• ઉત્તરાયણ પર્વની ઉજવણી વેળાએ પતંગની દોરીથી અનેક અબોલા પશુઓ ઘાયલ થાય છે
  • તેમની સારવાર માટે બે દિવસ સારવાર કેમ્પ પણ કરવામાં આવે છે
  • આજે બે યુવાનોએ 150 જેટલા પશુઓની સારવારની દવાની વ્યવસ્થા કરીને સમાજને નવો માર્ગ ચીંધ્યો

WatchGujarat. ઉત્તરાયણ પર્વની લોકો રંગે ચંગે ઉજવણી કરતા હોય છે. પરંતુ ઉત્સવની ઉજવણી વેળાએ પતંગની દોરીથી અનેક અબોલા પશુઓ ઘાયલ થાય છે. અને તેમની સારવાર માટે બે દિવસ સારવાર કેમ્પ પણ કરવામાં આવે છે. પરંતુ ત્યાર બાદ પશુઓનું શું ?! તેવો વિચાર શહેરની સેવા મનોરથ સમિતીના દીપ પરીખ અને આકાશ પટેલને આવ્યો અને શરૂ થયો અનોખો સેવા યજ્ઞ. આજે બે યુવાનોએ 150 જેટલા પશુઓની સારવારની દવાની વ્યવસ્થા કરીને સમાજને નવો માર્ગ ચીંધ્યો છે.

અનોખો સેવાયજ્ઞ શરૂ કરનાર અને સેવા મનોરથ સમિતીના ફાઉન્ડર દીપ પરીખે જણાવ્યું કે, ઉત્તરાયણ પર ઘાયલ થયેલા પશુઓની બે દિવસ સારવાર કરવામાં આવે છે. જો કે કેટલાક વધારે ઘાયલ પશુઓને વધુ સારવારની પણ જરૂરત હોય છે. જેને લઈને ઘાયલ પશુઓની સારવાર કરતી સંસ્થાઓની મદદ કરવાના ઉદ્દેશ્યથી અમારી સંસ્થા અને સેવાભાવી યુવાને આગળ આવીને પશુઓની સારવાર દત્તક લીધી છે. અને જરૂર પડ્યે ભવિષ્યમાં વધુ પશુઓને સારી સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા માટે અમે તૈયાર છીએ.

સેવાયજ્ઞમાં જોડાનાર આકાશ પટેલે જણાવ્યું કે, પતંગના દોરાથી ઘાયલ થયેલા પશુઓની સારવાર માટે અમે આગળ આવ્યા છીએ. અને 150 જેટલા પશુઓને સારી સારવાર મળી રહે તે માટે તેમને દત્તક લીધા છે. જેમાં પશુઓ જ્યાં છે ત્યાં તેમને સારવાર માટેની જરૂરી દવાઓ પુરી પાડવામાં આવી છે. અન્ય લોકોએ પણ આ પ્રકારે મૂંગા પશુઓની સારવાર માટે આગળ આવવું જોઈએ. આગામી સમયમાં પણ જ્યાં જરૂર જણાય ત્યાં અમે શહેરમાં મદદરૂપ થવા તૈયાર છીએ. આ અંગે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું હતું કે, પશુઓની સારવાર કરતા એન.જી.ઓ.ને મદદ કરવા માટે લોકોએ આગળ આવવું જોઈએ. યુવાનો દ્વારા કરવામાં આવેલા પ્રયાસ સરાહનીય છે.

Facebook Comments Box

Videos

Our Partners