• જો તમારા બાળકો પણ સોશિયલ મીડિયામાં રીલ બનાવે છે તો ચેતજો…
  • ભયજનક વિડીયો બનાવતા બાળકો પર ધ્યાન રાખવું જરૂરી
  • અમદાવાદનાં પ્રેમે વિડીયો બનાવતા જીવ ગુમાવ્યો
  • રેલવે ટ્રેક પર વીડિયો બનાવતા કરંટ લાગતા નીચે પટકાયો

WatchGujarat. સોશિયલ મીડિયા મનોરંજન તો પુરુ પાડે છે પરંતુ આ જ સોશિયલ મિડીયાને કારણે કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.સોશિયલ મિડીયામાં આંધળી બનેલી આજની યુવાપેઢીને પાઠ ભણાવતો એક બનાવ અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. ટ્રેનના કોચ પરથી વીડિયો બનાવવા જતા કરંટ લાગતા નવયુવાને જીવ ગુમાવવો પડ્યો છે.

રાણીપ વિસ્તારમાં રહેતો પંદર વર્ષીય યુવક ગઇકાલે મોડી સાંજે તેના મિત્ર સાથે સાબરમતી સેન્ટ્રલ જેલ સામે આવેલ રેલવે ટ્રેક પર વીડિયો બનાવવા માટે ગયો હતો. જો કે વીડિયો બનાવવામાં આ યુવક ભાન ભૂલ્યો હતો અને ટ્રેનના કોચ પર ચઢી ગયો હતો. જ્યાં પસાર થઈ રહેલ હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહની લાઈનથી કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. જેની જાણ પરિવારજનોને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોત દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પ્રેમ ધો. 12માં અભ્યાસ કરતો હતો. પ્રેમ ઇન્સ્ટાગ્રામમાં પોતાનું એકાઉન્ટ ધરાવતો હતો. પ્રેમને રિલ્સ બનાવવાનો શોખ હોવાથી અલગ અલગ જગ્યાએ રિલ્સ બનાવતો હતો. સોમવારે સાંજે પ્રેમ તેના મિત્ર સાથે ઘરેથી રિલ્સ બનાવવા માટે નીકળ્યો હતો.સાબરમતી સેન્ટ્રલ જેલની સામે આવેલા રેલવે-ટ્રેક પર બંને મિત્રો ગયા હતા. પ્રેમ ત્યાં પાટા પરથી માલગાડીના વેગન પર ચઢી વીડિયો બનાવવા ગયો ત્યારે તેને વાયરનો કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં જ નીચે પટકાયો હતો અને ત્યાં જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. તેની સાથે ગયેલો મિત્ર ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક પ્રેમના ઘરે દોડ્યો હતો. તેના દાદાને જઈ પ્રેમને કરન્ટ લાગ્યો હોવાનું કહ્યું હતું, જેથી તેના દાદા ત્યાં પહોંચ્યા હતા. પ્રેમને સારવાર માટે સોલા સિવિલ લઇ ગયા હતા, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.મૃતક પ્રેમ પંચાલે અગાઉ પણ અનેક વીડિયો બનાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં અનેક યુવક યુવતીઓ કેનાલ, નદી, રેલવે-ટ્રેક તેમજ અલગ અલગ જગ્યા પર વીડિયો બનાવતાં હોય છે. પોતાની જિંદગી જોખમમાં મૂકીને વિડિયો બનાવે છે. ત્યારે માતા-પિતાએ ચેતવાની જરૂર છે. માતા-પિતાએ પોતાનાં દીકરા-દીકરી ક્યાં જાય છે, એ ઉપરાંત તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તપાસતા રહેવું જોઈએ. શું તેઓ આવા ભયજનક વીડિયો બનાવે છે કે કેમ એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારાં દીકરા દીકરીને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાનો શોખ હોય અને જિંદગીને જોખમમાં મૂકતા એવા રિલ્સ બનાવતા હોય તો ચેતજો, કારણ કે તેમનો રીલ્સ બનાવવાનો શોખ તેમને ભારે પડી શકે છે અને પોતાની જિંદગી ગુમાવી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud