• પુરૂષ PSIનો ભાંડો ફૂટતા મહિલા PSIની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરશે તેવી ધમકી આપી
  • મહિલા PSIએ ભુજના PSI વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

WatchGujarat. ભાવનગરની એક મહિલા પીએસઆઈને ભુજ જિલ્લામાં એક પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અધિકારીએ પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ મહિલા પીએસઆઈ પાસેથી માતબર રોકડ રકમ સાથે પાંચ તોલા સોનું પડાવી લીધું હતું. તેમજ મહિલા પીએસઆઈ પર દુષ્કર્મ આચર્યુ હતું. જેથી મહિલા PSI એ ભૂજના PSI વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મીડિયા અહેવાલ અનુસાર, ભાવનગર પોલીસ બેડામાં ચર્ચાનો અગ્રતમ વિષય બનેલા બે પોલીસ અધિકારીઓના પ્રેમ પ્રકરણની વિગત જોઈએ તો શહેરના એક પોલીસ સ્ટેશનમાં બિન હથિયારધારી પીએસઆઈ તરીકે ફરજ બજાવતી યુવતીને ભુજ પોલીસ બેડામાં હથિયારધારી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા યુવાન સાથે મનમેળ સર્જાતાં થોડા જ સમયમાં બંને સમાન હોદ્દો ધરાવતાં અધિકારીઓ એકબીજા પર પ્રાણ ન્યોછાવર કરવા તત્પર બન્યાં હતા. “પ્રેમ” માં ઓળઘોળ મહિલા પીએસઆઈ એ પ્રેમના નામે પોતાનું સર્વસ્વ પીએસઆઈના ચરણે ધરી દીધું હતું!

પત્નીને છુટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી

આ દરમિયાન ભુજનો પીએસઆઈ પરણીત હોય અને પત્ની સાથે મનમેળ ન હોવાનું મહિલા પીએસઆઈને જણાવી પોતાની પત્નીને છુટાછેડા આપી મહિલા પીએસઆઈને પોતાની પત્ની બનાવી લેશે તેવી હૈયાધારણ આપી હતી. તેમજ આ મહિલા અધિકારી પાસેથી ત્રણ લાખ રોકડા તથા પાંચ તોલા સોનું પણ પ્રેમનાં નામે પડાવી લીધું હતું.

ધમકી ભરેલો વીડિયો મહિલા પીએસઆઈને મોકલ્યો હતો

ભુજના પીએસઆઈએ પોતે તેના વિના જીવી નહીં શકે અને જો આપડો પ્રેમ દુનિયા સામે ઉજાગર કરશે તો મહિલા પીએસઆઈની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેશે એવાં મેસેજ વીડિયો મહિલા પીએસઆઈને મોકલી આપ્યો હતો. ત્યારે પ્રેમીકાની અંતે આંખ ખુલતાં સમગ્ર મુદ્દે ઉપરી પોલીસ અધિકારીને સઘળી હકીકતથી વાકેફ કર્યા હતા.

ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી

પોલીસે કાયદા મુજબ મહિલા પીએસઆઈને ફરિયાદ નોંધાવવાનું જણાવતાં મહિલા પીએસઆઈએ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 354, 376, 420, 506/2 સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. જેથી પોલીસે ભુજના પીએસઆઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે.

Facebook Comments Box

Videos

Our Partners