• જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પ્લે કાર્ડ લઈ વિરોધ કરતા રહ્યાં અને રેલી કાઢી, જ્યારે મૃતકનો પરિવાર રાહ જોતો રહ્યો
  • ભરૂચથી 30 KM દૂર હાંસોટ CHC માં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લઈ જવો પડે તેવી દારુણ સ્થિતિ વચ્ચે વ્યવસ્થા પણ ન થઇ

WatchGujarat. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બુધવારે એક તરફ સરકારી તબીબોની હડતાલ વચ્ચે વિરોધ પ્રદર્શન અને રેલી યોજાઈ રહી હતી ત્યાં બીજી તરફ એક મહિલાનો મૃતદેહ કલાકો સુધી રઝળતો જોવા મળ્યો હતો.

રાજ્યભરના સરકારી તબીબો પગાર, પેન્શન અને પ્રમોશન સહિતની માંગણીઓ સાથે હડતાળમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ , PHC અને CHC સેન્ટરના 90 થી વધુ તબીબો પણ જોડાયા છે. બુધવારે હડતાળનો ત્રીજો દિવસ છે.  સિનીયર તબીબોની હડતાળને પગલે સિવિલ હોસ્પિટલની સેવા ખોરવાઇ ગઈ હતી.

ભરૂચ સિવિલમાં તબીબોની હડતાળ વચ્ચે એક મહિલાની લાશ રઝળી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલી વૃદ્ધાની લાશ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે કલાકો સુધી પોસ્ટ મોટર્મના વાટ જોઈ રહી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ સમસ્યાનો હલ કાઢવો હોય તો મૃતદેહને 30 કિમિ દૂર આવેલા હાંસોટ આરોગ્ય કેન્દ્ર લઇ જવા જણાવી દીધું હતું.

સિવિલ હોસ્પટલ ખાતે તબોબી હડતાળના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં તબીબો એકઠા થયાં હતા અને પ્લેકાર્ડ સાથે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરી હતી. તબીબોએ રેલી પણ કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એકતરફ તબીબો કામથી અળગા રહ્યા તો બીજી તરફ 200 મીટર દૂર એક પરિવાર તેમના વડીલ 65 વર્ષીય શારદાબેન ચાપાનેરીયાની અંતિમવિધિ માટે મૃતદેહ મળવાનો ઇંતેજાર કરી રહ્યા હતા. પરિવાર એકાદ બે કલાક નહિ પરંતુ મંગળવાર રાતથી મૃતદેહનો કબ્જો લેવા પોસ્ટમોટર્મ રૂમની બહાર બેઠા છે.

તબીબોની હડતાળના કારણે લાશના પોસ્ટ મોટર્મની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ ન થવાના કારણે લાશ રઝળી રહી છે. સામાન્ય પરિવારના લોકો પાસે વગ ન હતી. સિસ્ટમ સામે લડવા તેઓ સક્ષમ ન હોવાથી રોષ કે નારાજગી વ્યક્ત કરવાના સ્થાને તેમની હાલત ઉપર રહેમ કે દયા જાણી લાશનું પોસ્ટમોટર્મ થાય અને લાશ મળે તેના ઈન્તેજાર કરતા રહ્યા હતા. તબીબોની હડતાળ દરમ્યાન રેલીની આગેવાની કરનાર ભરૂચ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જે. એસ. દુલેરાને આ બાબતે પૂછવામાં આવતા તેમણે સમસ્યા બાબતે માનવતાનું વલણ દાખવી ઘટતું કરવા કોઈ તજવીજ હાથ ધરી ન હતી.

ગરીબ પરીવાર કલાકોથી વડીલ મહિલાના મૃતદેહને અંતિમવિધિ કરવા માટે ઇંતેજાર કરી રહ્યો હતો પણ કોઈના પેટનું પાણી હાલ્યું નહિ. પરિવારે ક્યાં સુધી લાશ મેળવવા ઇંતેજાર કરવો તેના જવાબમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની લાશને પોસ્ટ મોટર્મ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલથી 30 કિમિ દૂર આવેલ હાંસોટ આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાની વ્યસ્થા કરવામાં આવે તો જ પોસ્ટ મોટર્મની કાર્યવાહી થશે. આ સાંભળી ગરીબ પરિવાર ચિંતાતુર બન્યો હતો. વાહનની અડફેટે કચડાઈ મૃત્યુ પામેલ મહિલાનો મૃતદેહ ગરીબ પરિવાર કઈ રીતે 30 કિમિ દૂર લઈ જઈ શકે તે એકે પ્રશ્ન ઉભો થયો હતો.

Facebook Comments Box

Videos

Our Partners