- ભરૂચ જિલ્લા ખેડૂત સમાજની 8 કલાક વીજળી આપવા વીજ કંપનીના અધિક્ષકને રજુઆત
- ખેતી માટે ટુકડે ટુકડે 6 કલાક અપાતી વીજળી સામે ખેડૂતોમાં રોષ
- જો વીજળી નહિ મળી તો ખેડૂત, ખેતી અને પશુઓને થનારી નુક્શાનીના જવાબદાર વીજ કંપની રેહશેની કેફિયત
WatchGujarat. 24 કલાક ભરૂચ જિલ્લાના ઉધોગો વીજળીથી ધમધમે છે ત્યાં જિલ્લાના ખેડૂતોને ટુકડે ટુકડે 6 કલાક વીજળી મળી રહી હોય પાક, પશુધનને જીવંત રાખવા ખેડૂતોએ DGVCL માં વીજ માટે પોકાર લગાવવાની ફરજ પડી છે.
પાવર સરપલ્સ ગુજરાતમાં ખેડૂતોને 8 કલાક વીજળી મળતી નથી. ટુકડે ટુકડે 6 કલાક મળતી વીજળીથી આકરી ગરમીમાં ખેતરમાં ઉભા પાકને બચાવવું મુશ્કેલ બની રહ્યું છે. જેને લઈ ગુરૂવારે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ DGVCL ભરૂચ સર્કલ ઓફીસ ઉપર પસ્તાળ પાડી હતી. સુત્રોચ્ચારો સાથે 8 કલાક સતત વીજળી આપવા અધિક્ષક ઈજનેરને રજુઆત કરી હતી.
ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લાના ઉધોગોને સતત ધમધમતા રાખવા અવિરત 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જ્યારે ખેડૂતો માટે નિયત કરાયેલો 8 કલાકનો વીજ પુરવઠો પણ આપવામાં આવી રહ્યો નથી. ખેતી કરવી અને પાક બચાવવો ગરમીમાં મુશ્કેલ બનતા ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે સતત 8 કલાક વીજળી મળી રહે તેની માંગ સાથે વીજ કંપનીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો વીજળી નહીં મળે અને પાક, ખેડૂત તેમજ પશુધનને કઈ પણ થયું તો તેની જવાબદાર પણ વીજ કંપની રહેશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી. સાથે ખેતી માટે સતત 8 કલાક વીજળી નહિ અપાઈ તો જિલ્લાના ખેડૂતોએ જલદ આંદોલન છેડવાનું પણ અલ્ટીમેટમ આપ્યું છે.
ઉનાળાના પ્રારંભે જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોને માત્ર 6 કલાક અને તે પણ ટુકડે ટુકડે વીજળી અપાતી હોવાથી તેઓના પાક નષ્ટ થવાની ભીતિ છે. જેને લઈ ગુરૂવારે જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયાની આગેવાનીમાં ખેડૂતોએ ભરૂચ DGVCL કચેરીએ રેલી સ્વરૂપે આવેદન અધિક્ષકને આપ્યું હતું. જો 8 કલાક વીજળી નહિ મળે તો ખેડૂત, ખેતી અને પશુધનને નુકશાનીની તમામ જવાબદારી વીજ કંપનીની રહેશે તેવો પણ રોષ વ્યકત કરાયો હતો.