• અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના ઓવરબ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત
  • અંદાડા ગામનો યુવાન બાઇક ઉપર ભાભી અને તેની પિતરાઈને બેસાડી ઘરે પરત આવતા દુર્ઘટના સર્જાઈ, કન્ટેનર ચાલક ફરાર
  • ઔદ્યોગિક નગરીમાં 24 કલાકમાં જ બે હોનારતમાં 6 જિંદગી હોમાઈ

Watchgujarat.અંકલેશ્વરમાં 24 કલાકમાં જ બનેલી 2 હોનારતમાં 6 જિંદગી હોમાઈ ગઈ છે. બુધવારે દીવાલ પડતા 4 લોકોના મોત બાદ શુક્રવારે દરગાહ ઉપર બાધા પુરી કરી બાઇક ઉપર પરત ફરતા બે મહિલા સહિત એક યુવાનને યમદૂત બની આવેલા કન્ટેનર ચાલકે કચડી નાખતા અરેરાટી ફેલાઈ ગઈ છે.

અંકલેશ્વરથી રાજપીપળા ચોકડી નજીક હાઈવે ઉપરના ફ્લાય ઓવરબ્રીજ ઉપર કન્ટેનર ચાલકે બાઈકને ટક્કર મારતાં બે મહિલા સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

અંકલેશ્વર તાલુકાના અંદાડાગામની શાંતિતિર્થ સોસાયટીમાં રહેતો 28 વર્ષીય અખિલેશ સિંગ તેની ભાભી પ્રિયંકા અજીત સિંગ અને ભાભીની પિતરાઈ બહેન નિધિ વિલાશ ચૌધરીને બાઇક નંબર GJ 16 AC 1380 ઉપર બેસાડી કીમ કોઠવા દરગાહ ખાતે ગયા હતા. જ્યાં દરગાહ ઉપર ગુરૂવારે બાધા પુરી કરી પરત આવી રહ્યા હતા.

દરમિયાન રાજપીપલા ચોકડી પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર પુરપાટ ઝડપે ધસી આવેલા કન્ટેનર નંબર-એ.પી.12.એચ.9277ના ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા બાઇક ઉપર સવાર ત્રણેય નીચે પટકાયા હતા. તેઓ ઉપરથી કન્ટેનર ફરી વળતાં ત્રણેય કચડાઈ જવા પામ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં દિયર ભાભી સહીત ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

અકસ્માત અંગેની જાણ શહેર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માત બાદ કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો. બ્રિજ ઉપર કેટલોક સમય ટોળા વચ્ચે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud