• રાજકોટનાં મેયર આદેશ બાદ સદર સહિતનાં રાજમાર્ગો પરથી નોનવેજની લારીઓ હટાવવામાં આવી
  • આ અંગે અનેક ફરિયાદો મળ્યા બાદ દિવાળી પૂર્વે અધિકારીઓ સાથેની બેઠકમાં મેયરે સૂચના આપી હતી
  • મુખ્ય માર્ગ પર કોઇપણ પ્રકારના દબાણ ચલાવી લેવાશે નહીં – મ્યુનિસિપલ કમિશ્નર

WatchGujarat. શહેરનાં મેયર ડો. પ્રદીપ ડવનાં આદેશ બાદ સદર સહિતનાં રાજમાર્ગો પરથી નોનવેજની લારીઓ હટાવવામાં આવી છે. આ અંગે મેયરને અનેક ફરિયાદો મળ્યા બાદ દિવાળી પૂર્વે અધિકારીઓ સાથેની બેઠકમાં મેયરે સૂચના આપી હતી. જો કે આ સુચનનું પાલન હવે કરાયું છે. અને સદર બજારમાં નાયબ કમિશનર સિંઘે ઈંડાંની લારીઓ બંધ કરાવી હતી. સાથે જ તમામને હોકર્સ ઝોનમાં રેંકડીઓ રાખવાની સૂચના આપવામાં આવી છે. જો કે ઔદ્યોગિક વિસ્તારમાં નોનવેજનું વેંચાણ કરવાની છૂટ આપવામાં આવી છે.

આ અંગે મેયરે જણાવ્યું હતું કે, ઘણા શહેરીજનોની ફરિયાદ આવી હતી કે જાહેરમાં માંસ-મટન વેચાતા હોવાથી માર્ગો પરથી નીકળી શકાતું નથી. તહેવાર પહેલા જ બધા રેંકડીધારકોને સૂચના આપી દેવાઈ હતી. જે લોકોને ધંધો કરવો છે તેઓએ મુખ્ય માર્ગ રહેણાક વિસ્તારથી દૂર ઔદ્યોગિક વિસ્તારોમાં કરી શકશે જેથી કોઇને નડતરરૂપ બને નહીં. પણ, મેઈન રોડ, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ પાસે તેમજ રહેણાક વિસ્તારોમાં કોઇ કાળે ગેરકાયદે નોનવેજના હાટડા ચલાવી લેવાશે નહીં.

મુખ્ય માર્ગ પર કોઇપણ પ્રકારના દબાણ ચલાવી લેવાશે નહીં – મ્યુનિસિપલ કમિશ્નર

મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, મુખ્ય માર્ગ પર કોઇપણ પ્રકારના દબાણ ચલાવી લેવાશે નહીં. જ્યારે નોનવેજના ધંધાર્થીઓની વાત છે તો મુખ્ય માર્ગ સિવાય પણ જ્યાં જ્યાં ફરિયાદ આવશે ત્યાંથી હટાવાશે. એવા વિસ્તારો કે જ્યાં નોનવેજની માંગ છે કોઇને તકલીફ નથી તેમજ ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાં વેપાર કરી શકશે. જોકે તેઓ જ્યાં પણ ધંધો કરશે ત્યાં સ્વચ્છતાનું પાલન કરવાનું રહેશે આ માટે અલગથી ડસ્ટબિન પણ રાખવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, શહેરના સદર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે નાયબ કમિશ્નર એ.આર. સિંઘ દબાણ હટાવ શાખાના સ્ટાફ સાથે રેડમાં નીકળ્યા હતા. અને મુખ્ય માર્ગ પર ઊભેલી તમામ નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓ બંધ કરાવી હતી. અને 4 રેંકડીઓ જપ્ત કરી હતી. નાયબ કમિશનરે કહ્યું હતું કે, આ તમામને અગાઉ સૂચના અપાઈ હતી કે મુખ્ય માર્ગ પર આ રીતે વેચી શકાશે નહિ આમ છતાં અમુક તત્ત્વોએ રોડ પર લારીઓ રાખતા કાર્યવાહી કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud