• રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં MOU કરવા હોડ જામી છે
  • મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે મોટા ઉપાડે વાઈબ્રન્ટ સમિટમાં કરોડોના MOU કરવામાં આવે છે
  • જામનગર મહાનગરપાલિકાએ વાઈબ્રન્ટ સમિટમાં MOU માટે 153 કામનો લક્ષ્યાંક અપાયો
  • આ લક્ષ્યાંક પૂર્ણ કરવા જામનગર મનપાએ આવાસ, ભૂગર્ભ ગટર સહિતનાં લોકલ કામ પણ ગણાવી દીધાં

WatchGujarat. રાજ્યમાં આગામી 10 થી 12 જાન્યુઆરીએ યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં MOU કરવા  હોડ જામી છે. નોંધનીય છે કે દર વર્ષે વાઈબ્રન્ટ સમિટમાં મનપા દ્વારા મોટા ઉપાડે કરોડોના MOU કરાય છે. પરંતુ વાઈબ્રન્ટ સમિટમાં જે MOU થાય છે તેમાંથી મોટાભાગના સમયસર પૂર્ણ થતાં નથી તે વાસ્તવિક્તા છે. આ વાસ્તવિક્તાને દર્શવાતી એક ઘટના સામે આવી છે. વાઈબ્રન્ટ સમિટમાં MOU માટે જામનગર મહાનગરપાલિકાએ 153 કામનો લક્ષ્યાંક અપાયો હતો. જેને પૂરો કરવા માટે જામનગર પાલિકાએ એક હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો છે.

મહાનગર પાલિકાના માત્ર 25 જ કામ, બાકી બધાં ખાનગી પ્રોજેક્ટ્સના કામ ઠપકારી દીધા

મીડિયા અહેવાલ અનુસાર જામનગર મનપાને લક્ષ્યાંક 153 કામનો અપાયો હતો જેની સામે 156 કામ મોકલ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે આ કામોમાં પાલિકાના ફક્ત 25 જ કામ છે બાકી બધા ખાનગી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જામનગર મનપાના 25 કામોમાં પણ શહેરમાં હાલમાં ચાલી રહેલા ફ્લાય ઓવર, ભૂગર્ભ ગટરનું રીસ્ટોરેશન કામ તથા આવાસ અને ભૂગર્ભ ગટરના લોકલ કામનો સમાવેશ થાય છે. એટલું જ નહીં મનપાએ સ્વચ્છ ભારત મિશન અને સ્થાનિક વોટર વર્કસના કામ પણ ઠપકાર્યા છે.

જામનગર મનપાએ MOU માં ગણાવી દીધેલા કામ

  • રૂ.200 કરોડના ખર્ચે ચાલી રહેલું ફ્લાય ઓવરબ્રીજનું કામ
  • રૂ.25 કરોડના ખર્ચે ચાલી રહેલું ભૂજિયા કોઠા રિસ્ટોરેશનનું કામ
  • વોટર વર્કસના 3 કામ
  • આવાસ યોજનાના 2 કામ
  • સ્વચ્છ ભારત મીશનના 3 કામ
  • ભૂગર્ભ ગટરના 3 કામ

જામનગર મનપાએ વાઈબ્રન્ટ સમિટના કામની સંખ્યાનો લક્ષ્યાંક પૂરો કરવા આવાસ, ભૂગર્ભ ગટર સહિતના લોકલ કામ પણ ગણાવી દેતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. 156 માંથી માત્ર 25 કામ મહાનગરપાલિકાના છે, બાકી અન્ય કામ ખાનગી પ્રોજેક્ટના મૂકતા મહાનગરપાલિકાની MOU ની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે વાઈબ્રન્ટમાં મનપા દ્વારા મોટા ઉપાડે કરોડોના MOU કરવામાં આવે છે. પરંતુ તેમાંથી મોટા ભાગના MOU સમયસર પૂર્ણ થતાં જ નથી. જ્યારે નાણાંની તંગી સહિતના કારણોસર ખાનગી પેઢી દ્વારા કરાયેલા MOU પણ સમયસર પૂર્ણ થતા નથી અથવા તો પડતા મૂકવામાં આવે છે. આ એક કડવી વાસ્તવિક્તા છે.

Facebook Comments Box

Videos

Our Partners