ઑટીટીના શોરબકોર વચ્ચે કોઈ સિનેમેટિક કૃતિ હ્રદયના તાર ઝણઝણાવી જાય એવી ઘટના બહુ ઓછી બનતી હોય છે. જેમને આર્ટ-સિનેમામાં રસ હોય તેમના માટે જોકે હવે મુબી, હોઇચોઇ, ક્યુરોસિટી-સ્ટ્રીમ જેવા ઑટીટી પ્લેટફોર્મ મૌજૂદ છે. પરંતુ આ અઠવાડિયે નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ફક્ત ૯૦ મિનિટની ‘ત્રિભંગ’ વ્યુઅર્સ માટે સરપ્રાઇઝ છે! ફિલ્મના શીર્ષક બાબતે મૂંઝવણ પેદા થાય એ પહેલાં જણાવી દઉં કે અભંગ, સમભંગ અને ત્રિભંગ વસ્તુતઃ ઓડિસી પારંપરિક નૃત્યના શબ્દો (રાધર, ઉભા રહેવાની પોઝિશન) છે. પરંતુ એ વિશે વાત કરતા પહેલાં ફિલ્મની વાર્તા સાથે અવગત થવું જરૂરી છે.

મુંબઈના આપ્ટે પરિવારની ત્રણ પેઢી વચ્ચે ઝોલા ખાતી કથા ત્રણ અસ્તવ્યસ્ત જિંદગીઓનો રસથાળ પીરસવાનું કામ કરે છે. વૃદ્ધાવસ્થાને આંબી ચૂકેલી નયનતારા આપ્ટે (તન્વી આઝમી) નેશનલ અવૉર્ડ-વિનીંગ હિન્દી સાહિત્યકાર છે. તેની દીકરી અનુરાધા આપ્ટે (કાજોલ) બોલિવૂડની મશહૂર અદાકારા અને નામાંકિત ઓડિસી નૃત્યાંગના છે. અને ત્રીજી પેઢી એટલે કે અનુની દીકરી માશા (મિથિલા પાલકર) સંયુક્ત પરિવારમાં રહેતી ગર્ભવતી ગૃહિણી છે. ત્રણેયના આંતરમનમાં ફરિયાદોનો ઢગ ધરબાયેલો છે. સંબંધોને હડસેલો મારીને આગળ વધી ગયેલી આ જિંદગીઓ નયનતારાના બ્રેઇન-સ્ટોકના હુમલા વખતે ફરી એક ત્રિભેટે એકઠી થાય છે.

વ્હોટ અ ફિલ્મ! રેણુકા સહાને દિગ્દર્શિત ‘ત્રિભંગ’ ઉપમા અને રૂપકોની ફિલ્મ છે. રેણુકા સહાને પોતે એક સારી અદાકારા છે, જે ભૂતકાળમાં તેલુગુ-હિન્દી ફિલ્મો તથા સીરિયલોમાં કામ કરી ચૂકી છે. તેના ડિરેક્શનમાં અલગ જ પ્રકારની ફ્રેશનેસ છે. આપણે નાનપણથી માતા-પિતા પાસેથી સાંભળતા આવીએ છીએ કે, ‘જ્યારે તારું સંતાન થશે, ત્યારે તને મા-બાપની વેદના સમજાશે!’ ત્રિભંગમાં આ વ્યથા બહુ જ નાજુકપણે આકાર પામી છે, કેમેરાના કચકડે જીવંત થઈ છે, પ્રેક્ષકના હ્રદય સોંસરવી ઉતરી શકે એટલી તીવ્ર બની છે. કેટલીક વખત આભાર માનવામાં અથવા માફી માનવામાં માનવી ઘણું મોડું કરી દે છે. ક્ષણભંગુરતાનો અહેસાસ ત્યાં સુધી નથી થતો, જ્યાં સુધી વ્યક્તિનો જીવનદીપ બૂઝાઈ ન જાય. ખાટી-મીઠ્ઠી, તીખી-મોળી, ખારી-તૂરી જિંદગીના સ્વાદ ઘણી વખત તુંડમિજાજને કારણે ચૂકી જવાય છે. પોતાનું સત્ય એટલી હદ્દે સાચું લાગવા માંડે છે કે આપણે જાણ્યે-અજાણ્યે અન્યોના સત્ય પર પડદો પાડી દઈએ છીએ. સમયરૂપી રેતી હાથમાંથી સરકતી જાય છે અને જીવનના અંતે મુઠ્ઠી ખોલીને જોઈએ ત્યારે સમજાય કે પાછલા વર્ષોમાં કેટકેટલા મોતીને આપણે રેતી સમજીને સરકી જવા દીધા!

‘ત્રિભંગ’ આવરણરહિત વાસ્તવદર્શી ફિલ્મ છે. ઉદ્ધત, ઉછાંછળી અને અલ્લડ અનુના કિરદારમાં કાજોલ દીપી ઉઠી છે. રેણુકા સહાણેએ તેના પાત્રને ભરપૂર ખેડ્યું છે. પરંતુ સાથોસાથ, તેના બોલિવૂડ એક્ટ્રેસ હોવા પાછળનો તર્ક સમજાવવામાં તેમજ સંવાદોમાં દર બીજી સેકન્ડે બિનજરૂરી અપશબ્દો મૂકવા પાછળનું કારણ આપવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે. તેલની ધીમી ધારની માફક આગળ વધતી ફિલ્મ મદિરાપાનની લિજ્જત આપે છે, પરંતુ મિલન નામના સાહિત્યકારનું પાત્ર ભજવતાં કુણાલ રોય કપૂરના અભિનયમાં અતિશય કૃત્રિમતા આંખોને ખટકવા માંડે છે. આજ સુધી આપણે તેને મોજીલા અને ઉડાઉ પાત્રોમાં જ જોયો છે. અને કદાચ એટલે જ, તેના મોઢેથી સંભળાતું શુદ્ધ હિન્દી પ્રેક્ષક પચાવી શકતો નથી. એક પોઇન્ટ પછી તે હાસ્યાસ્પદ લાગવા માંડે છે. તન્વી આઝમી ’ત્રિભંગ’નું મારું સૌથી મનપસંદ પાત્ર નયનતારા ભજવી રહ્યા છે. સાહિત્યકાર તરીકેની એસ્થેટિક્સ બ્યુટી, વાણી-વર્તનમાં લહેજો, રીતભાત એમના લાજવાબ અભિનયમાં જળવાયા છે. અનુરાધા જ્યારે પોતાના ઘરમાંથી ધક્કો મારીને નયનતારાને કાઢી મૂકે છે, ત્યારે તન્વી આઝમીના ચહેરા પરના હાવભાવ પ્રેક્ષકની આંખ ભીની કરી દેવા જેટલા સક્ષમ છે. આમ છતાં પોતાની દીકરી પરત્વેના હ્રદય પરિવર્તનને તેઓ પૂર્ણતઃ ન્યાય આપી શક્યા નથી, જેની પાછળ રેણુકા સહાણેની લેખનક્ષતિને જવાબદાર ઠેરવી શકાય. અનુરાધાની દીકરી અને આપ્ટે પરિવારની ત્રીજી પેઢી એવી માશા ઉર્ફે મિથિલા પાલકર માટે તો સિને‘મા’ને પહેલેથી જ અધિક માન છે. ‘ગર્લ ઇન ધ સિટી’ હોય કે પછી ‘કારવાં’, ‘મુરંબા’ હોય કે પછી ‘લિટ્ટલ થિંગ્સ’… આ છોકરીએ દરેક કિરદારોને પોતાના બનાવ્યા છે. ત્રિભંગમાં પણ તેના હસમુખા ચહેરાની પાછળ છુપાયેલું દર્દ આંખો વાટે છલકાયું છે. કવલજિત સિંઘ, માનવ ગોહિલ, વૈભવ તત્વવાડી પણ પોતાના નાના સ્ક્રીન-ટાઇમને પૂરતો ન્યાય આપી શક્યા છે. લેખનક્ષતિને બાદ કરીએ તો, ‘ત્રિભંગ’ ખરેખર અવ્વલ દરજ્જાની ફિલ્મોમાં સ્થાન પામી શકવાની ક્ષમતા ધરાવે છે.

ક્લાયમેક્સ: નેટફ્લિક્સ પર ઘણા મહિનાઓ પછી કદાચ કોઈક એવી ફિલ્મ રીલિઝ થઈ હશે, જે જોતી વખતે ઘડિયાળ સામે જોવાની જરૂરિયાત ન પેદા થઈ!

કેમ જોવી?: ઑટીટીના આગમનને લીધે ફિલ્મ-એસ્થેટિક્સ કોને કહેવાય એ ભૂલાઈ ગયું હોય તો!

કેમ ન જોવી?: સ્ત્રી-કેન્દ્રી ફિલ્મો જોવી ન ગમતી હોય તો!

This Week on OTT

(૧) નેટફ્લિક્સ: ત્રિભંગ, સર

(૨) એમેઝોન પ્રાઇમ: તાંડવ

(૩) ઝી ફાઇવ: સૂરજ પે મંગલ ભારી

Next Week on OTT

(૧) નેટફ્લિક્સ: ધ વ્હાઇટ ટાઇગર

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud