• પોતાના પેપર ખરાબ જતા નાપાસ થવાનાં ડરે ધો.-10ની એક વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું
  • શરીરે પેટ્રોલ છાટી જાત જલાવી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો
  • પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, નાપાસ થવાના ડરથી તેણીએ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ
  • કોઈપણ છાત્ર આવી ચિંતામાં જણાય તો મનોવિજ્ઞાન ભવનનો સંપર્ક કરવાની અપીલ

WatchGujarat. ગુજરાતભરમાં ધો.-10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી આ પરીક્ષાને લઈને સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓમાં ચિંતા રહેતી હોય છે. અને કેટલીક વખત આ ચિંતામાં છાત્રો ન કરવાનું કરી બેસતા હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોતાના પેપર ખરાબ જતા નાપાસ થવાનાં ડરે ધો.-10ની એક વિદ્યાર્થીનીએ શરીરે પેટ્રોલ છાટી જાત જલાવી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. હાલ તો પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ, આનંદનગર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય ખુશી કિશોરગીરી ગોસ્વામી ધો.-10 માં અભ્યાસ કરતી હતી. અને કડવીબાઈ વિદ્યાલયમાં પરીક્ષા દેવા માટે તેનો નંબર આવ્યો હતો. ગઈકાલે રાત્રે તેણીએ પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરતા તરત જ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે 1.30 નજીક તેણીનું મોત નીપજ્યું હતું. જેને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઘટનાને પગલે સિવિલ ચોકી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. નાપાસ થવાના ડરથી તેણીએ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતકના પિતા ડ્રાઈવીંગ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આશાસ્પદ દીકરીએ આ રીતનું પગલું ભરતા તેઓના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કોઈપણ પરીક્ષા જીવન કરતા વધુ મહત્વની નથી. પરીક્ષામાં ફેલ થઈએ તો ફરીવાર પણ પરીક્ષા આપી શકાય છે. ધોરણ-10 અને 12માં પ્રથમ પ્રયાસે ફેલ થનાર અનેક લોકો IAS બની ચુક્યા છે. ત્યારે માત્ર પરીક્ષામાં ફેલ થવાના ભયે વિદ્યાર્થીઓ આવું કોઈપણ પગલું ન ભરે તેવી વોચ ગુજરાતની અપીલ છે. સાથે કોઈપણ છાત્ર આવી ચિંતામાં જણાય તો મનોવિજ્ઞાન ભવનનો સંપર્ક કરવાની અપીલ પણ છે.

Facebook Comments Box

Videos

Our Partners