• વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા યુવકનો આપઘાતનો પ્રયાસ
  • સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી અરવિંદ કાનાભાઈ જાદવ નામના યુવકે ઝેરી દવા ગટગટાવી
  • પત્રકાર ભાઈઓ ન્યાય અપાવજો. મારા મોતથી પત્ની-બાળકો રઝળી પડે તે માટે આ 3-4 વ્યાજખોરો જવાબદાર – અરવિંદ જાદવ
  • યુવકે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો, વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો

WatchGujarat. રાજકોટ પોલીસનાં અનેક પ્રયાસો છતાં વ્યાજખોરો દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાની અનેક ફરિયાદ સામે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી અરવિંદ કાનાભાઈ જાદવ નામના યુવકે ચાર વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને પોતે આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે કહ્યું હતું કે, પત્રકાર ભાઈઓ ન્યાય અપાવજો. મારા મોતથી પત્ની-બાળકો રઝળી પડે તે માટે આ 3-4 વ્યાજખોરો જવાબદાર છે. વિડીયો બનાવ્યા બાદ યુવકે આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે..

વીડિયોમાં અરવિંદ કાનાભાઈ જાદવે જણાવ્યું છે કે, સુરેશ દુદાભાઈ રાઠોડ, વિજય દુદાભાઈ રાઠોડ અને તેના મમ્મી વારંવાર મારા ઘરે આવે છે. તો સુરેશભાઈ તેમજ વિજયભાઈ મને ગમે ત્યારે ઉભો રાખી ધમકાવે છે. અને કહે છે કે,અમે તારા હાથ-પગ અને ગાડી પણ ભાંગી નાખીશું. અને તારા ઘરે આવીને ઘરને સળગાવી નાખીશું. છેલ્લા 12 વર્ષથી આ લોકો મારી પાસેથી 10 15% વ્યાજ વસુલ કરે છે. જેમાં મેં લીધેલા 3-4 લાખ સામે 15-20 લાખ હું આપી ચુક્યો છું. છતાં મારો ચેક તેમની પાસે રહી ગયો હોવાથી મારા પર રૂ. 20 લાખની ફરિયાદ કરવામાં આવી છે.

વધુમાં યુવકે જણાવ્યું હતું કે, મને એમ પણ કહે છે કે, જો તું અમને પૈસા નહીં આપ તો અમે તને મારી નાખી તારું ઘર સળગાવી નાખીશું. આવી જુદી-જુદી ધમકી આપ્યા કરતા હોવાથી હું નોકરી કરવા બહારગામ પણ ચાલ્યો ગયો છું. મારી પાસે ખાવા-પીવા કાંઈ નથી. આ લોકોએ મારી એક ગાડી પડાવી લીધી છે. જેના પણ 2 લાખથી વધુ આપી દીધા હોવા છતાં મને મારીને મારી પાસે લખાણ કરાવી લીધું છે. એ લખાણ અને ચેક મને પરત આપવાને બદલે મારા ઉપર ફરિયાદ કરવામાં આવી છે.

આ વ્યાજખોરોનાં ત્રાસથી હવે મારે જીવવા જેવું રહ્યું નથી. અને હવે હું દવા પીવું છું મારા મોતના જવાબદાર આ ત્રણ-ચાર લોકો છે. ચોથું નામ આપતા તેણે કહ્યું કે, સુરેશભાઈએ જ મને હરિભાઈ પરમાર પાસેથી રૂપિયા લેવડાવી દીધા હતાં. તેમણે પણ મારી પાસે ખૂબ વ્યાજ લીધું છે. આ ચારેયનાં ત્રાસથી હું મોતને વ્હાલું કરું છું. મને ન્યાય અપાવજો પત્રકાર ભાઈઓ. મારા મોત બાદ મારી પત્ની અને મારા બાળકો રઝળી પડશે તેના માટે પણ આ ચારેય લોકો જવાબદાર રહેશે. અને હું આજે દવા પીને મરી જવાનો છું.

આ વિડીયો બનાવ્યા બાદ યુવકે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યાં ડોક્ટર્સ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને યુવકે બનાવેલા વિડીયોને આધારે સુરેશ અને વિજય રાઠોડ તેમના મમ્મી અને હરિભાઈ પરમાર સહિતનાં સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે મોરબી રોડ પર ગણેશ નગરમાં આવેલા યુવકના નિવાસસ્થાન નજીક અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે સમગ્ર મામલે ખરેખર સાચી હકીકત શુ છે તે તો પોલીસ તપાસ બાદ જાણી શકાશે.

Facebook Comments Box

Videos

Our Partners