• કલમ 37 અને 70 હેઠળ પાલિકા પ્રમુખ સામે કાર્યવાહી કરવા પ્રાદેશિક કમિશનર અને મુખ્ય અધિકારીને રજુઆત
  • પ્રમુખને ગેરલાયક ઠેરવવા અને તેમના પતિ સામે નિયમુનાસર કાર્યવાહી અંગે રિપોર્ટ ઉપર મોકલાશે  CO યોગેશ ગણાત્રા
  • પાલિકામાં પતિ જ તમામ શાસનની ધૂરા સંભાળી વહીવટ કરતા હોવાની ફરિયાદોનો મારો
  • સોમનાથમાં પાલિકા પ્રમુખો અને ઉપપ્રમુખની બેઠકમાં પણ સરકારી ગાડી અને ખાનગી ડ્રાઈવર લઈ પ્રમુખના પતિ દેવે કર્મચારીઓ સામે વાણી વિલાસ કર્યો હતો

WatchGujarat. જંબુસર નગર પાલિકામાં મહિલા પ્રમુખ ભાવનાબેન રામી વતી તેમના પતિ ભાવેશ રામી જ તમામ વહીવટ કરતા હોય ત્રાસી ગેયલા કર્મચારીઓ અને વિરોધ પક્ષે ગુરૂવારે પ્રાદેશિક કમિશનર તેમજ મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી પ્રમુખને ગેરલાયક ઠેરવી તેમના પતિ સામે કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. જેનો રિપોર્ટ ચીફ ઓફિસરે તૈયાર કરી ઉપર મોકલવા તજવીજ હાથ ધરી છે.

જંબુસર નગર પાલિકાના પ્રમુખ ભાવનાબેન રામી સામે કલમ 37 અને 70 હેઠળ કાર્યવાહી કરવા ગુરૂવારે પાલિકા કર્મચારી મંડળ અને વિરોધ પક્ષના નેતાએ આવેદનપત્ર આપ્યું હતું. જંબુસર પાલિકા કર્મચારી મંડળના પ્રમુખ – ઉપપ્રમુખે આવેદનમાં જણાવ્યું છે કે, 26 માર્ચના દિવસે નગર પાલિકા પરિષદ ગાંધીનગર દ્વારા સોમનાથ ખાતે નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની મીટીંગમાં જંબુસર નગર પાલિકાના પ્રમુખ ભાવનાબેન રામીના પતિ ભાવેશ રામીને ભાવનાબેન નગર પાલિકાના ખર્ચે ગેરકાયદેસર રીતે સોમનાથ લઇ ગયા હતા.

નગરપાલિકાના ખર્ચે ત્યાં મીટીંગમાં જંબુસર નગરપાલિકાના પ્રમુખના પતિદેવ દ્વારા ઉકત મીટીંગમાં જંબુસર નગર પાલિકાના કર્મચારીઓ વિરૂધ્ધ ખૂબજ ખરાબ વાણી વિલાસ કરાયો હતો. કર્મચારીઓની આના કારણે લાગણી દુભાઈ છે. સાથે જ રોષ પ્રગટ કરાયો છે. આવા વર્તનના સતત પ્રવાહથી કર્મચારીઓનું મોરલ તોડી પ્રમુખના પતિ શું સાબિત કરવા માંગે છે ? તે સમજ બહારની વાત છે. પ્રમુખ તેમના પતિને નગર પાલિકાના વહીવટમાં દખલ કરવાની ખુલ્લી છૂટ આપી દીધેલ છે અને તેઓ પોતે વહીવટ કરવા અસમર્થ છે તેમ પણ કર્મચારી મંડળે આવેદનમાં ટાક્યું છે.

પ્રમુખના પતિ દ્વારા નગરપાલિકાના કર્મચારી વિનુભાઇ બી . રાઠવા અને ધનેશભાઈ એસ . પટેલ સાથે ગેરવર્તન કરી તેઓને નગરપાલિકા કચેરીમાં ગાળો ભાંડતા તેમની તબીયત બગડી ગઈ હતી. તે બંને હાલ રજા પર ઉતરી ગયા છે. આ ઉપરાંત નગર પાલિકાની ગાડીના ડ્રાઇવર સઇદભાઇ ઇકબાલભાઇ શેખને ગેરકાયદેસર કામમાં સાથ આપવા દબાણ કરેલ , તેમ કરવા સઇદભાઇએ ઇન્કાર કરતાં તેઓને પણ ગેરકાયદેસર રીતે નોકરીમાંથી પ્રમુખ મારફત છૂટા કરાવી દીધા છે.

આમ પ્રમુખ પોતે નગરપાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવવા અસમર્થ છે અને તેમના સ્થાને તેમના પતિ કોઇપણ જવાબદારી વગર નગરપાલિકાના નાણાં અને સંસાધનો વેડફાડ કરી નગરપાલિકાને આર્થિક નુકસાન કરતા હોય , પ્રમુખ સામે કલમ 37 અને 70 હેઠળ કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે. મુખ્ય અધિકારી સામે પણ પ્રમુખના પતિનું વર્તન ચાલુ હોય , સમગ્ર સ્ટાફ તેઓની સરમુખત્યારશાહીથી ત્રસ્ત છે. આ અંગે તેઓ સામું કાર્યવાહી થવા કર્મચારીઓ માંગણી કરી છે.

પ્રમુખને ગેરલાયક ઠેરવી તેમના પતિ સામે કાર્યવાહી અંગે રિપોર્ટ તૈયાર કરી રહ્યો છું : મુખ્ય અધિકારી

જંબુસર નગર પાલિકાના મુખ્ય અધિકારી યોગેશ ગણાત્રા એ જણાવ્યું હતું કે, પાલિકા કર્મચારી મંડળ અને વિરોધ પક્ષના નેતાનું આવેદનપત્ર મળ્યું છે. જે અંગે પ્રમુખ સામે કાર્યવાહી કરવા રિપોર્ટ તૈયાર કરી રહ્યો છું. આવેદનપત્રને રિપોર્ટ સાથે સામેલ કરી ઉપર મોકલવામાં આવશે.

પ્રમુખના પતિએ ફોન કાપી નાખ્યો

પ્રમુખ ભાવનાબેન રામી વતી તેમના પતિ વહીવટ કરતા હોય અને કર્મચારી મંડળ તેમજ વિરોધ પક્ષના નેતાએ આપેલા આવેદન અંગે પૂછવા ફોન કરતા ભાવેશ રામીએ કોલ ઉઠાવ્યો હતો. જેઓને Watchgujarat.com માંથી બોલું છું તેમ કહેતા જ ફોન કટ કરી દીધો હતો. જ્યારે બીજી વખત કોલ કરતા ફરીથી કાપી નાખ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners