• રૂ. 7 કરોડના સુધારા સાથે અમદાવાદની AMTS નું 536.14 કરોડનું બજેટ મંજૂર કરાયું
  • કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને AMTS ના ફ્રી પાસ આપવામાં આવશે
  • 65 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનને પણ AMTS માં વિનામૂલ્યે પ્રવાસનો લાભ લઈ શકશે
  • શહેરના ડેકોરેટીવ શેલ્ટરો પૈકી 100 શેલ્ટરોની સ્ટીલના બનાવવા માટે રૂ. 2 કરોડ ફાળવવામાં આવશે

WatchGujarat. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે રજૂ કર્યુ હતુ. નોંધનીય છે કે રૂ. 7 કરોડના સુધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે કેટલાંક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જે મુજબ હવેથી કોરોના કાળમાં માતા-પિતા કોઈપણ મૃત્યુ પામેલા હોય અને સ્કૂલમાં ભણતાં હોય તેવા બાળકોને AMTS બસમાં ફ્રીમાં મુસાફરી કરવાનો પાસ અપાશે.

મીડિયા અહેવાલ મુજબ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા કુલ બજેટ રૂ. 529.14 કરોડનું મુકવામાં આવ્યું રૂ. 7 કરોડના સુધારા સાથેનું કુલ બજેટ રૂ. 536.14 કરોડનું મંજુર કરાયું છે. જેમાં  ભારત સરકારના ડીજીટલ ઈન્ડીયાના ઝુંબેશના ભાગરૂપે BRTS ના ધોરણે અ.મ્યુ.ટ્રા.સ. ખાતે PAY TM એપ દ્વારા QR કોડ જનરેટ કરી ડીજીટલ ટિકિટિંગનો અમલ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હવે 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સીટીઝનો પણ AMTS માં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આ ઉપરાંત મ્યુનિ. સ્કુલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ વિનામૂલ્યે અવરજવર કરી શકશે.

નવુ બજેટ રજૂ કરવા સાથે ચેરમેન વલ્લભભાઈ પટેલે ચાલુ વર્ષે વધુ બસો દોડાવવાની પણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 40 બસો AMTS અને 900 બસો કોન્ટ્રાક્ટરની દોડે છે. શહેરમાં 50 ઈલેક્ટ્રોનિક બસો દોડાવાશે. આ સાથેકોન્ટ્રાક્ટરોને 10 ટકા સુધીની પેનલ્ટી કરવામાં આવે છે. 450 જેટલી નવી બસો મેળવીને વધુ ફ્રીકવન્સી પૂરી પડાશે. AMTS પોતાની  માલિકીની 50 બસો 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ખરીદાશે અને શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપર જરૂરીયાત મુજબ બે ભાગમાં સંચાલનમાં મુકવામાં આવશે. મહત્વનું છે કે શહેરના ડેકોરેટીવ શેલ્ટરો પૈકી 100 શેલ્ટરોની સ્ટીલના બનાવવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 2 કરોડ ફાળવવામાં આવશે. આ સાથે નવરંગપુરા બસ ટર્મિનસ વિકસાવવા રૂ. 1 કરોડ, મેમનગર ટર્મિનસમાં આરસીસી  રોડ બનાવવા રૂ. 1 કરોડ ફાળવવામાં આવશે તેવી ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે આ અગાઉ પણ AMTS ના પૂર્વ ચેરમેનો દ્વારા 1,000 બસો દોડાવવાના દાવા કરાયા હતા. જે સદનંતર પોકળ પુરવાર થયા છે. ત્યારે હાલમાં ચેરમેન વલ્લભભાઈ પટેલે કરેલા દાવા કેટલા પુરવાર થાય છે તે જોવાનું રહ્યું છે. જોકે, આ પ્રકારના દાવા અંગે હાલના ચેરમેન વલ્લભ પટેલ અજાન હોવાનું જણાવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners