• કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેકટની પ્રવર્તમાન સ્થિતિ જારી કરી
  • 1396 પૈકી 1248 હેકટર જમીન સંપાદિત, હજી 148 હેકટર બાકી
  • વન્ય, પર્યાવરણ, કોસ્ટલ તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ
  • સમગ્ર પ્રોજેકટને 27 કોન્ટ્રાકટ પેકેજમાં વહેંચાયો, જે પૈકી 13 પેકેજો આપી દેવાયા
  • વર્ષ 2015 માં અપેક્ષિત કુલ ખર્ચ ₹1,08,000 કરોડ જમીન સંપાદન અને તમામ કરારો પૂર્ણ કર્યા બાદ જ કેટલો વધ્યો તે જાણી શકાશે : રેલમંત્રી

WatchGujarat. મુંબઈ – અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેકટને બે વર્ષનું કોરોના ગ્રહણ નડી જવા સાથે હજી 148 હેકટર જમીન સંપાદિતનો કોયડો ઉકેલાયો નથી. આવા સંજોગોમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની સીમા અવધિમાં વધારો થવા સાથે પ્રોજેકટ કોસ્ટ પણ અનેક કોરોડો વધી જશે. સંસદના નીચલા ગૃહમાં બુધવારે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેકટની પ્રવર્તમાન સ્થિતિ રજૂ કરી હતી.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે સંસદના નીચલા ગૃહમાં મુંબઈ – અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ શેર કરી હતી. પ્રોજેક્ટ સ્ટેટસ રિપોર્ટમાંથી મુખ્ય હાઇલાઇટ્સ પણ તેઓ એ અલગ તારવી હતી.

દેશના પેહલા બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે વન્યજીવન, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) અને ફોરેસ્ટ ક્લિયરન્સને લગતી તમામ વૈધાનિક મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. સબરમતીથી મહારાષ્ટ્ના કુરલા સુધી કુલ જમીનની જરૂરિયાતમાંથી આશરે 1396 હેક્ટર પૈકી લગભગ 1248 હેક્ટર જમીન  અત્યાર સુધી સંપાદિત કરવામાં આવી છે. એટલે કે હજી 148 હેકટર જમીન હસ્તગત કરવાની બાકી છે.

સમગ્ર પ્રોજેક્ટને વડોદરા ખાતેની તાલીમ સંસ્થા સહિત 27 કોન્ટ્રાક્ટ પેકેજમાં વિભાજિત કરવામાં આવ્યો છે.  હાલમાં 13 પેકેજો આપવામાં આવ્યા છે, 3 મૂલ્યાંકન હેઠળ છે અને 2 પેકેજો માટે નોટિસ આમંત્રિત ટેન્ડર (NIT) મંગાવવામાં આવ્યા છે. ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં સ્થિત કુલ 352 કિમી લંબાઈના પ્રોજેક્ટમાંથી 352 કિમી લંબાઈના સિવિલ કામો ડિસેમ્બર 2020 થી વિવિધ તબક્કામાં શરૂ થયા છે.

કોવિડ -19 રોગચાળાની પ્રોજેક્ટ પર પ્રતિકૂળ અસર હોવાનું સ્વીકારતા, કેન્દ્રીય રેલ મંત્રી વૈષ્ણવે કહ્યું કે, પ્રોજેક્ટ ખરેખર વિલંબિત થયો છે.  જો કે, તેમણે પ્રોજેક્ટના અમલીકરણમાં વિલંબ માટે કેટલાક અન્ય પરિબળોને પણ ટાંક્યા હતા. જેમ કે જમીન સંપાદન, ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યમાં અને પરિણામે કરારોને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ થઈ રહ્યો છે.

2015 મુજબ MAHSR પ્રોજેક્ટની કિંમત ₹1,08,000 કરોડ છે. જમીન સંપાદન, તમામ કરારોને અંતિમ રૂપ આપવા અને સંબંધિત સમયમર્યાદા પૂર્ણ થયા પછી જ ખર્ચ અને સમયમાં અપેક્ષિત વધારો સંપૂર્ણપણે જાણી શકાશે તેમણે ઉમેર્યું હતું. બુલેટ ટ્રેન માટે 508.17 કિલોમીટર લાંબુ નેટવર્ક મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે અને પાલઘર અને ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદમાંથી પસાર થશે.

Facebook Comments Box

Videos

Our Partners