• સમની આરોગ્ય કેન્દ્ર અને પોલીસે પણ માનવતા નહિ સાચવી હોવાનો માતાનો આક્ષેપ, કલાકો સુધી મૃતદેહ આરોગ્ય કેન્દ્રમાં પડી રહ્યો
  • એમ્બ્યુલન્સ નહિ મળતા ખાનગી ઇકો કારમાં મૃતદેહને સુરત લઈ જવાયો
  • પેનલ પોસ્ટમોર્ટમ અને FSL બાદ શંકાસ્પદ મોત અંગેનું કારણ બહાર આવશે

WatchGujarat. આમોદ તાલુકાના સરભાણ ગામે 14 વર્ષીય સગીરાની આપત્તીજનક હાલતમાં લાશ મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. લાકડા વીણવા ગયેલી સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરાઈ હોવાની પરિવારે આશંકા સેવી છે. સમની આરોગ્ય કેન્દ્રમાં કલાકો સુધી મૃતદેહ પડી રહેતા પરિવારે હોસ્પિટલ અને પોલીસ સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

સરભાણ ગામે સોમવારે 14 વર્ષીય સગીરા તળાવ નજીક લાકડા વીણવા ગઈ હતી. બપોરે લાકડાનો એક ભારો ઘરે લાવ્યા બાદ સગીરા ફરીથી લાકડા વીણવા ગઈ હતી. સાંજ પડી જવા છતાં દીકરી ઘરે નહિ આવતા માતા પિતા અને પરિવારજનો ચિંતિત થઈ ઉઠ્યા હતા.

સીમમાં તળાવ નજીક પરિવારજનો અને ગ્રામજનોની શોધખોળ વચ્ચે સગીરાનો મૃતદેહ આપત્તીજનક હાલતમાં મળી આવતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. માતાના આક્ષેપ મુજબ સગીરાનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો.

દીકરીના મૃતદેહને લઈ સમની આરોગ્ય કેન્દ્ર ઉપર પરિવાર પોહચતા હોસ્પિટલ અને પોલીસ તંત્ર તરફથી પણ કડવો અનુભવ થયો હોવાનો આક્ષેપ કરાયો છે. પરિવારે આરોગ્ય કેન્દ્રમાં કે આમોદ તાલુકામાં એમ્બ્યુલન્સ નહિ હોવાથી મૃતદેહ કલાકો પડી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ ખાનગી ઇકો કારની વ્યવસ્થા કરાઈ હતી. જોકે સુરતથી પરત ગામ કઈ રીતે આવવાનું તેવા સવાલો સાથે પરિવારે રોષ વ્યકત કર્યો હતો.

ઘટનાની જાણ આમોદ પોલીસને કરાતા પોલીસે સ્થળ પર દોડી આવી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અને એફએસએલ માટે સુરત ખસેડયો છે. રિપોર્ટ બાદ સગીરાની હત્યાનું સાચું કારણ બહાર આવી શકશે. બીજી તરફ સગીરાની માતાએ તેમની દિકરી સાથે અઘટિત ઘટના બન્યા બાદ તેની હત્યા કરાઇ હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud