આજકાલ યુવાનો માટે યુટ્યુબ- પૈસા અને નામ કમાવવા માટેનું સૌથી મોટું સાધન બની ગયું છે. એઆઈબી, ધ વાઈરલ ફિવર(ટીવીએફ), ધ કોમેડી ફેક્ટરી જેવી યુટ્યુબ ચેનલોએ યુવાવર્ગમાં રીતસરનો તરખાટ મચાવ્યો છે. ફિલ્મો કે સીરિયલોમાં કામ ન કરવા છતાંય કેટલાંય યુટ્યુબર્સને મોબાઈલ-લેપટોપનો ટચૂકડો સ્ક્રીન ઘણો ફળ્યો છે. આજે આપણે જેમનાં વિશે વાત કરવાનાં છીએ એ ચુલબુલી, નટખટ, હોંશિયાર અને ઉત્સાહી યુવાન યુટ્યુબરને સૌપ્રથમ રાજકોટ ખાતે મારે મળવાનું થયું હતું. મેઘના કૌર એનું નામ! ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, યુટ્યુબ પર લોકો એને ‘શી ટ્રબલમેકર’ તરીકે વધુ ઓળખે. એમનાં બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનાં ફોલોઅર્સ અને વ્યુઅર્સનો સરવાળો કરીએ તો કરોડોની સંખ્યાને વટી જાય એવું જબરદસ્ત ફેન-ફોલોઇંગ! મોટાભાગની ટેક્નોસેવી જનરેશનને એનું કોન્ટેન્ટ ખૂબ પસંદ પડે છે. કોઇ પ્રકારનાં એડવાન્સ પ્લાનિંગ કે સ્ટ્રેટેજી વગર ફક્ત સ્વેચ્છાએ આ છોકરી સોશિયલ મીડિયા પર કોન્ટેન્ટ ક્રીએટ કરે છે. તેને મન થાય ત્યારે તે વીડિયો અપલોડ કરે. બોલિવૂડ અને ટીવીનાં દિગ્ગજ કલાકારો સુદ્ધાં એનાં ફેન લિસ્ટમાં સામેલ છે! પહેલી વખત મેઘના સાથે મુલાકાત થઈ ત્યારે લગભગ પોણી કલાકનો સમય મળ્યો હતો મને ઇન્ટરવ્યુ માટે, પણ બીજી વખતની મુંબઈ ખાતેની મુલાકાત યાદગાર બની ગઈ. બાન્દ્રા ‘કોફી કલ્ચર’માં બેસીને લગભગ દોઢેક કલાક અમે અલક-મલકની વાતો કરી. એક વાત તો અહીં જરૂર ઉમેરવા ઇચ્છીશ કે, મેઘના સાથે વાત કરતા હો ત્યારે સમયનું કોઇ જ ભાન નથી રહેતું. ઘડિયાળનાં કાંટા રેતીની જેમ હાથમાંથી સરકીને પોતાની મરજીથી ટિક-ટોક દોડ્યા રાખે પણ એનો અવાજ સુદ્ધાં કાન સુધી ન પહોંચે એવું એનું વ્યક્તિત્વ. હસે તો એવું લાગે જાણે ફૂલડાં ઝર્યા! ઇન્ટરવ્યુ વખતે સાવ ‘આઉટ ઓફ ધ બ્લ્યુ’ જઈને મેં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, તારી બ્યુટી અને ઝીરો ફિગર બોડીનું રહસ્ય શું? તો મને કહે કે, હું ફાસ્ટ-ફૂડ અને બીજી ચટપટી આઇટમો એટલી બધી ઝાપટું છે કે ન પૂછો વાત! છતાં ભગવાનનાં ચારેય હાથ મારા ઉપર હોય એમ મારું વજન ક્યારેય વધતું જ નથી! (સાચું પૂછો તો મને ઘડીભર માટે ઇર્ષાનો શેરડો રોમેરોમમાં વ્યાપી ગયો હોય એવું લાગ્યું! કાશ… ભગવાન આવું વરદાન દરેક વ્યક્તિને આપી શકતો હોત!)

મુંબઈની રહેવાસી મેઘના કૌરે ૨૧ ઓગસ્ટ, ૨૦૧૫નાં રોજ જ્યારે ‘શી-ટ્રબલમેકર’ નામે એક યુટ્યુબ ચેનલ શરૂ કરી ત્યારે તેમને કલ્પના પણ નહી હોય કે ખૂબ ઓછા સમયગાળામાં પોતાનાં વીડિયો આટલી હદ્દે વાઈરલ થઈ જશે! રમૂજી વીડિયો બનાવી ચૂકેલી મેઘના પાસે હાલમાં દોઢ લાખ સબસ્ક્રાઈબર્સ છે. તેનાં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટને બોલિવુડનાં ધ બેસ્ટ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા સહિત ૭ લાખ લોકો ફોલો કરી રહ્યાં છે. ચાર વર્ષનાં સમયગાળામાં તેમની આ યુટ્યુબ ચેનલને કુલ ૭૬ લાખ દર્શકો મળી ચૂક્યાં છે. આટલું જ નહીં, કાઉન્સેલર તરીકેની કરિયર પણ હાલ ચાલુ જ છે! વ્યક્તિની અંદર છુપાયેલી આવડતને પિછાણી ભવિષ્યમાં કયા કરિયરની પસંદગી કરવી જોઈએ એ વિષય પર તે લોકોને માર્ગદર્શન આપે છે.

                પોતાની યુટ્યુબ ચેનલનું નામ ‘શી-ટ્રબલમેકર’ રાખવાનું કારણ જણાવતાં મેઘના કહે છે, જ્યારે તમે નાના હો ત્યારથી જ કશુંક નવીન કરવાની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. બસ, એ જ વિચાર સાથે આ ચેનલનું નામ શીટ્રબલમેકર રખાયું, જે બાદમાં પ્રખ્યાત થયું.

