• શનિવારથી માતાજીના ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
  • અંબાજી મંદિર ખાતે ખાસ તૈયારીઓ કરવામાં આવી
  • મંદિર ખાતે નવ દિવસ સુધી માતાજીના નામની અખંડધૂન ચાલશે
  • ચૈત્રી નવરાત્રીમાં સવાર-સાંજ 7 વાગ્યે આરતી યોજાશે, આઠમા દિવસે 6 વાગ્યે આરતી થશે

WatchGujarat. આવતી કાલથી એટલે કે 2 અપ્રિલ, શનિવારના રોજથી ચૈત્ર માસની નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે માં અંબાના ધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રીની તૈયારીઓ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર ખાતે સવારની આરતી સાતથી સાડા સાત સુધીમાં યોજાશે. જેનો લાખો માઈભક્તો લાહ્વો લેશે.

હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું અનોખું મહત્વ રહેલું છે. જેથી યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને માઈભક્તો માટે ખાસ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગભાઈ ઠાકરે મીડિયાને જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રી દરમિયાન સાંજે અને સવારે સાત વાગ્યે માતાજીની આરતી કરવામાં આવશે. જ્યારે ચૈત્રી સુદ આઠમના દિવસે માતાજીની આરતી 6 વાગ્યે કરવામાં આવશે. ચૈત્ર પૂનમના દિવસે પણ માતાજીની આરતી 6 વાગ્યે યોજાશે.

ચૈત્રી નવરાત્રીમાં માઈભક્તો માતાજીની આરાધના કરતા હોય છે. જેને લઈને આ વર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી મંદિરના વહીવટદાર, આર.કે.પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, શનિવારથી માતાજીના ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. જેમ આસો નવરાત્રીમાં ચાંચરચોકમાં ગરબાનું આયોજન થતું હોય છે, તેવી જ રીતે ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિર ખાતે નવ દિવસ સુધી માતાજીની અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ચૈત્રી નવરાત્રીમાં પણ યાત્રાધામ અંબાજી ખાતે ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે પધારતા હોય છે. જેથી તેમની સુરક્ષા સહિતની તમામ બાબતોને ધ્યાને રાખીને મંદિરમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૈત્રી નવરાત્રીને પગલે માઈ ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners