• જંબુસર-આમોદ માર્ગ ઉપર બનેલી ઘટનામાં ST ડ્રાઈવરની સમય સૂચકતાને પગલે બસમાં સવાર 50થી વધુ મુસાફરોનો આબાદ બચાવ
  • સવારની ઘટના બાદ 1 કલાકનો સમય વિત્યો હોવા છતાં એસ.ટી.ડેપો દ્વારા અન્ય બસ નહિ ફાળવતા વિધાર્થીઓ અને મુસાફરો રસ્તે રઝળ્યાં

WatchGujarat. ગુજરાત ST બસની સલામત સવારી અસલામત બની હોવાની ઘટના ગુરૂવારે જંબુસરથી ભરૂચ વચ્ચે બની હતી. જંબુસરથી બસ 50 જેટલા વિધાર્થીઓ અને મુસાફરોને લઈ ભરૂચ આવી રહી હતી ત્યારે આમોદ નજીક માર્ગ ઉપર બસનું ટાયર ચાલુમાં નીકળી ગયું હતું. જોકે ડ્રાઈવરે તુરંત બસ થોભાવી દેતા મોટી ઘટના ટળી ગઈ હતી. જોકે એક કલાકથી વધુ સમય થઇ જવા છતાં બીજી બસની વ્યવસ્થા નહિ કરાતા મુસાફરો રસ્તે રઝળી પડ્યા હતા.

ચાલુ બસે ટાયર નીકળી જવાની રીલ લાઈફમાં ફિલ્મોમાં જોવા મળતી ઘટના ગુરૂવારે સવારે ભરૂચ જિલ્લામાં હકીકતમાં બની હતી. કઈક બન્યું હતું એમ કે જંબુસર ડેપો પરથી 50 થી વધુ મુસાફરોને લઈ બસ ભરૂચ ડેપો આવવા નીકળી હતી.

ST બસનો ડ્રાઈવર તેની નિયત ઝડપે બસને હંકારી રહ્યો હતો ત્યારે જ જંબુસર-આમોદ માર્ગ પરથી પસાર થતી વેળા એસ.ટી બસનું ચાલુમાં ટાયર નીકળી જતાં અંદર સવાર વિધાર્થીઓ અને મુસાફરોના શ્વાસ અઘ્ધર થઈ ગયા હતા.

જોકે બસના પાછળના ભાગે બે ટાયર આવેલા હોય જેમાંથી એક ટાયર નીકળી જતા ST બસના ચાલકે તુરંત સ્ટીયરિંગ ઉપર કાબુ જાળવી પોતાની સૂઝબૂઝથી બસને બ્રેક મારી ઉભી કરી દીધી હતી. ડ્રાઈવરની અગમચેતીથી મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. અને બસમાં સવાર 50 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

જોકે શાળા કોલેજ અને નોકરી ધંધાના સવારના સમયે રસ્તા ઉપર જ વિધાર્થીઓ અને મુસાફરોએ એક કલાક ઉપરાંત રાહ જોવા છતાં બીજી બસ નહિ મોકલાતા મુસાફરો અને વિધાર્થીઓ અટવાઈ ગયા હતા. ચાલુ બસે ટાયર નીકળી જવાની ઘટનામાં એસ.ટી. તંત્ર દ્વારા ટ્રીપ પેહલા બસ અને તેના ટાયરો યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે કે નહીં તેના ઉપર સુરક્ષા અને સલામતીને લઈ સવાલો ઉભા થઇ રહ્યાં છે.

Facebook Comments Box

Videos

Our Partners