• અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે
  • રાજ્યનાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

WatchGujarat. હાલ કઇ ઋતુ ચાલી રહી છે એ સવારે ઉઠીએ ત્યારે જ ખબર પડે.કારણ કે આમ તો શિયાળો ચાલે છે પરંતુ ગમે ત્યારે વરસાદ આવી જાય છે તો વળી ગરમી પણ પડવા લાગે છે. હાલ બે દિવસ વડોદરા શહેરની વાત કરીએ તો સ્વેટરની જરૂર પડી નથી.શિયાળો છે પરંતુ ચોમાસું આવ્યુ અને હવે ગરમી.આમ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આ વર્ષે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે. પવનની પેટર્ન બદલાઈ છે અને દરિયા ઉપરથી હવા પસાર થઈ રહી છે. જેથી સોમવારથી જ દરિયાકિનારાના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર અને તેના પગલે ગુજરાતના દરિયાકાંઠા સુધી ટ્રોફના પગલે શિયાળામાં ઠંડી પડવાને બદલે માવઠું થઈ રહ્યું છે. સોમવારે પણ વલસાડના કપરાડામાં દોઢ ઈંચ અને ડાંગમાં 8 મિમિ વરસાદ ખાબક્યો હતો.

બે દિવસ દરમિયાન અમુક વિસ્તારને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની તેમજ ભેજ હોવાથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે. બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી અનુભવાઈ શકે છે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ઠંડીની શરૂઆત બાદ ગત અઠવાડિયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ છવાયો હતો. ત્યારથી સતત મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી જતાં બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે.હાલ શિયાળુ પાક ઉભા છે જેને ભારે નુકસાન થઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud