- RTE અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે આગામી 11 એપ્રિલ સુધી અરજી કરી શકાશે
- RTEના વેબપોર્ટલ https://rte.orpgujarat.com પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે
- તમામ વિગતો પણ વેબસાઈટ પર અને જિલ્લા શિક્ષણ કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવી
WatchGujarat. ભારતીય બંધારણની જોગવાઇથી 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણના અધિકાર છે. ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-2009ની કલમ 12 (1) ક હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલી છે.
જે બાળકોએ તા. 1 જૂન-2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય અને આર.ટી.ઈ. વેબપોર્ટલ પર દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેવા બાળકોને આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશ મળવાપાત્ર છે. આર.ટી.ઈ. હેઠળ જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માંગતાં હોય તેમના વાલીઓએ RTEના વેબપોર્ટલ https://rte.orpgujarat.com પર જઈ તા. 30 માર્ચ- 2022 થી તા. 11 એપ્રિલ-2022 દરમિયાન પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. અરજી સાથે કયા કયા આધાર-પુરાવાઓ કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો પણ વેબસાઈટ પર અને જિલ્લા શિક્ષણ કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવી છે.
મહત્વનું છે કે અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવ્યો હતો. વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મતારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે અસલ પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
RTE અંતર્ગત આ પ્રવેશ મેળવવા અંગેની અરજી કે અન્ય સંબંધિત બાબતોનું માહિતી અને માર્ગદર્શન મેળવવા વડોદરા કોર્પોરેશન (શહેરી વિસ્તાર) હેલ્પલાઈન નંબર 0265-2461703, 91048 38832 પર મેળવી શકાશે. RTE ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેતું નથી, તેમ જિલ્લા શિક્ષણાધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.