• ઈંડા-નોનવેજની લારીઓ મુખ્યમાર્ગ પરથી હટાવવાને લઈને રાજ્યમાં વિવાદ સર્જાયો
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ આ મામલે આપ્યું નિવેદન
  • નોનવેજની લારીઓ હટાવવાનો કોઈ નિર્ણય લેવાયો નથી, અડચણ રૂપ નહીં હોય તેવી લારીઓ નહીં હટાવાય-પાટીલ
  • કોઈ કંઈ પણ વેચે ભાજપ ક્યારેય નહીં રોકે- સી.આર.પાટીલ

WatchGujarat. રાજ્યના ચાર શહેરોમાં જાહેર સ્થળો પર ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈને ગુજરાતભરમાં વિવાદ સર્જાયો હતો. જે બાદ મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી. હવે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, નોનવેજની લારીઓ હટાવવાનો કોઈ નિર્ણય લેવાયો નથી, અડચણ રૂપ નહીં હોય તેવી લારીઓ નહીં હટાવાય.

આ મામલે વાત કરતાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દેશમાં બે પ્રકારના લોકો છે જે વેજ-નોનવેજ ખાય છે. કોઈ કંઈ પણ વેચે ભાજપ ક્યારેય નહીં રોકે. નોનવેજની લારીઓ હટાવવાનો આદેશ ના હોવો જોઈએ. સી.આર.પાટીલે કહ્યું કે અડચણપૂર નહીં હોય તેવી લારીઓ નહીં હટાવાય, કોઈ પણ વેચાણ અંગે કોઈ વિરોધ નથી. નોનવેજની લારીઓ હટાવવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. માત્ર રસ્તામાં અડચણરૂપ હશે અથવા ફૂટપાથ પર હશે માત્ર તેવી જ વેજ-નોનવેજની લારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મંત્રીઓના નિવેદન અંગે પણ મુખ્યમંત્રીને સુચના અપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.

ઈંડા અને નોનવેજ લારી અંગે સર્જાયેલા વિવાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આણંદના બાંધાણી ગામમાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ પ્રથમવાર રાજ્યની મહાનગરપાલિકામાં ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણય પર નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લારીઓમાં વેચાતો ખાદ્ય પદાર્થ હાનિકારક ન હોય તે જ અમારો પ્રશ્ન છે. ટ્રાફિકને અડચણરૂપ લારી હોય તો હટાવવી પડે. જે ખોરાક ખાવા હોય તે ખાઈ શકે છે, તેની સામે સરકારને કોઈ વાંધો નથી. મહત્વનું છે કે ઈંડા-નોનવેજની લારી હટાવવાનો મુદ્દો દિવસેને દિવસે જોર પકડી રહ્યો છે.

શું છે સમગ્ર વિવાદ

સૌ પ્રથમ રાજકોટ મેયરે શહેરના જાહેર સ્થળો પર નોનવેજની લારીઓ હટાવવા માટેના આદેશ કર્યા હતા. ત્યારબાદ એક પછી એક મોટા શહેરોની મનપા પણ આ પ્રકારના નિર્ણયો લેવા માંડી છે. રાજકોટ બાદ વડોદરાના મેયરે પણ શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢ મહાનગર પાલિકા અને ભાવનગર નગરપાલિકાએ પણ હવે શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. રસ્તા પરથી હવે નોનવેજની લારીઓને દુર કરવામાં આવશે. જો કે આવી જ નોનવેજની લારીઓને કોઈ એક સ્થળે જ રાખવા માટેની પણ વ્યવસ્થા મહાનગર પાલિકાઓ કરી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં પણ નોનવેજની લારીઓને હટાવવાનો તંત્રએ નિર્ણય લીધો છે.

Facebook Comments Box

Videos

Our Partners