                        ઘણાં-બધાં ડિરેક્ટર્સ પોતાની સીરિયલમાં એક્ટિંગ કરવા માટે મેઘનાનો સંપર્ક સાધી રહ્યાં છે પરંતુ હાલતુરત તેને માત્ર યુટ્યુબ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું છે. તેનાં પિતા પોતે એક અભિનેતા હોવા છતાં મેઘનાને ટેલિવિઝન કે ફિલ્મો કરવાની કોઈ જ ઈચ્છા નથી. આજથી વખતઅગાઉ મેઘના કૌરે પોતાનાં મિત્ર તેમજ બોલિવુડ અભિનેતા ચંકી પાંડેનાં દીકરા અહાન પાંડે સાથે એક વીડિયો અપલોડ કર્યો હતો, જેને લાખ્ખો લોકો દ્વારા સરાહના પ્રાપ્ત થઈ છે. અહાન વિશે વાત કરતા મેઘના જણાવે છે કે, તે એક ફન-લવિંગ અને મહેનતુ છોકરો છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અહાન પોતાનાં પિતાનાં દમ પર નહી, આપબળે આગળ આવવામાં માને છે.

                        યુટ્યુબ પર આજકાલ ઘણાં લોકો પોતાની ચેનલ બનાવી તેનાં પર અલગ-અલગ વીડિયો અપલોડ કરી રહ્યાં છે. આવાં સમયે મેઘના પોતાનાં વીડિયોનાં ટાઈટલ અને ડિસ્ક્રિપ્શન પર વધુ ધ્યાન આપે છે. કોઈપણ નવો વીડિયો બનાવતાં પહેલાં તેણી પોતાની ક્રિયેટીવ ટીમ સાથે બેસીને વીડિયોનાં વિષય તેમજ સ્ક્રીપ્ટ પર વિગતે ચર્ચા કરે છે. તે માત્ર ઈન્સ્ટાગ્રામ પર જ વિવિધ બ્રાન્ડ્સની જાહેરાત કરે છે, યુટ્યુબ પર નહી!

                ‘યુટ્યુબ નેક્સ્ટ-અપ’ દ્વારા પસંદ કરાયેલાં ટોચનાં ૧૨ લોકોમાં મેઘનાને સ્થાન મળ્યું હતું, જે ઘણી મોટી વાત છે. યુટ્યુબ નેક્સ્ટ-અપમાં પ્રોડક્શનથી માંડીને સાઉન્ડ રેકોર્ડિંગ, ફોટોગ્રાફી સુધીનાં તમામ ટેક્નિકલ પાસાં વિશે માહિતગાર કરવામાં આવે છે. આટાઆટલું હાંસિલ કર્યા બાદ પણ મેઘના પોતાને સફળ વ્યક્તિ માનવાનો સાફ ઈન્કાર કરતા જણાવે છે કે,”હજું ઘણું-બધું કરવાનું બાકી છે, ભવિષ્યમાં મારી ચેનલને વધુ આગળ લઈ જઈ અવનવા વીડિયો અપલોડ કરવા છે જે લોકોને ખુશાલી આપવાનું કામ કરે.” ઈન્સ્ટાગ્રામ પર મેઘના કૌરનાં નામે લગભગ ૧૦૦થી પણ વધુ ફેન-પેજ એક્ટિવ છે.

                મેઘના (શી-ટ્રબલમેકર)એ પોતાની ચેનલ પર વીડિયો લોગ (વી-લોગ) અપલોડ કરવાનાં ચાલુ કર્યા છે અને તેનું એડિટિંગ કામ સરળ હોવાને લીધે તેણી જાતે જ પોતાનાં વીડિયો શુટ કરી વધુ વી-લોગ બનાવવા ઈચ્છે છે. જસ્ટીન બીબર પોતાનાં વીડિયો જુએ તેવી મહત્વકાંક્ષા ધરાવનાર મેઘના કૌર યુટ્યુબ થકી કરિયર બનાવવા ઈચ્છુક યુવાનોને સલાહ આપતાં જણાવે છે કે,”મને ઘણાં લોકો વારંવાર મારા કામ અને ચેનલ વિશે પૂછતાં હોય છે. કઈ રીતે ચેનલ શરૂ કરવી, ક્યારે સફળતા મળશે જેવાં સવાલોના જવાબમાં તેમને હું એક જ વસ્તુ જણાવું છું –પહેલાં શરૂ તો કરો! લોકો શું વિચારશે એ ધ્યાનમાં લીધા વગર તમને જે વસ્તુ અંદરથી ખુશી આપતી હોય તે વિષય પર વીડિયો બનાવવાનું ચાલુ કરી દો. આ માટે કોઈ જાતનાં પ્રોફેશનલ કેમેરાની પણ જરૂર નથી. બીબી કી વાઈન્સ જેવાં ‘સેલ્ફી-કેમેરા’માં શુટ થયેલાં વીડિયોને પણ જો એક કરોડ વ્યુઅર્સ મળી શકતાં હોય તો એનો મતલબ સાફ છે કે ક્વોલિટી તમારા કેમેરાની નહી, કન્ટેન્ટની જળવાવી જોઈએ! પણ હા, સોશિયલ મીડિયા પર સેલ્ફ રિસ્પેક્ટને નેવે મૂકી ‘ઢિંચક પૂજા’ની માફક આબરૂનાં ધજાગરા કરવાની જરૂર નથી.”

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Our Partners

Allianz Cloud
error: Share the News !