• ત્રણ ફાયર ટેન્ડરો અને DPMC સહિત 3 કંપનીની ટીમો આગને કાબુ લેવા કામે લાગી
  • વરસાદ વચ્ચે રો-મટિરિયલ્સ ફોસ્ફરસનું ડ્રમ નીચે પડતા હવાના સંપર્કમાં આવતા સફેદ ધુમાડા સાથે આગનું તાંડવ
  • જ્યાં સુધી લીકેજ થયેલો ફોસ્ફરસ સંપૂર્ણ દહન નહિ થાય ત્યાં સુધી સફેદ ધુમાડા બંધ નહિ થાય
  • વિસર્જન, વરસાદ વચ્ચે જ આગના છમકલાંથી ઔદ્યોગિક વસાહતમાં અફરાતફરી

WatchGujarat. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગણેશ વિસર્જન અને વરસાદ વચ્ચે જ ફોસ્ફરસ લીકેજ થતા આગના છમકલાંથી અફરાતફરી મચી ગઇ હતી. UPL-26 યુનિટના ગોડાઉનમાં વિદેશ મોકલવા ટ્રકમાંથી રો મટીરીયલ્સ ફોસ્ફરસનું એક ડ્રમ ફોરક્લિપ માંથી છૂટું પડી નીચે પડતા ધુમાડા સાથે આગની ઘટના ઘટી હતી.

યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ UPL-26 કંપનીનું ગોડાઉન અંકલેશ્વર GIDC માં આવેલું છે. રવિવારે સવારે ગણેશ વિસર્જન વેળા કંપનીના ગોડાઉનમાં રો મટીરીયલ્સ એવા ફોસ્ફરસના ડ્રમને ટ્રકમાંથી ઉતરવાની કામગીરી ચાલી રહી હતી. વિદેશ મોકલવા માટે ફોસ્ફરસના ડ્રમ ગોડાઉનમાં ઉતારતી વખતે એક ડ્રમ ફોરક્લિપ માંથી છટકી નીચે પડતા ઘટના સર્જાઈ હતી. ડ્રમ નીચે પડતા જ ફોસ્ફરસ વરસતા વરસાદ વચ્ચે હવાના સંપર્કમાં આવતા સફેદ ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી.

ધુમાડા સાથે ફોસ્ફરસ સળગતા નજીક કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. UPL તેમજ બાજુમાં રહેલી ગ્લેનમાર્ક કંપનીના ફાયર ટેન્ડરો આગને કાબુમાં લેવા કામે લાગ્યા હતા. સાથે જ ફાયર અંગેનો કોલ DPMC ને આપતા તેના ફાયર ફાઈટરો પણ ટેન્ડર લઈ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્રણ ફાયર ટેન્ડરોની મદદથી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.

UPL-26, ગ્લેનમાર્ક અને DPMC ની 3 ટીમ ડ્રમમાંથી લીકેજ થઈ જમીન પર પડેલું ફોસ્ફરસ સંપૂર્ણ સળગી ન જાય ત્યાં સુધી તેના મોનીટરીંગમાં રહ્યું હતું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઇ ન હતી. ફેકટરી ઇન્સ્પેકટર અને DPMC એ ઝઘડયાની UPL-5 ના અંકલેશ્વર સ્થિત ગોડાઉનમાં ફોસ્ફરસના ડ્રમ ટ્રકમાંથી લોડિંગ-અનલોડિંગ કરતા એક ડ્રમ ફોરક્લિપમાંથી છટકી નીચે પડતા હોનારત બની હોવાનું કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud