• જામનગરમાં નથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના થતાં ગુજરાતમાં વિવાદ છેડાયો છે
  • ડૉ. ભરત કાનાબારે ટ્વીટર પર પ્રધાનમંત્રીને ટેગ કરીને લખ્યું- આઝાદીનો અમૃત મહોત્સવ કે નથુરામનો પ્રતિષ્ઠા મહોત્સવ
  • આ સમગ્ર વિવાદ મામલે પ્રશ્ન ઉઠાવનાર ડૉ. ભરત કાનાબાર ભાજપના પ્રથમ નેતા
  • હિંદુ સેના દ્વારા જામનગરમાં ગોડસેની પ્રતિમા સ્થાપવામાં આવી હતી, કોંગ્રેસ દ્વારા પ્રતિમાને તોડી નાખવામાં આવી

WatchGujarat. બે દિવસ પહેલા હિંદુ સેના દ્વારા જામનગરમાં ખાનગી જગ્યામાં ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા આ પ્રતિમાને તોડી નાખવામાં આવી હતી. ગાંધીના ગુજરાતમાં ગોડસેની પ્રતિમા સ્થાપીત થતાં ભારે વિવાદ સર્જાયો હતો. પરંતુ ભાજપના એક પણ નેતા દ્વારા આ મામલે ચૂપકિદિ સાધવામાં આવી હતી. જોકે હવે ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે આ મામલે આકરા પ્રશ્નો કર્યા છે. એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રીને ટ્વીટર પર ડેગ કરીને આ વિશે પ્રશ્નો કર્યા છે.

ડૉ. ભરત કાનાબારે ટ્વીટમાં શું લખ્યું?

અમરેલી ભાજપના નેતા ડૉ.ભરત કાનાબારે ટ્વીટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરી સવાલો ઉઠાવતું ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, આઝાદીનો અમૃત મહોત્સવ કે નથુરામ ગોડસેનો પ્રતિષ્ઠા મહોત્સવ. દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ યોજતો હોય ત્યારે ગાંધીજીના જન્મસ્થળથી માત્ર સવાસો કિલોમીટર દૂર તેના હત્યારાની પ્રતિમા મુકાય આનાથી મોટી શરમ કઈ હોય શકે? અને ગાંધીના ગુજરાતમાં આપણે મૂંગા મોઢે આ બધો તમાશો જોયા કરીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. ભરત કાનાબારને ટ્વીટર પર પ્રધાનમંત્રી મોદી ખુદ ફોલો કરે છે. આ ઉપરાંત ડૉ. ભરત કાનાબાર અલગ અલગ વિષયો પર સવાલો ઉઠાવતી ટ્વીટને લઈ હંમેશામાં ચર્ચામાં રહેતા આવ્યા છે.

શું છે ગોડસેની પ્રતિમાનો વિવાદ?

જામનગરમાં હિંદુ સેના દ્વારા બે દિવસ પહેલા નથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કર્યાના અહેવાલો સામે આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. જોકે હિંદુ સેના દ્વારા થોડા સમય પહેલા નથુરામ ગોડસેની પ્રતિમા જાહેરમાં મુકવા માટે તંત્ર પાસે જમીનની માગણી પણ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા હિંદુ સેનાને જમીન ફાળવવાનો ઈન્કાર કરી દેવાયો હતો. જેના બે દિવસ બાદ હિંદુ સેના દ્વારા શહેરમાં ખાનગી જગ્યામાં નથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ખાનગી જગ્યામાં પ્રતિમાની સ્થાપના થઈ હોવાથી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી બીજા જ દિવસે શહેર કૉંગ્રેસ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા ગોડસેની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી. આ મામલે હિંદુ સેના અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે સામસામી પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પરંતુ આ સમગ્ર મામલે ભાજપના તમામ નેતાઓ દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું હતું. જે બાદ માત્ર ડૉ. ભરત કાનાબાર દ્વારા આ મામલે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. ગાંધીના ગુજરાતમાં નાથૂરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના થવાની ઘણો વિવાદ સર્જાયો છે.

Facebook Comments Box

Videos

Our Partners