કેટલીક ફિલ્મો ફક્ત અને ફક્ત મનોરંજન માટે જોવાતી હોય છે, જ્યારે અમુક ફિલ્મો કંઈક શીખવા માટે! આ સિવાયની ફિલ્મોનો એક આખો અલગ પ્રકાર છે, જે થંભી ગયેલાં જીવનને નવપલ્લવિત કરવાની ક્ષમતા ધરાવે છે, માણસને નવી હિંમત અને નવો ઉત્સાહ પૂરું પાડવાનું કામ કરે છે. UNPAUSED પણ એમાંની જ એક છે. એન્થોલોજી ફિલ્મનો સિલસિલો આપણે ત્યાં ઑટીટી પ્લેટફોર્મ આવ્યા બાદથી વધુ ચલણમાં આવ્યો છે. લોકો થિયેટરમાં એન્થોલોજી જોવાનું પસંદ નથી કરતા એ હકીકત છે. પરંતુ આ જ પ્રેક્ષકો ઑટીટી પર હાલ એન્થોલોજીને ભરપેટ વખાણી રહ્યા છે. એન્થોલોજી વિશે સાવ સરળ ભાષામાં કહેવું હોય તો, બે કે તેથી વધારે વાર્તાઓનો સમૂહ! નેટફ્લિક્સ પર ભૂતકાળમાં રીલિઝ થયેલી ‘લસ્ટ સ્ટોરીઝ’ અને ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ જેવી ફિલ્મો ચાર-ચાર વાર્તાઓનો સમૂહ હતી. આ અઠવાડિયે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થયેલી UNPAUSED મૂળે પાંચ નાની ફિલ્મોનો સમૂહ છે. આને ડૉક્યુમેન્ટ્રી કે શૉર્ટ ફિલ્મોનો સમૂહ માનવાની ભૂલ ન કરી બેસતાં! કારણકે એન્થોલોજી ફિલ્મમાંની દરેક વાર્તાઓ મૂળતઃ એક નિર્ધારિત વિષયવસ્તુની ઇર્દગિર્દ ઘૂમતી રહે છે. UNPAUSEDમાં આ વિષયવસ્તુ છે: કોરોનાકાળ!

હું જાણું છું કે, કોરોના શબ્દ વાંચી-વાંચીને હવે તમારી આંખો થાકી ગઈ છે. પરંતુ અગર તમે આ વાક્ય વાંચી રહ્યા છો તો એનો મતલબ એમ છે કે, સિને’મા’ પર તમારો વિશ્વાસ હજુ પણ અકબંધ છે. ટ્રસ્ટ મી, UNPAUSED તમને તમામ નકારાત્મકતામાંથી બહાર ખેંચી લાવવા જેટલી ક્ષમતા ધરાવે છે. તેની વાર્તાઓ પોતાપણું મહેસૂસ કરાવે છે. આખા ભારતના દરેક નાના-મોટા પરિવારો, ગરીબ-મધ્યમ-અમીર વર્ગની વ્યથાને આવરી લે છે. બે કલાકના ટૂંકા ગાળામાં પ્રેક્ષકના મનમાંથી નિરાશાના વાદળો હટાવી સતત ચાલતા રહેવાનો, UNPAUSED રહેવાનો સંદેશો આપે છે.

પહેલી વાર્તા ફ્યુચરિસ્ટિક દ્રષ્ટિકોણ રજૂ કરે છે. ૨૦૩૦ની સાલમાં ત્રાટકેલા કૉવિડ-૩૦ સમયે એ સમયના લોકો કેવા પ્રકારનું જીવન જીવતાં હશે એ અંગેની કલ્પના એમાં કરવામાં આવી છે. ગુલશન દૈવેયા અને સૈયામી ખેરને ચમકાવતી આ વાર્તાનું નામ છે: ગ્લિચ. જેને ડિરેક્ટ કરી છે, ’સ્ત્રી’ ફેમ રાજ અને ડી.કે.એ! બીજી વાર્તાનું નામ છે: અપાર્ટમેન્ટ. કૉવિડના સમયમાં પોતાના પતિ સુમિત વ્યાસ સાથે છૂટાછેડા લઈ ચૂકેલી રિચા ચઢ્ઢા એટલી હદ્દે હતાશ થઈ ગઈ છે કે આત્મહત્યા જ તેને આખરી ઉપાય તરીકે સૂઝી આવે છે. પરંતુ એ જ ટાણે તેના અપાર્ટમેન્ટની ડૉરબેલ વગાડીને જીવનમાં આવેલો ઇશ્વક સિંઘ રિચાને હકારાત્મક દિશા ચીંધે છે.

ત્રીજી વાર્તા છે: રેટ-એ-ટેટ. ’સૈરાટ’ ફેમ રિંકુ રાજગુરૂ અને લિલ્લેટ દુબેને ચમકાવતી આ વાર્તામાં ૬૫ વર્ષની એક વૃદ્ધાની વાત છે, જેનો સ્વભાવ અતિશય ચીડચીડિયો છે. જિંદગીમાં લીધેલા કેટલાક નિર્ણયોથી તે નાખુશ છે. ઉંમર વધવાની સાથે તેનામાં પારાવાર પસ્તાવાની લાગણી ઉમેરાય છે, જે તેની સાથે રહેતી ભાડુઆત છોકરી સાથે વહેંચે છે. ચોથી વાર્તા છે: વિષાણુ. ’પાતાલલોક’ અને ’સ્ત્રી’ ફેમ અભિષેક બેનર્જી તેમજ ગીતિકા વિદ્યા ઓહલ્યાનને ચમકાવતી આ વાર્તામાં પરપ્રાંતીય મજૂરોની વ્યથા વર્ણવવામાં આવી છે. અચાનક આવી પડેલાં લૉકડાઉનથી એમના જીવનમાં આવેલા પરિવર્તનોને બહુ જ સુંદર રીતે કેમેરાના કચકડે કંડારવામાં આવ્યા છે.

પાંચમી અને છેલ્લી વાર્તા છે: ચાંદ મુબારક. લિજેન્ડરી એક્ટ્રેસ રત્ના પાઠક શાહ તેમજ શાર્દુલ ભારદ્વાજ જેવા કલાકારો ધરાવતી આ કથા એકલવાયી વૃદ્ધ સ્ત્રી અને પરિવારથી દૂર રહેતાં રિક્ષા-મેનની છે, જે લૉકડાઉનને કારણે મહિનાઓથી પોતાની પત્ની અને  બાળકોને મળી નથી શક્યો.

watch gujarat facebook page link

સમંદરમાંથી જેમ મોતી વીણવામાં આવે એ રીતે ચુનંદા પાંચ વાર્તાઓ પ્રેક્ષકના મગજને તરોતાજા કરી દે છે. લૉકડાઉનને કારણે આપણે શું ગુમાવ્યું અને શું મેળવ્યું, એના કરતા આપણી પાસે જે મૌજૂદ છે એની કદર કરતા શીખવે છે. UNPAUSED ફિલ્મ મુખ્યત્વે પ્રેક્ષકને પોતાના જીવન પ્રત્યે સંતોષભાવ, કૃતજ્ઞતાભાવ કેળવવાનો સંદેશ આપે છે. ટેક્નોલોજીકલ આંટીઘૂંટીમાં પડીને હું આજે આ ફિલ્મનું ઑપરેશન કરવા નથી માંગતો. કઈ વાર્તા સારી અને કઈ ઓછી સારી, એ તમે જાતે જ નક્કી કરો. પણ હા, એટલી ખાતરી કે પાંચમાંથી એકેય વાર્તા તમને નિરાશ નહીં કરે.

ક્લાયમેક્સ: કોરોનાએ આપણને ઘણું શીખવ્યું છે, પરંતુ આ દિવસો ભવિષ્યમાં ક્યારેય ભૂલાશે નહીં. વેક્સિન નજીક છે, કોરોનાકાળની સમાપ્તિના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે બહુ જ જલ્દી થિયેટરોમાં ફરી પહેલા જેવી ભીડ એકઠી થશે. એ વખતે કોરોનાકાળની વાર્તાઓ કહેતી ફિલ્મોનો પણ રાફડો ફાટવાનો છે, લખી રાખજો.

કેમ જોવી?: સમાપ્તિ તરફ આગળ ધપી રહેલાં ૨૦૨૦ના વર્ષને ખંખેરીને આવનારી નવી આશા અને તકોને આલિંગન આપવા માટે તત્પર હો તો!

કેમ ન જોવી?: એન્થોલોજીના શોખીન ન હો તો!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud