• ₹6.50 કરોડના ખર્ચે સ્કાડા હેઠળ ફિલ્ટરેશન પ્લાન્ટ અને 10 ટાંકીઓ ઉપર પાણીનું વિતરણ સવસંચાલીત
  • શહેરમાં રોજનું 44 MLD પાણી વિતરણમાં સેન્સર આધારિત આધુનિક ઓટોમેટિક સિસ્ટમ સમારકામ, વીજ ખર્ચ ઘટાડવા સાથે પાણીનો વ્યય પણ અટકાવશે

WatchGujarat. ભરૂચ નગર પાલિકાએ પાણી પુરવઠાની વ્યવસ્થાને આધુનિક સ્વરૂપ આપી પોણા 2 લાખ શહેરીજનોને રોજીંદુ 44 MLD પાણી પુરૂ પાડવામાં ₹6.50 કરોડના ખર્ચે ઓટોમેટિક સિસ્ટમ સાથે આત્મનિર્ભરતા મેળવી છે. ફિલ્ટરેશન પ્લાન્ટ અને શહેરની 10 ટાંકીઓની સંપૂર્ણ કામગીરીને એક કંટ્રોલરૂમથી સંચાલિત કરી છે. આ આધુનિક ટેક્નોલોજી મેન્ટેનન્સ કોસ્ટ , વીજ ખર્ચ અને પાણીનો વ્યય ઘટાડવામાં કારગર નીવડશે.

ઔદ્યોગિક નગરી ભરૂચમાં નગરપાલિકા હદ ક્ષેત્રમાં રહેતા પોણા 2 લાખથી વધુ લોકો 44 MLD પાણીનો ઉપયોગ કરે છે. નર્મદા યોજના અંતર્ગત ભરૂચના માતરિયા તળાવ ખાતે આ પાણી સ્ટોર કરી 10 ટાંકીઓ મારફતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરવઠો અપાય છે. ભરૂચ શહેરની અનઇવન ટોપોગ્રાફી ભૌગોલિક પરિસ્થિતિ પાણી પુરવઠા વિભાગ માટે એક પડકાર સમાન મનાય છે. ભરૂચના કેટલાક વિસ્તાર ઊંચા ટેકરા ઉપર છે જયારે કેટલાક વિસ્તારો નર્મદા નદીના કિનારા સહીત નીચાણવાળા સ્થળોએ આવેલા છે. આ સંજોગોમાં પ્રેસર મેન્ટેન રાખવું પડકાર સમાન બની રહ્યું છે. કર્મચારી વાલ્વ ખોલવામાં થોડી પણ બેદરકારી રાખે તો લીકેજ અને મોટરને નુકસાન જેવા પરિણામ સામે આવે છે.

ભરૂચ પાલિકા મુખ્ય અધિકારી સંજય સોનીએ જણાવ્યું હતું કે, સમસ્યાનો હલ કાઢવા ભરૂચ નગર પાલિકાએ કેન્દ્ર સરકારની અમૃત મિશન યોજન હેઠળ વોટર સપ્લાયની આખી પ્રક્રિયા ડિજિટલ અને ઓટોમેટિક બનાવી છે. અત્યારસુધી પમ્પ બંધ – ચાલુ કરવા, લેવલીંગ , ફ્લો અને પ્રેસર મેન્યુઅલ કરાતા હતા. હવે આખી પ્રક્રિયા ટેક્નોલોજી આધારિત બની છે. વોટર સપ્લાયના આખા નેટવર્ક જેમાં 10 ટાંકી , સમ્પ અને ફિલ્ટરેશન પ્લાન્ટને પાલિકા સ્થિત કંટ્રોલરૂમ સાથે જોડવામાં આવ્યા છે. હવે તમામ કામગીરી ટેક્નોલોજીથી સેન્સરની મદદથી થાય છે.

પાલિકા વોટર વર્ક્સ કમિટી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નરેશ સુથારવાલાએ જણાવ્યું હતું કે, ₹6.50 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને આગામી સમયમાં પણ ટેક્નોલોજી સાથે અપગ્રેડ કરી શકાય તેવી જોગવાઈ રાખવામાં આવી છે. આગામી 3 વર્ષથી આ સિસ્ટમની ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદરી સિસ્ટમ ઇન્સ્ટોલ કરનાર કંપનીની રહેશે. જે ભરૂચ શહરમાં અવિરત પાણી પુરવઠો શહેરીજનો સુધી પહોંચે તેની ખાતરી પણ રાખશે. આ ઓટોમેટિક પાણી વિતરણ વ્યવસ્થાથી પાણી, વીજળીનો વ્યય બચશે, જ્યારે મેન્ટેનન્સ કોસ્ટમાં ઘટાડા સાથે શહેરીજનોને પૂરતા પ્રેશર અને સમય પાણી મળતું રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud