• વાલિયા ગણેશ સુગરના કથિત ₹85 કરોડના કૌભાંડમાં હમણાં જ શરતી જામીન ઉપર સંદીપ માંગરોલા મુક્ત થયા છે
  • આવકવેરા વિભાગની ટીમોએ અભિરાજ એજન્સી અને પેટ્રોલપંપ ઉપર શરૂ કરેલી તપાસ
  • ઇન્કમટેક્ષ વિભાગના હાથે શુ લાગે છે તેતો સર્ચ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે
  • વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાને લઇ રાજકીય ઈશારે સમગ્ર ખેલ ખેલાઇ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

WatchGujarat. ઉત્તરપ્રદેશ અને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે કાનપુરમાં ઇત્રના વેપારી પિયુષ જૈનને ત્યાં આવકવેરાના દરોડામાં અધધ કરોડો રોકડા, સોના, ચાંદી અને મિલકતોના દસ્તાવેજો મળ્યા બાદ ભરૂચ જિલ્લામાં પણ UP વાળી રાજકીય ઈશારે થઈ રહી હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. કોંગી અગ્રણી અને ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાના અંકલેશ્વરમાં આવેલા પેટ્રોલપંપ તેમજ અભિરાજ એજન્સી ઉપર ત્રાટકી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ આગેવાન અને વાલિયાની વટારિયા સ્થિત ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાની સુગરમાં ₹85 કરોડની આર્થિક ઉચાપતમાં ધરપકડ થઈ હતી. મહિનાઓ સુધી જેલમાં રહ્યા બાદ હાઇકોર્ટમાંથી સંદીપ માંગરોલાને વચગાળાના શરતી જામીન મળ્યા હતા. ભરૂચ જિલ્લામાં નહિ પ્રવેશવાની શરતે તેમને શરતી જામીન કોર્ટે આપ્યા હતા.

વાલિયા ગણેશ સુગરમાં પોતાના ચેરમેન તરીકેના કાર્યકાળમાં સંદીપ માંગરોલાએ મંડળીને ₹85 કરોડનું નુકશાન પોહચાડ્યું હોવાની ફરિયાદ બાદ રાજકારણ પણ ગરમાયુ હતું. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય જેને લઈ રાજકીય ઈશારે આ ખેલ ખેલાયો હોવાનો પણ કોંગ્રેસે જેતે સમયે આક્ષેપો કર્યા હતા.

દરમિયાન ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી ટાણે કાનપુરના ઇત્રના વેપારી ઉપર પડેલા આવકવેરાના દરોડાની જેમ ભરૂચમાં પણ UP વાળી સરકારના ઈશારે કરાઈ રહી હોવાનો ચણભણાટ કોંગ્રેસમાં શરૂ થઈ ગયો છે. વાલિયા સુગરના કથિત ₹85 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાની એજન્સી ઉપર ઇન્કમટેક્ષના દરોડાથી સહકારી અને રાજકીય ક્ષેત્રે ભરૂચ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

અંકલેશ્વરમાં આવેલી પૂર્વ ચેરમેનની અભિરાજ એજન્સી અને પેટ્રોલ પંપ ઉપર સવારથી આવકવેરાની ટીમોએ ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાની વિગતો બહાર આવી છે. અભિરાજ એજન્સી દ્વારા જ ગણેશ સુગર મંડળીના આર્થિક વ્યવહારોમાં ગરબડી કરવામાં આવી હતી. જ્યારે અભિરાજ એજન્સી હેઠળ જ અગાઉ એક દૈનિક પેપરની તેઓએ વિતરણ એજન્સી પણ લીધી હતી. પેપર એજન્સી પરત આપી દીધા બાદ પણ હજી પણ સંદીપ માંગરોલાની અભિરાજ એજન્સી ઉપર દૈનિક પેપરનું પાટિયું જુલતું જોવા મળી રહ્યું છે. હાલ તો આવકવેરાની તપાસ ચાલુ છે ત્યારે દરોડા અંગેની કોઈ વિગતો બહાર આવી નથી. જોકે આ.ટી. નું સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ અભિરાજ એજન્સીમાંથી કઈ વાંધાજનક દસ્તાવેજો કે કરચોરી મળી આવે છે તે તો ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની સતાવાર જાહેરાત બાદ જ જાહેર થશે.

Facebook Comments Box

Videos

Our Partners