• રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણના ઝઘડામાં વચ્ચે પડનાર મિત્રએ જીવ ગુમાવવાનો વારો
  • પ્રેમિકાને મળવા ગયેલા યુવકને પ્રેમિકાના ભાઇઓ મારતા હોઇ આ યુવક છોડાવવા વચ્ચે પડ્યો હતો, બન્ને આરોપી ભાઈઓની ધરપકડ

WatchGujarat. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે પ્રેમિકાને મળવા ગયેલ યુવકને યુવતીના ભાઇઓ માર મારતા હોઇ, તેને છોડાવવા વચ્ચે પડેલ અન્ય યુવકને મુઢ માર મારી ગળુ દબાવી તેની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ વખતપુરા ગામે રહેતો સ્વપ્નિલ પ્રવિણભાઇ વસાવાને રાણીપુરા ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે. આ યુવક શનિવારે રાણીપુરા ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. ત્યારબાદ સ્વપ્નિલ રાતના અઢી વાગ્યાના અરસામાં તેની પ્રેમિકાને મળવા તેના ઘરના પાછળના વાડામાં ગયો હતો.

તે સમયે સ્વપ્નિલ વસાવાનો રાણીપુરા રહેતો મિત્ર વિપુલ નજીકમાં રોડ ઉપર ઉભો હતો. યુવતીને મળવા આવેલ તેના પ્રેમીને યુવતીના ભાઇઓ જોઇ જતા તેઓ ઝઘડો કરીને સ્વપ્નિલને લાકડીના સપાટા મારવા લાગ્યા હતા. આ જોઇને મિત્ર વિપુલ વસાવા છોડાવવા વચ્ચે પડ્યો હતો. તે દરમિયાન હિતેશ બાબુભાઇ વસાવા અને વિપુલ બુધિયાભાઇ વસાવાએ છોડાવવા વચ્ચે પડનાર વિપુલ રતિલાલ વસાવાને ઢિકાપાટુનો તેમજ મુઢ માર મારીને તેનું ગળુ દબાવીને જમીન પર પાડી દીધો હતો.

ઘટનાની જાણ વિપુલના પિતા રતિલાલ વસાવાને થતાં તેઓ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ વિપુલને ઝઘડીયા સેવારુરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે વિપુલને મરણ પામેલ જાહેર કર્યો હતો. આ ઘટના બાબતે મૃતકના પિતા રતિલાલ રમણભાઈ વસાવા એ આરોપીઓ હિતેશ બાબુભાઇ વસાવા અને વિપુલ બુધિયાભાઇ વસાવા  વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે ઘટના બાદ ગણતરીના કલાકોમાં આ બન્ને ઇસમોને ઝડપી લીધા હતા.

Facebook Comments Box

Videos

Our Partners