• સોમવારથી સરદાર પટેલ યુનિ.ની સ્નાતક કક્ષાની ચોથા અને છઠ્ઠા સેમની તેમજ અનુસ્નાતક કક્ષાના ત્રીજા અને ચોથા સેમ.ની પરીક્ષાઓનો પ્રારંભ થયો
  • પી.એમ. પટેલ કોલેજમાં પરીક્ષા કેન્દ્ર ખાતે મહુધાના એમએલએ ઈન્દ્રજીતસિંહ પરમાર એમ.એ. વિષયની પરીક્ષા આપી રહ્યા છે
  • બોરસદની એક કોલેજના નિરીક્ષકે મહુધાના એમએલએને ગેરરીતી કરતા ઝડપી પાડયા હોવાની ચર્ચાઓએ જોર પકડયું
  • કથિત ગેરરીતી સંદર્ભે કેટલાક મોટા રાજકીય માથાઓએ દબાણ કરી સમગ્ર મામલો રફેદફે કરવા મેદાને ઉતરી મામલાની પતાવટ કરી હોવાની વાતો સામે આવી

WatchGujarat. આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની સોમવારના રોજથી શરૂ થયેલ પરીક્ષામાં ગતરોજ આણંદના એક પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપી રહેલા મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય સામે ગેરરીતીનો કેસ થયો હોવાનો ગણગણાટ વિદ્યાર્થી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે પરીક્ષા કેન્દ્ર ખાતે મોડા પહોંચેલ એમએલએના ખિસ્સામાં શરતચૂકથી મોબાઈલ રહી ગયાનું ગાણુ તેઓએ ગાયું હતું.

ઇન્દ્રજિત સિંહ પરમાર - કોંગ્રેસ ધારાસભ્ય
ઇન્દ્રજિત સિંહ પરમાર – કોંગ્રેસ ધારાસભ્ય

પ્રાપ્ત માહિતી મુજબ સોમવારથી સરદાર પટેલ યુનિ.ની સ્નાતક કક્ષાની ચોથા અને છઠ્ઠા સેમની તેમજ અનુસ્નાતક કક્ષાના ત્રીજા અને ચોથા સેમ.ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. યુનિ.ની પરીક્ષાઓ અંતર્ગત અલગ અલગ કોલેજોમાં ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પૈકી આણંદ શહેરના નવા બસ મથક નજીક આવેલ પી.એમ. પટેલ કોલેજમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. આ કેન્દ્ર ખાતે મહુધાના એમએલએ ઈન્દ્રજીતસિંહ પરમાર એમ.એ. વિષયની પરીક્ષા આપી રહ્યા હોઈ મંગળવારે સવારના સુમારે તેઓ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા આવ્યા હતા.

મીડિયા અહેવાલ અનુસાર, પરીક્ષા દરમિયાન બોરસદની એક કોલેજના નિરીક્ષકે મહુધાના એમએલએને ગેરરીતી કરતા ઝડપી પાડયા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. જો કે નિરીક્ષક દ્વારા કોપી કેસ કરવામાં આવે તે પૂર્વે રાજકીય દબાણ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચાઓ જાગી છે. કોંગ્રેસના એમએલએ સામે થયેલ કથિત ગેરરીતી સંદર્ભે કેટલાક મોટા રાજકીય માથાઓએ દબાણ કરી સમગ્ર મામલો રફેદફે કરવા મેદાને ઉતરી મામલાની પતાવટ કરી હોવાની વાતો પણ સંભળાઈ રહી છે.

જો કે કોંગ્રેસના એમએલએ પરીક્ષા દરમિયાન ગેરરીતી કરતા ઝડપાયા કે કેમ તે અંગે અનેક પ્રકારના તર્કવિતર્કો શિક્ષણવિદ્દો સહિત વિદ્યાર્થી આલમમાં થઈ રહ્યા છે. ત્યારે મંગળવારે યોજાયેલ પરીક્ષા દરમિયાન આણંદના પી.એમ. પટેલ તથા વિદ્યાનગરના બીજેવીએમ કોલેજના પરીક્ષા કેન્દ્રો ખાતેથી એક-એક મળી કુલ બે કોપી કેસ નોંધાયા હોવાનું યુનિ. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ અંગે મહુધા કોંગ્રેસના એમએલએ ઈન્દ્રજીતસિંહ પરમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ આણંદના પરીક્ષા કેન્દ્ર ખાતે એમ.એ. વિષયની પરીક્ષા આપવા માટે ગયા હતા. પરંતુ પરીક્ષામાં મોડું થઈ ગયું હોય ઉતાવળમાં તેઓનો મોબાઈલ ખિસ્સામાં રહી ગયો હતો. જે ખંડ નિરીક્ષકના ધ્યાને આવતા તેઓએ તરત જ મોબાઈલ બહાર મુકી દીધો હતો અને પોતાની સામે કોઈ કોપી કેસ ન થયો હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners