• વન રક્ષકની પરીક્ષામાં ગેરરિતી થયાનો પરીક્ષાર્થીએ આક્ષેપ કર્યો
  • ઉડાન શાળાના પરીક્ષા કેન્દ્રમાં ગેરરિતી થયાનો આક્ષેપ, પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર લીક થયાનો આરોપ
  • પ્રશ્નપત્રનું કવર ત્રણ ઇંચ જેટલું તૂટેલું હતું, ટેપથી કવરને પેક કરવામાં આવ્યું હતું – પરીક્ષાર્થી
  • ત્રણ ઇંચ કવર તૂટેલું હતું, પણ મારા અનુભવ પ્રમાણે કોઈ ગેરરીતિ થયાનું લાગતું નથી – શાળા સંચાલક

WatchGujarat. તાજેતરમાં યોજાયેલી વન રક્ષકની પરીક્ષામાં ગેરરિતી થયાનો પરીક્ષાર્થીએ આક્ષેપ કર્યો હતો. જેમાં મોટામૌવામાં આવેલી ઉડાન શાળાના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા ગયેલી ગીતા માલી નામની પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે, પરીક્ષા શરૂ થાય તે પહેલા પ્રશ્નપત્રનું કવર ત્રણ ઇંચ જેટલું તૂટેલું હતું. અને ટેપથી કવરને પેક કરવામાં આવ્યું હતું. જ્યારે મેં વિરોધ કર્યો ત્યારે વન વિભાગના અધિકારીઓએ તપાસની ખાતરી આપી હતી. પરંતુ પેપર પુરૂ થયા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે આ મામલે શાળા સંચાલકે જણાવ્યું હતું કે, ત્રણ ઇંચ કવર તૂટેલું હતું. પણ મારા અનુભવ પ્રમાણે કોઈ ગેરરીતિ થયાનું લાગતું નથી.

પરિક્ષાર્થી ગીતા માલીએ જણાવ્યું હતું કે, ફોરેસ્ટનાં અધિકારીએ તપાસનો આદેશ આપ્યો હતો. પરંતુ જ્યારે પરીક્ષા પૂર્ણ થઇ ત્યારબાદ કોઇ જ કાર્યવાહી થઇ નથી. મેં ત્યારે ફોટો પણ પાડ્યો હતો પરંતુ બાદમાં જે તપાસ થવી જોઇએ તે થઇ નથી જેનો વિરોધ છે. હજારો યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે ત્યારે તેમની આ મહેનત પર પાણી ન ફરે તે માટે યોગ્ય તપાસ થવી જ જોઇએ. એટલું જ નહીં જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરીને જરૂર જણાયે પરીક્ષા રદ્દ કરવી જરૂરી હોવાનું પણ તેણીએ કહ્યું હતું.

બીજીતરફ આ અંગે ઉડાન શાળાના સંચાલકે કહ્યું હતું કે મારા અનુભવ પ્રમાણે કેઇ ગેરરિતી થઇ હોય તેવું લાગતું નથી. કારણ કે જે કવર તૂટેલું હતું કે માત્ર ૩ ઇંચ જેટલું હતું. ત્યારે તેમાંથી પેપર નીકળી શકે તેવી કોઇ શક્યતા નથી. તેમ છતા વિધાર્થીઓની જે ફરિયાદ હતી તેના આધારે પંચ રોજકામ કરીને સીસીટીવી ફુટેજ વન વિભાગને સોંપી દેવામાં આવ્યા છે.  હવે સીસીટીવીનાં આધારે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજયભરમાં યોજાયેલી વન રક્ષક ભરતી પરીક્ષાનું પેપર પણ ફૂટી ગયું હોવાની ચર્ચાઓ ઉઠી હતી. દરમિયાન ખુદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરીને પેપર લેવાની જવાબદારી ગુજરાત યુનિ.ને સોંપવામાં આવેલી હોવાનું જણાવ્યું હતુ. સાથે સાથે આ એક કોપી કેસ છે. અને તેને ખોટી રીતે રજુ કરીને સરકારને બદનામ કરવા ઉપરાંત યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થતો હોવાનો વળતો આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે આ મામલે તટસ્થ તપાસ થાય છે કે કેમ તે તો અવનારો સમય જ બતાવશે.

Facebook Comments Box

Videos

Our Partners