• આગામી સમયમાં બાસ્કેટબોલની નેશનલ લેવલ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર દક્ષ અકસ્માતના કારણે બ્રેઈન ડેડ થયો હતો
  • દક્ષના પિતા મુજબ દિકરાના અંગ દાન કરવાથી અન્ય લોકોને નવુ જીવન મળશે અને દક્ષ હંમેશા જીવંત રહેશે
  • ગત વર્ષથી લોકોમાં અંગ દાન કરવાની જાગૃતિ ધણી વધી હાવાનું જોવા મળ્યું છે

WatchGujarat. ગત તા. 26 ડિસેમ્બરના રોજ મેહસાણામાં રહેતો દક્ષ ભાટિયા બાસ્કેટબોલની પ્રેક્ટિસ કર્યા પછી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે એક ગમખ્વાર અકસ્માતનો સામનો કરવો પડ્યો. તેના પિતા સમીર ભાટિયાના જણાવ્યા અનુસાર, મારો દિકરો દક્ષ ટુંક જ સમયમાં નેશનલ લેવલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો હતો. જેના માટે તે દિવસ રાત એક કરીને મહેનત કરતો હતો.

મીડિયા રીપોર્ટ મુજબ ડોક્ટર્સનું કહેવું છે કે, અકસ્માત એટલો ગંભીર હતો કે તેના માતા-પિતા પોતાનો દિકરાનો ચહેરો પણ જોઈ શક્યા નહોતા. તેને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો તો તબીબોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો. સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓએ દક્ષના પિતા સમીર ભાટિયાનો સંપર્ક કર્યો અને તેમને અંગદાન કરવા માટે સમજાવ્યા હતા. જોકે સમીર ભાટિયા અંગદાન માટે તૈયાર થઈ ગયા હતા. તેઓ ઈચ્છતા હતા કે, તેમના દિકરાના કારણે અન્ય લોકોને નવું જીવન મળે અને આ પ્રકારે તેઓ હંમેશા માટે પોતાના દીકરાને જીવંત રાખવા માંગતા હતા.

ત્યારબાદ તા.27 ડિસેમ્બરના રોજ દક્ષ ભાટિયાના શરીરને મેહસાણાથી અમદાવાદ લાવવામાં આવ્યું. તેની બે કિડની અને લિવર ટુંક જ સમયમાં IKRDC ખાતે અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, પહેલીવાર એવુ બન્યું છે જ્યારે કેમ્પસની બહારથી દર્દીને આ પ્રકારે લાવવામાં આવ્યો હોય. સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે, 2021 કોરોના મહામારીનું વર્ષ હોવા છતાં અંગદાન બાબતે લોકોની જાગૃતિ ઘણી વધી છે. અમુક એનજીઓ અને સંસ્થાઓ આ માટે ઘણી મહેનત કરી રહ્યા છે. સુરત અને અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો અંગદાનનો વિકલ્પ અપનાવી રહ્યા છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પાછલા એક વર્ષમાં 26 શબ દાનમાં આપવામાં આવ્યા છે. આ સિવાય 43 કિડની, 24 લિવર, 10 ફેફસા, 5 હૃદય, 5 પેનક્રિયા, 2 હાથનું દાન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલા આ અંગદાનને કારણે 75 દર્દીઓને નવું જીવન મળ્યું છે. અત્યારે ઘણી સંસ્થાઓ અને હોસ્પિટલો દ્વારા અંગદાન એ જ મહાદાનના સુત્રને લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud