સૌપ્રથમ તો તમ હંધાયને નૂતન વર્ષાભિનંદન. હંસલ મહેતાએ સોની લિવ માટે ‘સ્કેમ ૧૯૯૨’ વેબસીરિઝ બનાવી. કપિલ શર્માના શૉમાં પ્રતીક ગાંધી અને શ્રેયા ધન્વંતરી સાથે જઈ આવ્યા. અને હવે ફરી પોતાના જૂના જોગી એવા કમ્ફર્ટ-એક્ટર રાજકુમાર રાવ સાથે ‘છલાંગ’ નામની ફિલ્મ લઈને હાજર થઈ ગયા છે. હંસલ મહેતાનું જોન્રે યાદ છે ને? શાહિદ અને ઓમેર્ટા. આ ફિલ્મો જેમણે જોઈ હશે, એમના માટે સ્કેમ ૧૯૯૨ અને છલાંગ એક સુખદ આશ્ચર્ય પૂરવાર થશે. હંસલ મહેતા આ પ્રકારનું હટકે મસાલા કામ પણ કરી શકે છે? એવો પ્રશ્ન મનમાં ઉદ્ભવશે. જોકે, વચ્ચે એમણે સિમરન જેવી ઑફ્ફ-બીટ ફિલ્મ પણ આપી છે.

હરિયાણાની એક પ્રાથમિક શાળા. જેમાં પી.ટી. ટીચર તરીકે ફરજ બજાવી રહેલા મોન્ટુ ઉર્ફે મહેન્દર હૂડા (રાજકુમાર રાવ)ને બાળકો સાથે કોઈ નિસ્બત જ નથી. અંગત ટાઇમ-પાસ અને રોજગારનું હાથવગું સાધન આસાનીથી મળી ગયું હોવાને લીધે તે સ્પૉર્ટ્સમાં રસ લેતો બંધ થઈ ગયો છે. તેની શાળામાં કમ્પ્યુટર શિક્ષક તરીકે નિલીમા (નુશરત ભરૂચા)ની નિમણૂંક થાય છે, જેન વિદ્યાર્થીઓ માટે અત્યંત લગાવ છે. બંને વચ્ચે પ્રેમ પાંગરે છે, એટલામાં કબાબમાં હડ્ડી બનીને નવા પી.ટી. ટીચર ઇન્દરમોહન સિંઘ (મોહમ્મદ ઝીશાન આયુબ) ટપકી પડે છે. શું થશે આ લવ-ટ્રાયેન્ગલનું? મોન્ટુ અને ઇન્દરમોહન સિંઘ એકબીજાને હરાવવા માટે જે સ્પોર્ટ્સ મેચ ગોઠવે છે, એમાં કોણ જીતશે? જવાબ મળી રહેશે, એમેઝોન પ્રાઇમ પર.

ફિલ્મ અધધ આર્ટિસ્ટિક નથી, એટલું જાણી લો. મસાલા-કૉમેડીના ચાહકો માટે દિવાળી બોનાન્ઝા છે. હંસલ મહેતાના ‘ઓમેર્ટા’ કે ‘શાહિદ’ અવતારને ધ્યાનમાં રાખીને જતા હોય તો નિરાશ થશો. રાજકુમાર રાવ સાથે એમનું ટ્યુનિંગ વર્ષો જૂનું છે. ‘છલાંગ’ના ડિરેક્શન માટે એમણે કમર્શિયલ એન્ગલને ધ્યાનમાં લીધો છે. દિવાળી પર કદાચ એમની પહેલીવહેલી ફિલ્મ રીલિઝ થઈ જશે. અને આમ જોવા જાઓ તો વેબ-ફિલ્મના મામલે આ એમનું ડેબ્યુ જ ગણી શકાય.

રાજકુમાર રાવ, નુશરત ભરૂચા, મોહમ્મદ ઝીશાન આયુબ, સૌરભ શુક્લા, ઇલા અરૂણ રાબેતા મુજબ બરાબર ખીલ્યા છે અહીં! પ્રત્યેક દ્રશ્યમાં કૉમેડી છે, મસાલા છે, ડ્રામા છે, રોમાન્સ છે. દિવાળીના દિવસોમાં શાંતિથી પૉપ-કોર્ન ખાતાં ખાતાં જોઈ શકાય એવી અદ્ભુત ફિલ્મ છે. સાવ હળવીફૂલ અને મજા અપાવે એવી! સ્કેમ ૧૯૯૨ બાદ સતિષ કૌશિકના પાત્રએ છલાંગમાં પણ જલ્સો કરાવી દીધો છે. તેઓ રાજકુમાર રાવના ઑપન-માઇન્ડેડ પિતાનો કિરદાર નિભાવી રહ્યા છે. હસતાં-હસતાં રોલ કરી નાંખતા આ અભિનેતાએ સાવ હળવી શૈલીમાં ભારતીય પિતાઓને ‘બાપ’ બનવાને બદલે સંતાનોના ‘મિત્ર’ બનવાનો સુંદર સંદેશો આપી દીધો છે.

ક્લાયમેક્સ : આ અઠવાડિયે ઘણી ફિલ્મો અને વેબસીરિઝ એકીસાથે રીલિઝ થઈ છે. એમાંથી જેટલી જોઈ શક્યો છું એના વિશે એક વાક્યમાં અહીં જણાવી દઉં છું.

(૧) લક્ષ્મી : અક્ષય કુમારના ફેન હો તો જોઈ કાઢજો. બાકી ભયંકર વાહિયાત ફિલ્મ છે.

(૨) આશ્રમ (સિઝન-૨) : પહેલી સિઝન જેવો ચાર્મ ઉભો નથી કરી શકી. વધુ પડતી ખેંચી હોવાને લીધે કંટાળાજનક લાગશે. પણ સાવ નાંખી દીધા જેવી નથી. ફિલ્મ-મેકર પ્રકાશ ઝા હજુ ત્રીજી સિઝન પણ દર્શકોના માથે ઝીંકવાના છે.

(૩) લુડો : અદ્ભુત. લાજવાબ. કાબિલેદાદ. અનુરાગ બાસુએ લાંબા સમય પછી જલ્સો કરાવ્યો છે. હડી કાઢીને જોઈ કાઢવા જેવી ફિલ્મ.

કેમ જોવી? : સોનુ કે ટિટુ કી સ્વિટી, પ્યાર કા પંચનામા-૧,૨ ના ડિરેક્ટર અને ફિલ્મ-મેકર લવ રંજન તથા અજય દેવગનનું પ્રોડક્શન, હંસલ મહેતાનું ડિરેક્શન અને રાજકુમાર રાવ-નુશરત ભરૂચાની ફ્રેશ જોડીનો લુત્ફ ઉઠાવવા માટે.

કેમ ન જોવી? : કૉમેડી ફિલ્મ જોવાની ઇચ્છા ન હોય તો!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud