• મહારાષ્ટ્રના ધુલિયાથી આવતી શંકાસ્પદ હરિયર લક્ઝરી કારને રોકવા જતા ચાલક ભાગી છૂટ્યો
  • દેડીયાપાડા નજીકથી ફિલ્મી ઢબે પોલીસે કારને રોકી, ડીકીમાંથી વાઘનું ચામડું, 2 મોબાઈલ, રોકડા 47000 સાથે કાર મળી કુલ ₹15.57 લાખના મુદ્દામાલની ધરપકડ
  • વાઘનું ચામડું હોવાનું પ્રાથમિક તબક્કે વનખાતાની પુષ્ટિ જોકે FSL ના રિપોર્ટ બાદ નકલી કે અસલી ચામડું હોવા બાદ આગળની કાર્યવાહી
  • વાઘનું ચામડું ક્યાંથી લાવ્યા અને કોને વેચવાનું હતું સહિતની તપાસ શરૂ

WatchGujarat. મહારાષ્ટ્રના ધુલિયાથી આવતી લકઝરીયસ કારની ડીકીમાંથી નર્મદા જિલ્લાની સાગબારા પોલીસે ધનસેરા ચૅકપોસ્ટ પરથી રાષ્ટ્રીય પ્રાણી વાઘના ચામડાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી લકઝરી કાર માંથી એક ઇસમને વાઘના ચામડા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વન વિભાગનું કામ પોલીસે કરતા સાગબારા વન વિભાગ ઊંઘતુ ઝડપાયું છે.

નર્મદા જિલ્લાના સાગબારા નજીકની મહારાષ્ટ્ર બોર્ડર પર ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવા સાગબારા પોલીસ ધનસેરા ચેક પોસ્ટ પાસે વોચ રાખી વાહન ચેકીંગ કરી રહી હતી. સાગબારા પી.એસ.આઈ કે.એલ.ગલચર સહિત પોલીસ ટીમની વોચ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી MH 19 CV 3112 નંબરની ટાટા હેરિયર કાર શંકાસ્પદ જણાતા પોલીસે એને રોકવાની કોશિસ કરી હતી.

જોકે પોલીસને જોઈ કાર ચાલક દેડિયાપાડા તરફ ભાગવા લાગ્યો હતો. સાગબારા પોલીસ ટીમે ફિલ્મી ઢબે એનો પીંછો કરી કારને પકડી પાડી હતી. પોલીસે કારની ડીકીમાંથી વાઘનું સૂકું ચામડું મળી આવ્યું હતું. પોલિસ પૂછપરછમાં મહારાષ્ટ્ર ધૂલીયાના 34 વર્ષીય કિશોર ભટ્ટ આહીરને 15 લાખ રૂપિયાની લકઝરીયસ કાર, 10,000 રૂપિયાના 2 મોબાઈલ અને 47,485 રૂપિયા રોકડા મળી કુલ ₹ 15,57,485 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ અંગે વન વિભાગને જાણ કરતા RFO સપના ચૌધરી સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. વન વિભાગે પ્રાથમિક પુષ્ટિમાં આ ચામડું વાઘનું હોવાનું જણાવ્યું હતું. જોકે FSL માં મોકલ્યા બાદ આ ચામડું અસલી છે કે નકલી તેની સ્પષ્ટતા થશે.

ઉલ્લેખનીય છે કે ,રાષ્ટ્રીય પ્રાણી વાઘ શિડયુલ વનમાં આવે છે અને વનયજીવ હેઠળ સૌથી પ્રોટેકટેડ છે. દેશમાં વાઘની વસ્તી અને અસ્તિત્વને બચાવવા સેવ ટાઇગર પ્રોજેકટ 1973 થી ચાલી રહ્યો છે. વાઘના શિકાર અને તેની તસ્કરીમાં અલગ અલગ સજાની જોગવાઈ રહેલી છે. હાલમાં પકડાયેલું ચામડું અસલી છે કે નકલી તે બાદ કાર્યવાહી થશે. જો વાઘનું ચામડું અસલી હશે તો આરોપીઓ ક્યાંથી લાવ્યા, કોઈએ શિકાર કર્યો હતો કે મૃત વાઘનું ઉતારાયું હતું. તેની તસ્કરી ક્યાં કરવાની હતી અને કોને આ ટોળકી આ ચામડું વેચવાની હતી સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud