• ડસ્ટબિન માટે લોકો કોર્પોરેટરના ઘરે ધક્કા ખાય છે
  • હેલ્થ કમિટીની બેઠકમાં ડસ્ટબિનનો મામલો આવતાં મ્યુનિ.એ કહ્યું, રો-મટીરિયલ પૂરતા પ્રમાણમાં આવતું નથી

WatchGujarat. ભીનો-સૂકો કચરો અલગ-અલગ આવે તે માટે મ્યુનિ.એ ઘર દીઠ બે ડસ્ટબિન મફત આપવાનું શરૂ કર્યું છે. કેટલાક લોકો ડસ્ટબિન લેવા કોર્પોરેટર પાસે ધક્કા ખાઈ રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, ડસ્ટબિનનો સપ્લાય ઓછો હોવાની ફરિયાદો ખુદ કોર્પોરેટર જ કરી રહ્યા છે. આ મુદ્દો મ્યુનિ. હેલ્થ કમિટીની બેઠકમાં ચર્ચાતા એવો બચાવ કરાયો હતો કે, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે કાચો માલ પૂરતા પ્રમાણમાં પહોંચતો ન હોવાના કારણે ઉત્પાદન ઓછું થતું હોવાથી કંપની દ્વારા સપ્લાય પૂરતા પ્રમાણમાં આવતો નથી. જેથી હાલમાં ડસ્ટબિન ઓછા પ્રમાણમાં મળી રહ્યા છે.

મ્યુનિ.એ ફ્રીમાં ડસ્ટબિન આપવાની જાહેરાત કરતાં અનેક સોસાયટીના ચેરમેન-સેક્રેટરીએ તેમના રહીશોની યાદી કોર્પોરેટરોને મોકલી આપી છે. હવે આ રહીશો કોર્પોરેટર પાસે ડસ્ટબિનની ઉઘરાણી કરી રહ્યા છે. મોટા ઉપાડે જાહેરાત કર્યા બાદ પૂરતા ડસ્ટબિન ન પહોંચાડી શકવાને કારણે ફરીવાર કોર્પોરેટરની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. તેઓ રહીશોને હૈયાધારણ આપે છે કે, તમને ડસ્ટબિન મળશે પણ ક્યારે મળશે તે કહી શકતા નથી.

દરેક ઝોનમાં રોજના 1 હજાર ડસ્ટબિન પહોંચાડાતા હોવાનો મ્યુનિ.નો દાવો

વધુમાં મીડિયા અહેવાલ અનુસાર, શહેરમાં દરેક ઝોનમાં પ્રતિદિન 1000 જેટલા ડસ્ટબિન પૂરા પાડવામાં આવે છે. તે ધ્યાને લઇએ તો પ્રત્યેક ઝોનમાં માડ 500 જેટલા ઘરોમાં ડસ્ટબિન પહોંચાડી શકાય તેમ છે. આ તબક્કે એક ઝોનમાં આવતાં વિવિધ વોર્ડ પ્રમાણે જોઇએ તો તેની સંખ્યા ખૂબ જ ઓછી થાય છે. આ સ્થિતિ પ્રમાણે જોઇએ તો 7 ઝોનમાં 7000 ડસ્ટબિન આપવામાં આવે છે જ્યારે તેને 48 વોર્ડ પ્રમાણે ગણીએ તો માંડ 146 ડસ્ટબિન થાય અને એક ઘરમાં 2 ડસ્ટબિન ગણીએ તો એક વોર્ડમાં રોજ માત્ર 72 ઘરમાં જ ડસ્ટબિન પહોંચે છે. ઉલ્લેખનીય છેકે, ઘણી તો સોસાયટીઓના કુલ મકાનો તેના કરતાં 3 થી 4 ગણા હોય છે. ત્યારે 2થી 3 દિવસ સુધી ડસ્ટબિન ભેગા કરીને એક મોટી સોસાયટી સુધી જવું પડે તેવી સ્થિતિ છે.

યુરોપથી આવતા કાચા માલની કિંમતો વધી ગઇ

પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના જાણકાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેન-રશિયા યુદ્ધની અસર ઇન્ડસ્ટ્રીઝ પર થઇ છે. તેને કારણે યુરોપથી આવતા કેટલાક કાચા માલને આવવામાં શિપિંગના કારણે ભારે વિલંબ થઈ રહ્યો છે. બીજી તરફ આ યુદ્ધને કારણે કેટલાક ઇન્ગ્રિડિયન્સના ભાવ પણ વધ્યા છે. સાથે યુરોપમાં કેટલાક વિસ્તારમાં પોલીમરનું ઉત્પાદન પણ ઘટ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners