• પ્રેમભાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો
  • માત્ર 4 જ મિનિટ જેટલા સમયગાળામાં ભૈરવજપ સર કરી લે છે
  • દર મહિને ત્રણથી ચાર વખત જાય છે
  • ઇલેક્ટ્રિશિયન તરીકે ફ્રીમાં-સેવાનું કામ કરે છે
  • પહેલી વખત 20 વર્ષ પહેલાં ચડ્યા હતા

WatchGujarat.છેલ્લા બે દિવસથી ગિરનારના ભૈરવજપનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ રમતાં રમતાં ભૈરવજપના સીધા ચઢાણને ચડી જાય છે અને એટલી જ સરળતાથી ઊતરી પણ જાય છે એવું વીડિયોમાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોને કારણે આ યુવાન ‘ગુજરાતનાં સ્પાઇડરમેન’ તરીકે જાણીતો બન્યો છે.

તમે વિડીયોમાં જોઇ શકો એક વ્યકિત ગીરનાર પર્વત પર ચઢાણ કરી રહ્યો છે જાણે કે સ્પાઇડર મેન હોય. નીચે ઉંચી ખીણ છે છતાં પણ આજુ-બાજુ જોયા વિના માત્ર આંખના પલકારામાં તો ગીરનારની ટોચ પર પહોંચી જાય છે. એટલું જ નહીં આ વ્યક્તિ પાસે કોઇ પણ સેફ્ટીનાં સાધન નથી. જાણે કે સામાન્ય રસ્તા પર ચાલતો હોય તેમ ગીરનાર પર્વત પર ચડી જાય છે. કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વિના જેટલી સહેલાઇથી ચડે છે એટલી જ સહેલાઇથી ઉતરી પણ જાય છે. ગુજરાતના આ સ્પાઇડરમેને તો લોકોનું દિલ જીતી લીધુ છે. ત્યારે સવાલ થાય છે આ યુવાન છે કોણ અને શું કરે છે. તો ચલો જણાવીએ આ ગુજરાતનાં સ્પાઇડરમેન વિશે વિસ્તારથી.

આંખના પલકારામાં જ જે વ્યક્તિ ગિરનારના ભૈરવજપ ચઢી જાય છે તેનું નામ છે પ્રેમ કાછડિયા. જૂનાગઢ જિલ્લાના વડાલમાં રહેતા પ્રેમભાઈએ ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમમાં સેવા આપી રહ્યા છે. પ્રેમભાઈ છેલ્લાં 20 વર્ષથી ભૈરવજપ પર જાય છે. દર મહિને ત્રણથી ચાર વખત તેઓ આ રીતે સીધું ચઢાણ ચડી ભૈરવ દાદાના ધૂપ-દીવા અને સિંદૂર ચડાવવા માટે ભૈરવજપ પર જાય છે. પ્રેમભાઈ ગિરનાર પર આવેલા સેવાદાસ આશ્રમમાં ઇલેક્ટ્રિશિયન તરીકે સેવા આપે છે. માત્ર સેવાદાસ બાપુના આશ્રમે જ નહીં, ગિરનાર પર આવેલા કોઈપણ આશ્રમમાં લાઇટ જાય તો પ્રેમભાઈ જ એને ફ્રીમાં રિપેર કરી આપે છે. મોટે ભાગે તેઓ સેવાદાસ બાપુના આશ્રમમાં જ રાત્રિ રોકાણ કરતા હોય છે. માત્ર આશ્રમ જ નહીં, અન્ય કોઈ જગ્યાએ પણ ગિરનારમાં લાઇટ જાય તો પ્રેમભાઈ એને કોઈપણ ચાર્જ લીધા વિના રિપેર કરી આપે છે.

આ અંગે મિડીયા સાથે વાત કરતા પ્રેમભાઈએ જણાવ્યું હતુ કે ‘ત્યાં ચડતી વખતે બધું ભુલાઈ જાય છે. ક્યાં જતો હોઉં છું એ યાદ રહેતું નથી, બાકી બધું ભૈરવદાદાને જોવાનું. આ જગ્યાએ પહેલી વખત 20 વર્ષ પહેલાં ચડ્યો હતો.’‘ભૈરવદાદાએ પરીક્ષા બહુ લીધી. એકવાર ટૂ-વ્હીલરમાં એક્સિડન્ટ થયો હતો. ત્યારે પડી ગયો હતો અને મારા બંને પગ ડેમેજ થઈ ગયા હતા, પણ ભૈરવદાદાની કૃપાથી હાલ એકદમ સારું થઈ ગયું છે.’ પ્રેમભાઈ ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમે જ સેવાકાર્ય કરે છે. જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો હોય ત્યારે કે પછી પરિક્રમા હોય ત્યારે ઘણા યાત્રિકો આવતા હોય છે. તેમાંથી જો કોઈને આશ્રમમાં નાઇટ હોલ્ટ કરવો હોય તો એની વ્યવસ્થા કરી આપું છું. તેમને ફ્રીમાં રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરી આપું છું.’

ભૈરવજપ અંગે માહિતી આપતાં પ્રેમભાઈએ જણાવ્યું હતુ કે ‘આ જગ્યા સાધુઓ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે. અહીં જવું હોય તો સેવાદાસ બાપુના આશ્રમમાંથી બાપુની પરમિશન લેવી જ પડે. જો કોઈ આ જગ્યા અંગે જાણતું હોય તો જ તેને પરમિશન મળે છે, બાકી અજાણ્યા માણસો માટે પરમિશન નથી આપતા. ભૈરવજપ સેવાદાસ આશ્રમ પાસે આવેલી એક જગ્યા છે, જે ગિરનારના ફોટામાં નાક આકારે જોવા મળે છે.’ ભૈરવજપ પર ભૈરવદાદાનું સ્થાનક આવેલું છે, જ્યાં શિવરાત્રિના મેળા વખતે એટલે કે મહાવદ નોમ અને પરિક્રમા વખતે એટલે કે કારતક સુદ નોમના દિવસે ભૈરવદાદાને ધજા અર્પણ કરવામાં આવે છે. આ ધજા પણ પ્રેમભાઈ જ ચડાવે છે.

Facebook Comments Box

Videos

Our Partners