડ થયા જ નથી, એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. પિતાના કહેણનું માન રાખવા માટે વરૂણ ધવને આ ફિલ્મમાં અભિનય ભલે કર્યો હોય, પરંતુ તેની કરિયરની સૌથી ખરાબ ફિલ્મોમાંની યાદીમાં ’કુલી નં-૧’નો સમાવેશ થશે એની ખાતરી છે. ફરહાદ સામજીના ઢંગધડા વગરના સંવાદો, રુમી જાફરીનો લસ્ત સ્ક્રીનપ્લે, સલીમ-સુલેમાનનો હથોડાપ્રેરક બેકગ્રાઉન્ડ સ્કોર, રવિ ચંદ્રનની બેકાર સિનેમેટોગ્રાફી, રિતેશ સોનીનું વાહિયાત એડિટિંગ ‘કુલી નં-૧’ને ત્રાસદાયક બનાવે છે. પદ્મશ્રીનો ખિતાબ મેળવી ચૂકેલાં મનોજ જોશી જેવા દિગ્ગજ અભિનેતા આખી ફિલ્મમાં ખાલી આંટાફેરા મારતા હોય એ કેવું ગંદુ લાગે? સારા અલી ખાનને ફક્ત ગીતોમાં ડાન્સ કરવા માટે કાસ્ટ કરી હોય એવું જ લાગ્યા રાખે. જોની લિવર અને રાજપાલ યાદવના પાત્રો સ્ક્રીન પર આવે ત્યારે ચહેરા પર હાસ્યને બદલે મગજમાં પાવડો ઝીંકાય એ કેટલી મોટી કમનસીબી કહેવાય! #COOLIENO1

એમેઝોન પ્રાઇમ જેવા પ્લેટફોર્મ આવી ફિલ્મોને રીલિઝ કર્યા રાખશે તો એક દિવસ ઑટીટી પણ એકતા કપૂરની ટીવી સીરિયલની માફક કચરો બની જશે. #COOLIENO1

ક્લાયમેક્સ: વાસુ ભગનાની ને જેની ભગનાની પાસે અગર ખરેખર રૂપિયા વધી પડ્યા હોય તો ‘કુલી નં-૧’ જેવી ફિલ્મો ૫૦ કરોડ રૂપિયામાં પ્રોડ્યુસ કરવાને બદલે એનું દાન ગરીબોમાં કરી દેવું જોઈએ. પ્રેક્ષકોને ત્રાસ ન આપવાનું અને ગરીબોના ઉદ્ધાર કર્યાનું પુણ્ય એના ખાતામાં જમા થશે! #COOLIENO1

કેમ જોવી?: ડેવિડ ધવનની ફિલ્મ કેટલી હદ્દે કંટાળો, ત્રાસ અને પીડા આપી શકે એની ચકાસણી કરવી હોય તો!

કેમ ન જોવી?: બૌદ્ધિક સ્તર સાવ ખાડે ન ગયું હોય તો!

This Week on OTT

(૧) નેટફ્લિક્સ: એકે(અનુરાગ કશ્યપ) વર્સેસ એકે(અનિલ કપૂર), ધ મિડનાઇટ સ્કાય

(૨) એમેઝોન પ્રાઇમ: કુલી નં-૧

(૩) ડિઝની પ્લસ હોટસ્ટાર: ક્રિમિનલ જસ્ટિસ (સિઝન-૨)

(૪) સોની લિવ: શ્રીકાંત બશિર

Next Week on OTT

(૧) નેટફ્લિક્સ: ચિલિંગ એડવેન્ચર્સ ઑફ સબરિના (સિઝન-૪)

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

 

 

More #Film #Review by #Parakh Bhatt #coolieno1

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud