- વર્ષોથી પાકિસ્તાનની જેલમાં કેદ રહેલા માછીમારો વતન પરત ફર્યા
- પરત ફરેલ 20 માછીમારો પૈકી 05 ઉત્તરપ્રદેશના તેમજ 15 ગીર સોમનાથ જિલ્લાના
- 4 વર્ષથી જેલમાં હતા માછીમારો,પરિવાર કફોડી સ્થિતિમાં મુકાયા
WatchGujarat.ભારતીય જળ સીમામાંથી છાસવારે નાપાક પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોને બંધક બનાવી જેલમાં ધકેલી દેવામાં આવે છે. અને રાજરમત રમી સમયાંતરે માછીમારોને મુક્ત કરાય છે. આવા જ 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવતા વેરાવળ ફિશરીઝ વિભાગની ટિમ દ્વારા આ માછીમારોને વાઘા બોર્ડર ખાતેથી લાવી તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.
વર્ષો સુધી જેલમાં યાતના વેઠી પરત આવેલા માછીમારોનું સ્વજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. હજુ પણ 560 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે જ્યારે સુત્રાપાડાના મૃતક માછીમાર જેન્તી કરશન સોલંકીનો એક માસ વીતી જવા છતાં મૃતદેહ આવ્યો નથી. પરત ફરેલ 20 માછીમારો પૈકી 05 ઉત્તરપ્રદેશના તેમજ 15 ગીર સોમનાથ જિલ્લાના છે.
મિડીયા સાથે વાત કરતાં પાકિસ્તાનની દાંડી જેલમાં યાતના વેઠી મુક્ત થયેલા માછીમારોએ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે જેલમાં આરોગ્યની સુવિધા પૂરતી મળતી નહોતી અને કોઈપણ દર્દ કે તકલીફ હોય એક જ દવા આપી તકલીફો દૂર કરવાને બદલે વધુને વધુ તકલીફો આપવામાં આવતી હતી. મુક્ત થયેલા માછીમારો પૈકી 5 માછીમારો ઉત્તરપ્રદેશના પણ છે જે પૈકીના સુનિલ પ્યારેલાલે મીડિયા સમક્ષ વેદના ઠાલવતા જણાવ્યું હતુ કે અમે 4 વર્ષથી જેલમાં હતા અને પરિવાર કફોડી સ્થિતિમાં મુકાયેલ છે. જેમ ગુજરાત સરકાર માછીમારોના અપહરણ બાદ તેમના પરિવારને સહાયરૂપ બને છે તેમ ઉત્તરપ્રદેશની યોગી સરકાર પણ અમારી વ્હારે આવે તેવી વિનંતી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન જેલમાં હજુ પણ 560 જેટલા માછીમારો યાતના વેઠી રહ્યાં છે જે પૈકી અનેક સજા કાપતા મોતને પણ ભેટે છે. આવા જ એક હતભાગી માછીમાર સુત્રાપાડાના જેન્તી કરશન સોલંકીનું ગત 14 ડિસેમ્બરના રોજ જેલમાં મૃત્યુ થયું છે. હાલ મુક્ત થયેલ માછીમારોના જણાવ્યા મુજબ જેન્તીભાઈનું હૃદયરોગનો હૂમલો આવતા મૃત્યુ થયું હતું. પરંતુ, આજે એક માસ વીતી જવા છતાં આ હતભાગી માછીમારનો મૃતદેહ તેમના સ્વાજનને મળ્યો નથી. છેલ્લા પંદર દિવસથી ફિશરીઝ વિભાગની ટિમ પણ વાઘા બોર્ડર પર માછીમારના મૃતદેહની રાહ જોઇ રહી છે. બીજી તરફ પરિવારજનો પણ કલ્પાંત કરી રહ્યા છે. ત્યારે મૃતક માછીમારનો મૃતદેહ વહેલી તકે મળે તે માટે માછીમાર સમુદાય સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.