• રાજ્ય સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને કરાયેલા તમામ દાવા પોકળ
  • ગુજરાતમાં 1,44,306 લોકો ઘરવિહોણા, લોકસભામાં કેન્દ્ર સરકારનો ખુલાસો
  • ગામડાં કરતાં શહેરોમાં ઘરવિહોણાંની કફોડી દશા, શહેરોમાં જમીન આપવી રાજ્ય સરકાર માટે કઠિન કામ બન્યુ
  • ઘર વિના લોકો ફુટપાથ-ખુલ્લી જમીન પર રહેવા મજબૂર, હકદાર ગરીબ લોકો જમીન-આવાસ યોજનાના લાભથી વંચિત

WatchGujarat. ગુજરાત સરકાર દ્વારા ઠેર-ઠેર વિકાસ કર્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. વિકસીત રાજ્ય ગુજરાતમાં 1.44 લાખ લોકો આજેય ઘરવિહોણાં છે. ઘર માટે જમીન ના હોવાથી આ ભુમિહીન પરિવારો ફુટપાથ અથવા ખુલ્લી જમીનમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે રાજ્ય સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.

ગુજરાતમાં ચારેકોર વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પૂરજોશમાં ચાલી રહી હોવાનો સરકાર દાવો કરી રહી છે. જેમાં હજારો લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળ્યો છે તેવું સરકારે જણાવ્યું હતું. ત્યારે ખુદ કેન્દ્ર સરકારે લોકસભામાં ઘરવિહોણા મુદ્દે ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં કુલ મળીને 1,44,306 લોકો ઘરવિહોણા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ઘરવિહોણા લોકોની સંખ્યા ગામડાં કરતાં શહેરોમાં વધુ છે. ગુજરાતમાં શહેરોમાં 84,822 લોકો ઘરવિહોણા છે જ્યારે ગામડાઓમાં ઘરવિહોણા લોકોની સંખ્યા 59,484 છે. મહત્વનું છે કે શહેરોમાં જમીન આપવી રાજ્ય સરકાર માટે કઠિન કામ બન્યુ છે. આ જોતા આવાસ આપવા પ્રધાન્ય અપાઈ રહ્યું છે.

વધુમાં મળતી વિગતો અનુસાર કેન્દ્રીય સામાજીક અધિકારાતા વિભાગના મતે, ભારતમાં કુલ 17,73,040 ઘરવિહોણા છે. અત્યાર સુધી ભારતમાં 4,46,58 ભુમિવિહોણા લાભાર્થીઓ પૈકી 2,02,719 લાભાર્થીઓને જમીન આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 5549 લોકોને જમીન આપવામાં આવી છે જ્યારે 2119 લોકોને હજુ સુધી જમીન કે નાણાંકીય સહાય ચૂકવાઈ નથી. ગુજરાત સહિત ભારતમાં આવાસ માટે કેટલીક માંગ છે તે અંગે સર્વેક્ષણ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ ઘરવિહોણા અત્યારે તો ફુટપાથ કે ખુલ્લી જમીનમાં રહેવા મજબૂર બન્યા છે. ટૂંકમાં, આજે પણ હજારો-લાખો ગરીબ પરિવારો ઉપર આભ નીચે ધરતીની જેમ દિવસો પસાર કરી રહ્યા છે. જોકે આ અંગે કેન્દ્ર સરકારનું કહેવુ છે કે, ઘરવિહોણાં લોકો માટે જમીન સંપાદનએ મહત્વની પ્રક્રિયા છે તે રાજ્ય સરકારની જવાબદારી છે.

Facebook Comments Box

Videos

Our Partners