• GTUમાં ચાલુ વર્ષ દરમિયાન 44 દેશોના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
  • વિદેશી વિદ્યાર્થીઓ બાબતે છેલ્લા 9 વર્ષથી GTU મોખરે
  • અત્યાર સુધી 56 દેશના 1636થી પણ વધુ વિદ્યાર્થીઓ જીટીયુમાં મેળવી ચૂક્યા છે પ્રવેશ

WatchGujarat. રાજ્યની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) એ ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે. જેમાં ગુજરાત ઉપરાંત દેશભરમાંથી વિદ્યાર્થીઓ ટેક્નિકલ શિક્ષણ મેળવવા માટે આવતાં હોય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ કોરોનાકાળ દરમ્યાન વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. જે પ્રશંસાને પાત્ર છે.

જ્યારે અન્ય યુનિવર્સિટીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે કોરોનાકાળમાં પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ શૈક્ષણીક વર્ષ 2021-22માં GTUમાં વિવિધ 44 દેશોના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 56 દેશના 1636થી પણ વધુ વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. આ વિશે વાત કરતાં જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે મિડીયાને જણાવ્યું હતું કે, ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર GTU હંમેશા અગ્રેસર રહે છે. તેના પરિણામ સ્વરૂપે સતત 4 વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓ માટે જીટીયુ પ્રવેશ મેળવવા માટેની પ્રથમ પસંદગી બની રહી છે.

આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સુપરત કરાયેલ GTU ના મહેસાણા સ્થિત સેન્ટર જીપેરી ખાતે ગત વર્ષે પણ 11 દેશના 24 વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષે જ પ્રવેશ મેળવ્યો હતો. જે માટે જીટીયુના  કુલસચિવ ડૉ. કે. એન. ખેરે દ્વારા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (ICCR) દ્વારા દેશની વિવિધ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) એકમાત્ર ટેક્નિકલ યુનિવર્સિટી છે જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં નવા આઠ દેશ અલ્બાનિયા, ચાડ, ડિજીબોટી, ઈરાક, સાઉથ આફ્રિકા, સીરીયા, લેઓન, ટોગોનો સમાવેશ થયો છે. આ 8 નવા દેશ સહિત કુલ 44 દેશના 808 વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણીક વર્ષમાં જીટીયુ સંલગ્ન કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો છે.

તમને જણાવી દઈએ કે ટેક્નિકલ એજ્યુકેશન ક્ષેત્રે છેલ્લા 9 વર્ષથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓએ ધરાવતી યુનિવર્સિટી તરીકે જીટીયુ નામ પ્રથમ હરોળમાં આવે છે. વર્ષ 2021-22માં કુલ 808 વિદ્યાર્થીઓમાંથી 281 વિદ્યાર્થીઓએ પીજીમાં, 8 વિદ્યાર્થીઓએ પી.એચડીમાં અને 519 વિદ્યાર્થીઓએ યુજી કોર્સમાં પ્રવેશ મેળવ્યો છે.

છેલ્લા વર્ષોમાં GTU માં પ્રવેશ લીધેલા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા

વર્ષ 2013-14 : 137 વિદ્યાર્થીઓ

વર્ષ 2014-15 : 62 વિદ્યાર્થીઓ

વર્ષ 2015-16 : 120 વિદ્યાર્થીઓ

વર્ષ 2016-17 : 213 વિદ્યાર્થીઓ

વર્ષ 2017-18 : 91 વિદ્યાર્થીઓ

વર્ષ 2018-19 : 52 વિદ્યાર્થીઓ

વર્ષ 2019-20 : 67 વિદ્યાર્થીઓ

વર્ષ 2020-21 : 66 વિદ્યાર્થીઓ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud