• ફ્રેન્ડસ ઓફ ઝૂ યોજના હેઠળ એક વર્ષમાં માત્ર 25 પ્રાણી દત્તક લેવાયાં
 • પ્રાણીઓ દત્તક લેવામાં લોકોની ઉદાસીનતા
 • અન્ય રાજયનાં શહેરમાં ઝૂના પશુ-પક્ષીઓનો આખા વર્ષનો ખાધા-ખોરાકી ખર્ચ સ્વૈચ્છિક સંસ્થા ઉપાડી લે છે

WatchGujarat. અમદાવાદ શહેરમાં 16 વર્ષથી ફ્રેન્ડસ ઓફ ઝૂ યોજના હેઠળ કાંકરીયા ઝૂમાં રાખવામાં આવેલા પશુ-પક્ષીઓ દત્તક આપવામાં આવી રહ્યા છે.છેલ્લા એક વર્ષમાં માત્ર 25 પ્રાણી દત્તક લેવામાં આવ્યા હતા.દેશના અન્ય રાજયોના શહેરોમાં આવેલા ઝૂમાં રાખવામાં આવતા પશુ-પક્ષીઓના આખા વર્ષનો ખાધાખોરાકી ખર્ચ બેન્ક તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉપાડી લેવામાં આવે છે એની તુલનામાં શહેરમાં પશુ-પક્ષીઓને દત્તક લેવામાં લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.

મીડિયા અહેવાલ અનુસાર, કાંકરીયા ઝૂમાં રાખવામાં  આવેલા 1900 જેટલા પશુ-પક્ષીઓને દત્તક આપવા વર્ષ-2006-07 ના વર્ષથી ફ્રેન્ડસ ઓફ ઝૂ યોજના શરુ કરવામાં આવી હતી. વાઈલ્ડ લાઈફ એકટ સહિતના અન્ય કેટલાક કાયદાના અમલનાં કારણે લોકો પોતાના ઘરમાં પશુ-પક્ષીને રાખી શકતા નથી. આ સ્થિતિમાં લોકોમાં પશુ-પક્ષીઓને લઈ જાગૃતિ કેળવાય એ હેતુથી શરુ કરાયેલી યોજના હેઠળ કેટલાક વર્ષમાં પશુ-પક્ષીને દત્તક લેનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઝૂમાં રાખવામાં આવેલા તમામ પશુ-પક્ષીઓના ખાધાખોરાકીની જવાબદારી કોરોના મહામારીના સમયમાં પણ સુપેરે પાર પાડી હતી. વર્ષ-2021-22 માં કુલ 25 પ્રાણી દત્તક લેવામાં આવતા ઝૂને આ પેટે રૂ. 5.33 લાખની આવક થવા પામી હતી.

કયા પશુ-પક્ષીઓ દત્તક લેવામાં આવે છે?

ફ્રેન્ડઝ ઓફ ઝૂ યોજના હેઠળ રીંછ ઉપરાંત કંચનમૃગ, શાહુડી, હાથણી, ઝરખ, સસલા ઉપરાંત પક્ષીઓમાં મોર, લવબર્ડ, સફેદ ડવ, સફેદ મોર, ઘુવડ, બજરીગર, ગીધ તથા સરિસૃપમાં ટોરટોઈઝ, નાગ, અજગર અને ટરટલ જેવા પ્રાણીઓ દત્તક લેવામાં આવી રહ્યા છે.

ખાધા-ખોરાકી પાછળ થતો વાર્ષિક ખર્ચ

નામ    ખર્ચ(રુપિયા)

 • હાથી           2.58 લાખ
 • વાઘ             1.26 લાખ
 • સિંહ            1.26 લાખ
 • દિપડા          38 હજાર
 • રીંછ              23 હજાર
 • વાનર             7 હજાર
 • હરણ             9 હજાર
 • ઈમુ               19 હજાર
 • ગીધ             10 હજાર
 • મોર              4 હજાર
 • મગર            5 હજાર
 • અજગર        3 હજાર
 • એનાકોન્ડા  50 હજાર
Facebook Comments Box

Videos

Our Partners