• પતિ સ્પાનો સંચાલક : બાળકો અને માતા–પિતાને પણ ઓળખવાનો પતિનો ઇનકાર
  • ફેસબુક પર સંપર્કમાં આવ્યા બાદ લગ્ન કર્યા હતા
  • સાસુ પાસેથી એક કરોડ લઇ સ્પાનો બિઝનેસ શરૂ કર્યો હતો

WatchGujarat. અમદાવાદ શહેરમાં પતિ-પત્ની ઔર વોના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. પતિ અને પત્ની વચ્ચેના વિવાદો પણ વધી રહ્યાં હોવાથી વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની IASની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે પિયર ગઈ અને પતિ પોતાના સ્પામાં કામ કરતી અન્ય સ્ત્રી સાથે લીવ ઈનમાં રહી રંગરેલિયા મનાવવા માંડયો હતો. તે સ્પાનું કામ કરતો હોવાથી અનેક યુવતીઓના સંપર્કમાં હતો. લીવ ઈનમાં રહેતાં એક સમયે પતિ તેની પત્ની, માતા-પિતા અને તેના બાળકોને પણ ઓળખવા માટે તૈયાર ન હતો. અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે પત્નીને કાયદાકીય માહિતી આપીને મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવડાવી હતી.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ શહેરમાં પરિવાર સાથે રહેતી પત્ની IAS માટેની પરીક્ષાની તૈયારી કરવા માટે પિયર ગઈ હતી. આ દરમિયાન પતિ અન્ય સ્ત્રી સાથે લીવ ઈનમાં રહેવા લાગ્યો હતો. આ અંગેની પત્નીને જાણ થઈ ત્યારે તે તેના પતિને સમજાવવા ગઈ તો પતિ પત્ની તેના બાળકો અને માતા પિતા સાથે રહેવા તૈયાર ન હતો. જેથી કંટાળેલી પત્નીએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી. તેણે અભયમની ટીમને ફોન કરીને કહ્યું હતું કે, મારા પતિ છેલ્લા છ મહિનાથી એક સ્ત્રી સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહે છે.

મહિલાના ફોન બાદ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે મહિલાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ફેસબુક પર સંપર્ક થયા બાદ મહિલાના લગ્ન યુવક સાથે થયા હતા. મહિલા ભણેલી ગણેલી હોવાથી તે નોકરી કરતી હતી અને પતિનો ખર્ચો પણ ઉપાડતી હતી. લગ્ન જીવન દરમિયાન મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો હતો. તે નોકરી છોડીને IASની તૈયારી કરવા લાગી હતી. જેથી પતિએ મહિલાને તેના માતા પિતાના ઘરે IASની તૈયારી માટે મોકલી આપી હતી. જો કે એક મહિના પછી યુવતી તેના પતિના ઘરે પરત ગઈ ત્યારે જાણવા મળ્યું કે, તેનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહે છે. અગાઉ પતિને ત્રણ લગ્ન થઈ ચૂક્યાં છે. જેની જાણ યુવતીને જ નહોતી. એટલું જ નહીં યુવતીના કોરા ચેકમાં સહી કરાવીને તેના નામે રૂપિયા એક લાખની લોન લીધી હતી.

અભયમની ટીમે પતિને ફોન કરવામાં આવ્યો ત્યારે તે ફેન ઉપાડતો ન હતો. બીજી બાજુ જાણવા મળ્યું કે તે સાસુના પણ એક કરોડ રૂપિયા લઈને અમદાવાદમાં એક સ્પા ખોલ્યુ હોય તેમાં કામ કરતી મહિલા સાથે પતિ લીવ ઈન રિલેશનશીપનો કરાર કરીને રહેવા લાગ્યો હતો. જેથી તે પોતાની પત્ની સાથે રહેવા તૈયાર નહતો. સ્પામાં કામ કરતી સ્ત્ર્રી સાથે લીવ ઈન કરાર પર રહેતા પતિને મળીને પૂછપરછ કરતા તે પત્ની, માતા-પિતા અને બાળકો કોઈને ઓળખવા તૈયાર ન હતો અને કોઈ સાથે સંબંધ નહીં રાખવાનું રટણ કર્યા કરતો હતો. જેથી અભયમની ટીમે પરિણીતાને કાયદાકીય સમજણ આપીને મહિલા આયોગમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud