• ઉચ્ચ અધિકારીઓને મોકલાયેલા નનામા પત્રમાં ગંભીર આક્ષેપો
  • મહિલા કેદીઓ સાથે અમુક મહિલા અધિકારી અમાનવીય વર્તણૂક અને ટોર્ચરિંગ કરતા હોવાના પણ ગંભીર આક્ષેપ

WatchGujarat. સાબરમતી જુની જેલ પછી સાબરમતીની મહિલા જેલમાં સાચી હોય તો ગંભીર ગણી શકાય તેવી બાબતો અંગે જેલના ઉચ્ચ અધિકારીઓને નનામો પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં એવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, મહિલા જેલમાં પૈસા આપો તો મોબાઈલ ફોન અને સંબંધીઓને મુલાકાતની સુવિધા આપવામાં આવે છે.

મીડિયા અહેવાલ મુજબ, અમુક મહિલા કેદીઓ સાથે અમુક મહિલા અધિકારી અમાનવીય વર્તણૂંક અને શારીરિક, માનસિક ટોર્ચર કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યાં છે. નનામા પત્રમાં કરાયેલા આક્ષેપો સામે ખરા તથ્ય શું છે તે અંગે તો ઉચ્ચ અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરાવે તો જ વાસ્તવિક સ્થિતિ પ્રકાશમાં આવે તેમ છે.

એક નનામા પત્રમાં એવા ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, બે મહિલા હવાલદાર જ તમાકુથી લઈને મોબાઈલ લાવી આપે છે. એક મોબાઈલ ફોન લાવવાના 25000 રૂપિયા લેવામાં આવે છે. અઠવાડિયે એક કાયદેસરની મુલાકાત હોય તે માટે પણ 1000 રૂપિયા અને ગેરકાયદે મુલાકાત માટે 2000 રૂપિયા આપવા પડે છે.

કેદીના કાયદેસર હક્કની સુવિધઆ હોય કે ગેરકાયદેસર જરૂરિયાત પૂરી પાડવા પૈસા સિવાય કોઈ કામ થતું નથી. સુબેદારએ મોબાઈલ ફોન પકડયા છે પણ આગળ જાણ કરવામાં આવતી નથી. ઉપરી અધિકારીઓ કમ્પલેઈન લઈને આવશો તો મેમો આપવાની ધમકી આપે છે.ગેરકાયદેસર ફોન કરવાના 500 રૂપિયા, ગેરકાયદેસર રીતે નાસ્તો અંદર લાવવા માટે 500 રૂપિયા આપવા પડે છે.

જેલોના વડાને સંબોધીને લખાયેલા નનામા પત્રમાં એવો આક્ષેપ કરાયો છે કે, પૈસા ન અપાય તો જેલ બદલીની ધમકી આપવામાં આપવામાં આવે છે. જેલમાં માનસિક અને શારીરિક ટોર્ચરિંગ કરવા માટે જેલમાં મુકાયા હોવાનું કહી માનસિક ત્રાસ અપાય છે. અમુક કેદીઓને ધાબળા ઓઢાડીને મારવામાં આવે છે. વારંવાર કેદી કદી કહીને ટોર્ચર કરાય છે. કેદીને સુધારતા પહેલાં અમુક સ્ટાફની માનસિકતા સુધારવાની જરૂર છે. બીજા શહેરમાંથી આવેલા હવાલદારે તેમના શહેરના લોકોનું ગૃપ બનાવીલીધું છે અને વીવીઆઈપી સગવડ આપવામાં આવે છે.

પત્રમાં એવો ગંભીર આક્ષેપ પણ કરાયો છે કે, કોઈ સારા કામ કર્યા નથી કે મુલાકાત લેવા આવ્યા છો. કેદીના પરિવારવાળા સાથે કેદી હોય તેવી વર્તણૂંક કરવામાં આવે છે. જેલનો ઘણોખરો મહિલા સ્ટાફ આખો દિવસ ડયૂટીના સમયે મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત હોય છે. કેદી રજૂઆત કરવા જાય તો જવાબ અપાતો નથી. ડયુટી ટાઈમે મોબાઈલ ફોન પ્રતિબંધિત છે પણ જેલ સ્ટાફને જાણે નિયમ લાગુ પડતો નથી.

પત્રના અંતે અધિકારીને વિનંતી કરવામાં આવી છે કે, મહિલા જેલમાં ગરીબ મહિલા કેદીઓને પૈસા ન ચૂકવે તો હક્કની સુવિધા મળતી નથી. મહિલા જેલમાં પુરૂષ સ્ટાફની બદલી તાત્કાલિક થાય છે અને અવ્યવસ્થાનું કારણ બનેલા ગણ્યાગાંઠયા મહિલા કર્મચારીની બદલી કરવામાં આવતી નથી. નનામા પત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંગે તપાસ કરવામાં આવે તો મહિલા જેલની શાખને અસર થતી અટકી શકે તેમ છે.

Facebook Comments Box

Videos

Our Partners