• વાયદપુરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષક પોતાની વ્યવસ્થા હેઠળ બાળકોને બપોરા કરાવી રહ્યાં છે
  • કોરોના કટોકટી પછી શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું ત્યારથી વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજનનું આયોજન કર્યું છે
  • આ વ્યવસ્થાથી બાળકોનો શાળામાં આવીને ભણવાનો ઉત્સાહ વધ્યો – આચાર્ય

WatchGujarat. લોકડાઉન અને કોરોના કટોકટી દરમિયાન પ્રાથમિક શાળાઓમાં રૂબરૂ હાજરીવાળું શિક્ષણ અટકી ગયું. વિદ્યાર્થીઓને ઘેર રહીને ઓનલાઇન ભણવાનું હતું. એટલે મધ્યાહન ભોજન પણ બંધ રાખવામાં આવ્યું હતું. તેના વિકલ્પે વિદ્યાર્થીઓ માટે વાલીઓને નિર્ધારિત માત્રામાં વાજબી ભાવની દુકાનમાં થી ફૂડ કીટ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના કટોકટી હળવી થઈ જતાં રાજ્યના શિક્ષણ વિભાગે વર્ગ ખંડમાં પ્રત્યક્ષ હાજરી (ઓફ્લાઈન) સાથે શિક્ષણ શરૂ કર્યું. હવે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ફરી થી મધ્યાહન ભોજનની સગવડ શરૂ થવાની છે. વડોદરા જિલ્લાની શાળાઓમાં તેને અનુલક્ષીને તા.31 મી માર્ચથી બપોરનું ભોજન શરૂ કરવાની તંત્રે વ્યવસ્થા કરી છે.

જો કે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના વાયદપૂરા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય નરેન્દ્રભાઇ ચૌહાણની સ્વ પહેલથી વિદ્યાર્થીઓને ભોજન આપી રહ્યા છે. કોરોનાકાળ બાદ ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ થયું, લગભગ ત્યારથી જ સરકારી મધ્યાહન ભોજન બંધ હોવાં છતાં વિદ્યાર્થીઓને તેઓ સ્વ વ્યવસ્થા હેઠળ બપોરે ભોજન અથવા નાસ્તો આપી રહ્યાં છે. આ વિશે વાત કરતાં આચાર્ય નરેન્દ્રભાઇ ચૌહાણ જણાવ્યું હતું કે, મારી શાળામાં મોટેભાગે ખૂબ ગરીબ પરિવારોના બાળકો શિક્ષણ લઈ રહ્યાં છે. આ વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના ખૂબ આશીર્વાદ સમાન છે અને તેના લીધે તેઓ ભરેલા પેટે ભણી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે, સરકારી મધ્યાહન ભોજન શરૂ થાય તેની રાહ જોયા વગર અમે સ્વખર્ચે અને દાતાઓના સહયોગથી બાળકોને સુકો નાસ્તો કે ભોજન સુવિધા પ્રમાણે આપવાનું શરુ કર્યું. દિવાળીની રજાઓ પછી શાળા શરૂ થઈ ત્યારથી અમે તેમને દરરોજ નાસ્તો, ફળ અથવા ખાદ્ય વાનગીઓ આપીએ છે. આ વ્યવસ્થાથી તેમનો શાળામાં આવીને ભણવાનો ઉત્સાહ વધ્યો છે. આ શાળામાં શાળા શાકવાડી વર્ષોથી ઉછેરવામાં આવે છે. એટલે તેમાં ઉગેલા શાકભાજી ભોજન બનાવવામાં ઉપયોગી બની રહે છે.

વાયદપૂરા ગામની પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ સુધીની શાળામાં 45 વિદ્યાર્થીઓ છે. વૈકલ્પિક મધ્યાહન ભોજનની આ વ્યવસ્થા ખૂબ રાહત આપનારી બની રહી છે અને તેનાથી શિક્ષણ અને ભૂખ વચ્ચેની ખાલી જગ્યા પુરાઈ છે. નરેન્દ્રભાઇ અને તેમના સહયોગી શિક્ષકો અને ઉદાર દિલના દાતાઓએ આ પ્રયોગથી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners