• અમાદાવાદ બાદ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કોરોના વેક્સિનને લઈને મહત્વનો નિર્ણય લીધો
  • સુરત શહેરમાં હવે જાહેર સ્થળો પર રસી નહીં તો પ્રવેશ નહીંની નીતિ અપનાવાઈ
  • હવે જે લોકો એ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેવો લોકોને જ સુરતના જાહેર સ્થળો પર પ્રવેશ મળશે
  • તહેવારો બાદ કોરોના કેસોમાં વધારો થતાં અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો

WatchGujarat. કોરોના સંક્રમણના કેસો ઘટતા સરકાર દ્વારા તહેવારોની ઉજવણી માટે લોકોને છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ તહેવારોના સમયમાં લોકોએ દાખવેલી બેદરકારીના કારણે હવે કોરોના સંક્રમણના કેસો વધ્યા છે. રાજ્યમાં તહેવારો બાદ હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. દિવસે દિવસે વધી રહેલા કોરોના કેસોના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. જેથી જ અમદાવાદ બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેવા લોકોને જ જાહેર સ્થળો પર પ્રવેશ મળશે. જે વ્યક્તિએ વેક્સિનનો એક ડોઝ લીધો હશે તેઓ સોમવારથી પાલિકા કચેરી, બસ, બગીચા, ઝૂ સહિતનાં સ્થળોએ નહીં જઇ શકે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના બાગ બગીચા, પ્રાણી સંગ્રહાલય, એકવેરિયમ, વાંચનાલય, સાયન્સ સેન્ટર, તરણકુંડ, સીટી બસ, BRTS બસ સ્ટેન્ડ ખાતે આવતા મુલાકાતીઓએ બંને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવશે. મહત્વનું છે કે જે વ્યક્તિએ વેકસીનનો એકપણ ડોઝ લીધો ન હોય અથવા બીજા ડોઝની અવધિ પૂર્ણ થયા બાદ પણ વેકસીનનો બીજો ડોઝ લીધો ન હોય તેવા લોકોએ જાહેર સ્થળે ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાનો રહેશે. જેથી હવે લોકોને કોરોના રસી લેવાની ફરજ પડી છે. રાજ્યમાં તહેવારો બાદ કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધતા મુશ્કેલીની સ્થિતિ સર્જાઈ છે. સતત નવા કેસમાં વધારો થવાની સાથે તંત્રની ચિંતા વધી રહી છે. રાજ્યનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે.

સરકારના આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગે મહાનગરોમાં ટેસ્ટિંગ વધારવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત બહારથી આવતા નાગરિકોનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જોકે આ તમામની વચ્ચે નાગરિકોની બેદરકારી સામે આવી રહી છે. જેમાં લોકો બજારોમાં અને જાહેર સ્થળો પર વગર માસ્કે જોવા મળી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud