MISMATCHED : બોલિવૂડમાં કૉલેજ-રોમાન્સ અને ફ્રેન્ડશીપ ક્રાઇસિસની વાર્તાઓને સૌથી સુરક્ષિત જોન્રે માનવામાં આવે છે. કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધ યર-૧ ફિલ્મએ મિલિયોનલ કિડ્સ, સ્પોઇલ્ડ બ્રાટ અને રિચ કૉલેજિયન ટીન-એજર્સની વાર્તાઓનો નવો દૌર શરૂ કર્યો એમ કહી શકાય. એ પછી તો ઑટીટી ઝોનમાં પંચબિટ્સ સહિત કેટકેટલી એવી વેબસીરિઝ અને ફિલ્મો આવી ગઈ, જેમાં અલગ અલગ રીતે એકસરખી વાર્તા વર્ણવવામાં આવી. નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ’મિસમેચ્ડ’ સીરિઝ પણ આમાંની જ એક! ફક્ત ૩૦ મિનિટના છ એપિસોડ્સ. યુવાનીના થનગનતાં સ્પંદનો લઈને કૉલેજમાં સમર-કોર્ષ કરવા આવેલા જુવાનિયાઓની વાત. મૂળ વાર્તા અંગ્રેજી લેખક સંધ્યા મેનનની નવલકથા ’વ્હેન ડિમ્પલ મેટ ઋષિ’ પર આધારિત છે.
રાજસ્થાનના જયપુરની કૉલેજમાં એપ-કૉડિંગના સમર-કોર્ષ માટે ભારતભરમાંથી કેટલાક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. અંબાલાની ડિમ્પલ (પ્રાજક્તા કૉલી)ને પણ ત્યાં જઈને ભણવાની તક મળે છે. બીજી બાજુ, જયપુરના રાજપૂત પરિવારના ફરજંદ ઋષિસિંહ શેખાવત (રોહિત સરફ)ને પહેલી નજરમાં ડિમ્પલ સાથે પ્રેમ થાય અને વાર્તા આગળ વધે.
અહીં ફક્ત ડિમ્પલ અને ઋષિ કેન્દ્રમાં નથી. એમના મિત્રો અને પરિવારજનોને પણ પોતપોતાની અલગ વાર્તાઓ આપવામાં આવી છે. એમના કેરેક્ટેરિસ્ટિક્સ એકબીજાથી જુદા છે. ક્યાંક પૂર્વીય ભારતમાંથી આવેલો દાનિશ તામંગ (યશ બુદ્ધદેવ) છે, તો ક્યાંક મોટી ઉંમરે એપ-કૉડિંગ શીખવા આવેલી વિધવા મુસ્લિમ સ્ત્રી ઝિન્નત કરિમ (વિદ્યા માલ્વડે). વળી, એમના પ્રોફેસરના કિરદારમાં રણવિજય સિંઘને અલગ જ કેરેક્ટર-ફ્લેવર આપવામાં આવી છે. અહીંયા કારા-ગોરાની માન્યતા, સ્ત્રી-પુરૂષ અસમાનતા, હોમોસેક્યુઅલિટી અને ઇન્ફિરિયારિટી કૉમ્પ્લેક્ષના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. #MISMATCHED
આમ છતાં હવે ફક્ત ૩૦ મિનિટના છ એપિસોડ્સ ધરાવતી વેબસીરિઝ સાવ ટચૂકડી લાગવા માંડી છે. કહેવાની જરૂર નથી જ કે, ‘મિસમેચ્ડ’ની બીજી સિઝન આવવાના એંધાણ સાથે પહેલી સિઝન પૂરી થઈ છે. પરંતુ બીજી સિઝન માટે રાહ જોવી ગમે એવો ચાર્મ ઉભો કરવામાં મેકર્સ તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. રોહિત સરફ આજકાલ ઑટીટી સ્પેસમાં છવાયેલો બળકટ અભિનેતા છે. આ પહેલા તેણે પ્રિયંકા ચોપરા સાથે ‘ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મમાં તેના દીકરાનો કિરદાર ભજવ્યો ત્યારથી તેની કરિયરને ચાર ચાંદ લાગી ચૂક્યા છે. આજે તેની પાસે ઑટીટી ઑફર્સની ભરમાર છે. તાજેતરમાં નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી અનુરાગ બાસુની ધાંસુ ફિલ્મ ‘લૂડો’ પણ તે મહત્વનો કિરદાર ભજવી રહ્યો છે. એ સિવાય એકતા કપૂરના ઑટીટી પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી માટે પણ તે ઘણી વેબસીરિઝ કરી ચૂક્યો છે. તેની એક્ટિંગ અને પર્ફોમન્સ બાબતે કોઈ શંકા નથી. પ્રાજક્તા કોલી પ્રમાણમાં થોડી લસ્ત અને ઊણી ઉતરતી હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ક્ષિતિ જોગ અને સુહાસિની મૂળે જેવા નામાંકિત કલાકારો અનુક્રમે ડિમ્પલની મમ્મી અને ઋષિના દાદીનો રોલ ભજવી રહ્યા છે. એકાદ-બે એપિસોડ પૂરતા અલપઝલપ આવીને ચાલ્યા જતાં એમના પાત્રો રસપ્રદ છે, પણ સ્ક્રીન-સ્પેસના અભાવને કારણે દિલોદિમાગ પર છાપ છોડવામાં નિષ્ફળ ગયા છે.
અલ્ટિમેટલી, વેબસીરિઝની વાર્તામાં કંઈ એવું ખાસ નથી જે દર્શકોને જકડી રાખે. આવા પ્રકારની અઢળક ફિલ્મો અને સીરિઝ હવે આપણે જોઈ ચૂક્યા હોવાથી ખાસ ઉત્તેજના જગાવે એવું અહીં કંઈ છે ક નહીં. બધું વાસી અને કલેવર વગરનું દેખાઈ આવે છે.
ક્લાયમેક્સ: બાય ધ વે, દક્ષિણ ભારતની પ્રાદેશિક ફિલ્મ ‘જલીકટ્ટુ’ આજ વખતે ભારત તરફથી ઑસ્કર-અવૉર્ડ જીતવા માટેની રેસમાં દોડી રહી છે. ખબર પડી કે નહીં?
કેમ જોવી?: હળવાફૂલ કૉન્ટેન્ટ અને કૉલેજ-રોમાન્સ ધરાવતી વાર્તા જોવા માંગતા હોય તો!
કેમ ન જોવી?: ચીલાચાલુ ઑટીટી કૉન્ટેન્ટથી દૂર રહેવા માંગતા હો તો!
This Week on OTT
(૧) નેટફ્લિક્સ: મિસમેચ્ડ, ફેબ્યુલસ લાઇવ્સ ઑફ બોલિવૂડ વાઇવ્ઝ, શૉન મેન્ડ્સ: ઇન વન્ડર
(૨) એમેઝોન પ્રાઇમ: અન્કલ ફ્રેન્ક, ઝીરો ઝીરો ઝીરો
(૩) સોની લિવ: અ સિમ્પલ મર્ડર
(૪) ડિઝની પ્લસ હૉટસ્ટાર: બ્લેક બ્યુટી
(૫) ઝી ફાઇવ: નક્સલબાડી, ડાર્ક-૭ વ્હાઇટ, મુમ-ભાઈ
Next Week on OTT
(૧) એમેઝોન પ્રાઇમ: સન્સ ઑફ ધ સોઇલ
(૨) સોની લિવ: એલ.એસ ફાઇનેસ્ટ
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.