• ‘વ્યાજવાળા બીજા સાથે આવું ન કરે એનું ધ્યાન રાખજો’
  • ધંધામાં નુકસાન જતાં વર્ષે 12 ટકા અને ડેઈલી 3 ટકા વ્યાજના ચક્રમાં ફસાયેલો યુવક અને પત્ની વ્યાજખોરો સામે આખરે જિંદગી હારી ગયાં
  • 24 ડીસેમ્બરે મોટા પુત્ર અલ્પેશભાઈના મોબાઈલ ફોન ઉપર નાના ભાઈ હિતેષે મેસેજ કર્યો

WatchGujarat. કોરોના પછી જીંદગીને પાટે ચડાવવા માટે અનેક લોકો લડાઈ લડી રહ્યાં છે ત્યારે ચાંદલોડિયાના રહીશ યુવાન એક દંપતિએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે. ચાંદલોડિયાની ભવાનપુરા સોસાયટીમાં રહેતા 33 વર્ષના હિતેષ પંચાલ અને તેમની પત્ની એકતાએ ગત તા. 24ના રોજ કેનાલમાં પડયા હતા.

આપઘાત પહેલાં હિતેષે મોટાભાઈને વ્યાજખોરોનો ત્રાસ હોવાના મેસેજ કર્યા હતા. બન્નેના મૃતદેહ કેનાલમાંથી મળ્યા હતા. વોટ્સ-એપ મેસેજીસના આધારે સોલા પોલીસે સિંધુ ભવન રોડના જગદિશ દેસાઈ, જલા દેસાઈ અને વ્યાસવાડી વિસ્તારના જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ વાઘેલા નામના વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

ચાંદલોડિયામાં રહેતા રમેશભાઈ કાંતિભાઈ પંચાલ (ઉ.વ. 57)એ વ્યાજખોરી આચરી પુત્ર અને પુત્રવધુને આપઘાત કરવા દુષ્પ્રેરણા આપનાર જગદીશભાઈ દેસાઈ, જલાભાઈ અને જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભાઈ વાઘેલા સામે સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. છૂટક સુથારી કામ કરતા રમેશભાઈનો નાનો પુત્ર હિતેષ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને પુત્રવધુ એકતા ઘરકામ કરતી હતી. તા. 24 ડીસેમ્બરે મોટા પુત્ર અલ્પેશભાઈના મોબાઈલ ફોન ઉપર નાના ભાઈ હિતેષે મેસેજ કર્યો હતો કે, અમે સુસાઈડ કરીએ છીએ. અમારી મરજીથી કરીએ છીએ. વ્યાજ ભરી ભરીને થાકી ગયો છું.

એમાં મારા ઘરવાળા કંઈ જાણતા નથી અને અમારા ગયા પછી કોઈ મારા ઘરવાળાને હેરાન ન કરે, ધ્યાન રાખજો. મેં લોકોને મુડી કરતાં વ્યાજ વધારે આપ્યું છે. હવે મારાથી વ્યાજ ચૂકવણી કરવાની તાકાત નથી તો મને ન્યાય અપાવજો. વ્યાજવાળા બીજા જોડે એવું ન કરે એનું ધ્યાન રાખજો. બાય બાય, ગુડબાય. આ લખાણ સાથે લોકેશન મોકલ્યું હતું. રમેશભાઈએ ઘરે આવીને પત્નીને હિતેષ અને તેની પત્ની ક્યાં છે? તેમ પૂછ્યું હતું. નાનો દિકરો અને તેની પત્ની એકતા સાંજે પાંચેક વાગ્યે એકતાના પિતા સરખેજ ખાતે ઘરે બિમાર છે તેમની ખબર કાઢવા જઈ રહ્યા હોવાનું કહીને નીકળ્યા હતા.

બાઈક ઉપર નીકળેલા હિતેષ અને એકતા વેવાઈના ઘરે મળ્યા નહોતા. આથી, અલ્પેશે તેના બનેવી વિષ્ણુભાઈ કડી ખાતે રહે છે તેમને લોકેશન મોકલી તપાસ કરવા કહ્યું હતું. શીયાપુરા કેનાલ પાસે હિતેષની પલ્સર બાઈક મળી આવી હતી. સાથે જ એકતાનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જો કે, હિતેષ અને એકતાનો પતો નહોતો.

હિતેષ અને એકતા તા. 24ના રોજ ઘરેથી નીકળ્યા તેના બે દિવસ પછી તા. 26ના બપોરે નાની કુમાદ કેનાલમાંથી હિતેષનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે, એકતાનો મૃતદેહ તા. 29ના બપોરે સુરેન્દ્રનગરના લખતર પાસેના લીલાપુર ગામ નજીક ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો.

રૂપિયા પરત ચૂકવ્યા પછી પણ પૈસા અને વ્યાજની અવારનવાર માગણી કરવામાં આવતી

હિતેષને ધંધામાં નુકસાન ગયું હોવાથી બે વર્ષ પહેલા સિંધુભવન રોડ ઉપર આવેલી જગદિશભાઈની ઓફિસેથી 4 લાખ વ્યાજે લીધા હતા. જે તે દિવસે 12 ટકા વ્યાજપેટે 50000 કાપીને પૈસા આપ્યા પછી હિતેષ દરરોજના 4000 રૂપિયા વ્યાજ કૂકવતો હતો. દોઢ લાખ રૂપિયા પરત ચૂકવ્યા પછી પણ પૈસા અને વ્યાજની અવારનવાર માગણી કરવામાં આવતી હતી.

અઠવાડિયામાં વ્યાજના પૈસા નહીં આપો તો તમારા ઘરને લોક મારી દઈશ

એકાદ મહિના પહેલાં રમેશભાઈ તેમના પુત્ર હિતેષ, હિતેષના મિત્ર મનિષ પટેલને લઈને જગદિશભાઈની ઓફિસે ગયા હતા. હાલની પરિસ્થિતિમાં પૈસા  હોવાથી થોડો સમય આપવા વિનંતી કરી હતી. એક અઠવાડિયાની મુદત આપીને જલાભાઈએ એક અઠવાડિયામાં વ્યાજના પૈસા નહીં આપો તો તમારા ઘરને લોક મારી દઈશ તેમ કહ્યું હતું.

એકાદ હપ્તો લેટ ચૂકવાય તો ઉઘરાણી કરી હેરાન-પરેશાન કરતા

આ ઉપરાંત હિતેષે છ મહિના પહેલા વ્યાસવાડી ચાર રસ્તા પાસે અમીસાગર હોસ્પિટલ નીચે ઓફિસ ધરાવતા જીતુભાઈ પાસેથી બે લાખ રૂપિયા મહિનાના 3 ટકા વ્યાજે ડેઈલી ડાયરીથી લીધા હતા. મહિને 20000 વ્યાજ અને મુડીપેટે આપતો હતો. પરંતુ, એકાદ હપ્તો લેટ ચૂકવાય તો જીતુભાઈ રમેશભાઈ અને તેમના પુત્ર હિતેષને ઉઘરાણી કરી હેરાન-પરેશાન કરતા હતા.

આખરી મેસેજમાં પણ આજીજી કરી

હીતેષ અને તેની પત્નીએ તા. 24ના રોજ આત્મહત્યા કરતા પહેલાં વોટ્સ-એપથી જગદિશભાઈ નામની વ્યક્તિને વોટ્સ-એપ મેસેજ કર્યા હતા. તા. 24ના સાંજે 6-49 વાગ્યે મેસેજમાં લખાયું હતું કે- જીતુભાઈ પ્લીઝ મારી પાસે પૈસા નથી તો ઉઘરાણી ના કરશો. આ પછી સાંજે 6-54 વાગ્યે છેલ્લા મેસેજમાં લખ્યું હતું કે, જગદિશભાઈ પ્લિઝ પૈસા નથઈ તો અત્યારે તો પૈસાની ઉઘરાણી ના કરશો. મારે આજે મરવાનું પગલું ભરવું પડયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud